વિશ્વની સૌથી મોટી સમસ્યા એ છે કે માણસો સીમિત વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા સાથે કામ કરી રહ્યા છે. મહત્ત્વાકાંક્ષા રાખીને કામ કરવાને બદલે, જો લોકો તેમના પોતાના એક વિઝન માટે કામ કરે, પોતાના માટે અને તેમની આસપાસના બધા માટે જીવનના એક ઊંડા વિઝન સાથે કામ કરે, તો તેમની મહત્ત્વાકાંક્ષાઓ ક્યારેય કોઈ બીજાના વિઝન સાથે સંઘર્ષમાં આવશે નહીં,
કેમ કે મૂળભૂત રીતે બધા માણસો માનવ સુખાકારી માટે જ કામ કરી રહ્યા છે. વાત ખાલી એટલી જ છે કે માનવ સુખાકારીની સંભાળ તમે કેટલી માત્રામાં લો છો તે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે છે. એક વ્યક્તિ માટે માનવ સુખાકારીનો અર્થ ફક્ત તેની પોતાની સુખાકારી હોઈ શકે છે. બીજી વ્યક્તિ માટે તેનો અર્થ તેના કુટુંબની સુખાકારી હોઈ શકે છે. કોઈ બીજી વ્યક્તિ માટે તેનો અર્થ તેના સમુદાય અથવા તેના દેશની સુખાકારી હોઈ શકે છે. બીજા કોઈ વ્યક્તિ માટે તેનો અર્થ આખી માનવતાની સુખાકારી હોઈ શકે છે. આ ધરતી પર એવું કોઈ નથી કે જેને માનવ સુખાકારીની પરવાહ ન હોય. તફાવત ખાલી તેની માત્રાનો છે.
જો દરેક માણસ એક વિશાળ વિઝન સાથે કામ કરે તો કોઈ પણ વસ્તુની માત્રા ઘટાડવાની જરૂર નથી. આમ પણ તમે સુખાકારી ઈચ્છો છો. હું ફક્ત એટલું જ કહું છું કે, તમે તમારી ઈચ્છાઓ પ્રત્યે કંજૂસ કેમ છો? તમે શા માટે ઉદાર નથી બનતા? શા માટે તમારી ઈચ્છાઓ અનંત નથી? તે ફક્ત `હું સારી રીતે રહેવા માંગુ છું’ એ વિશે નથી. `હું ઈચ્છું છું કે આખી દુનિયા સારી રીતે રહે. હું ઈચ્છું છું કે આખું અસ્તિત્વ સારું રહે. હું ઈચ્છું છું કે દરેક જીવ સારી રીતે રહે.’ હું ઈચ્છું છું કે તમે તમારી મહત્ત્વાકાંક્ષા પ્રત્યે ખરેખર લાલચું બનો. પોતાના માટે તમારી જે પણ મહત્ત્વાકાંક્ષા છે, તેને આખી માનવતા કે આ ધરતી પરના તમામ જીવો માટે લાગુ કરો. પછી તેને ઓછી કરવાની જરૂર નથી. હું તમને કહું છું તેને વધારો, તેને ઓછી ન કરો. અત્યારે સમસ્યા એ છે કે તમે તેને ઓછી કરી નાખી છે.
આ બધી ફિલોસોફી, શું એક ઉદ્યોગપતિ માટે શક્ય છે? તે ઘણી હદે શક્ય છે અને શક્ય છે એટલું જ નહીં; ખાસ કરીને ઉદ્યોગપતિ માટે તે જરૂરી છે, કેમ કે ઉદ્યોગ વિસ્તરણ વિશે છે. શું વિસ્તરણ સમાવેશને કારણે થાય છે કે પછી જો તમે બળજબરીથી કંઇક લઈ લો તો થાય છે? જો તમે બળજબરીથી કંઇક લો છો, તો તમે ક્યારેય તમારી પૂરી ક્ષમતા સુધી વિસ્તરિત થઈ શકશો નહીં. જો દુનિયા તમે જેવી ઈચ્છો છો તેવી બનવા માટે રાજી હોય, તો જ તમે બધું લઈ શકશો. મહત્ત્વાકાંક્ષા વધુ વિશે છે, વિઝન બધે બધા વિશે છે.
ભારતીય દંતકથાઓમાં એક સુંદર વાર્તા છે. એક વાંદરો એક ઘરમાં જાય છે અને તેને સૂકા મેવાથી ભરેલી બરણી મળે છે. તે પોતાનો હાથ અંદર નાખે છે અને મુઠ્ઠી ભરીને સૂકો મેવો લે છે. તે બરણી ઉપરથી ખૂબ જ સાંકડી છે એટલે તેનો હાથ અટકી જાય છે. વાંદરાએ થોડો મેવો છોડવો પડશે, પણ તે મહત્ત્વાકાંક્ષી છે એટલે તે એવું નહીં કરે. તે ખેંચે છે પણ હાથ બહાર આવતો નથી. પછી એક સમજદાર વાંદરો આવે છે અને કહે છે, `આ રીતે નહિ થાય. મેવો છોડી દો.’ અને તેઓએ સાથે મળીને બરણી પલટી નાખી અને બધો મેવો બહાર આવી ગયો. આપણે `વધુ’થી `બધા’ તરફ જવું પડશે. જો તમે `વધુ’થી `બધા’ સુધી જાઓ છો, તો તેનો અર્થ એ છે કે તમે `મહત્ત્વાકાંક્ષાથી વિઝન તરફ’ પ્રગતિ કરી છે.