શ્રીલંકા ક્રિકેટ ટીમ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની T-20 સિરીઝ રમાશે. જેના માટે શ્રીલંકાએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઘણા ખેલાડીઓને ટીમમાં તક મળી છે, જ્યારે ઘણા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. શ્રીલંકા 3 મેચની ODI અને T20 સીરીઝ રમવા ન્યુઝીલેન્ડના પ્રવાસે જશે.
સ્ટાર ખેલાડી થયો બહાર
ક્રિકેટ શ્રીલંકાએ T20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં દુનિથ વેલ્લાલાગેને તક મળી નથી. તે T20 સિરીઝનો ભાગ નથી. દુનિથ વેલ્લાલાગેને સ્ટાર ખેલાડી તરીકે જોવામાં આવે છે. 21 વર્ષના આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની ઊંડી છાપ છોડી છે. તેને સામેલ ન કરવા પાછળનું કોઈ કારણ બહાર આવ્યું નથી. ન્યુઝીલેન્ડની પરિસ્થિતિમાં તેની બોલિંગ બહુ ઉપયોગી સાબિત નથી થતી. કદાચ આ જ કારણ હતું કે તેને બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ સિરીઝની કમાન ચરિથ અસલંકાને આપવામાં આવી છે.
ન્યુઝીલેન્ડે કરી નવા કેપ્ટનની જાહેરાત
ન્યુઝીલેન્ડે ODI અને T20 ફોર્મેટ માટે નવા કેપ્ટનની જાહેરાત કરી છે. મિચેલ સેન્ટનરને જવાબદારી મળી છે. તેને કેન વિલિયમસનનું સ્થાન લીધું છે. ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે 28 ડિસેમ્બરથી 3 મેચની T20 સીરીઝ રમાશે. બીજી મેચ 30 ડિસેમ્બરે રમાશે. ત્રીજી મેચ 2 જાન્યુઆરીએ રમાવાની છે.
ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાની ટીમ
ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ, અવિષ્કા ફર્નાન્ડો, દિનેશ ચંડીમલ, કામિન્દુ મેન્ડિસ, ભાનુકા રાજપક્ષે, વાનિન્દુ હસરંગા, ચામિન્દુ વિક્રમસિંઘે, મથિશા પાથિરાના, જેફરી વાન્ડરસે, નુવાન તુશારા, અસિથા ફર્નાન્ડો, બિનુરા ફર્નાન્ડો, મહેશ થિક્ષાના.