પ્રાચીન સમયમાં `આયુ’ નામે એક રાજા થઈ ગયો. તે રાજા `ગૌબ્રાહ્મણ પ્રતિપાલ’ અને અતિ પરાક્રમી હતો. રાજા-રાણી નિ:સંતાન હતાં. રાણીનું નામ હતું ઈન્દુમતી. આ દંપતીએ દાન-ધર્માદો કરવામાં પાછું વાળીને જોયું ન હતું. ઈન્દુમતીએ પણ બાધા-આખડી, માનતા, દોરા-ધાગા અને વ્રત કરવામાં બાકી રાખ્યું ન હતું. વંશવેલો કોણ આગળ ધપાવશે તેની ચિંતા રાજા-રાણીને કોરી ખાતી હતી.
પોતાને ત્યાં પારણું બંધાય તેથી તેમણે શૌનક મુનિને પૂછ્યું કે, `હે મુનિવર્ય! કયું વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ થાય તે અમને દર્શાવો.’ મુનિવર્યે ગુરુ દત્તાત્રેયનું વ્રત વિધિસર કરવા અનુરોધ કર્યો. આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી તમારી આ શુભ મનોકામના જરૂર પરિપૂર્ણ થશે.
શૌનક મુનિએ રાજાને કહ્યું કે, ભગવાન દતાત્રેયને પ્રસન્ન કરવા સહ્યાદ્રી પર્વત પર માહુરગઢ મુકામે આશ્રમમાં જઈને ભગવાન દત્તની સેવા કરજો. રાજાને આશીર્વાદ આપી મુનિવર્ય વિદાય થયા.
આયુ રાજા આશ્રમમાં સેવા અર્થે જવાના હતા, તેથી પ્રધાનને રાજ્ય કારભાર સુપરત કરી માહુરગઢ આવી પહોંચ્યા. ભગવાન દત્ત તો ત્રિકાળજ્ઞાની હતા. રાજાના આગમનનું કારણ તેઓ જાણતા હતા. દત્ત ભગવાને માયાવી લીલા રચીને અનેક પ્રકારે રાજાની કસોટી કરી, પણ આયુ રાજા ચલિત થયા નહીં, તેમની ભક્તિ સાચી હતી. રાજાએ આશ્રમમાં રહીને ગુરુ દત્તાત્રેયની નિષ્ઠાપૂર્વક સેવા કરી. ભગવાન દત્તે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. રાજાએ પુત્રપ્રાપ્તિ માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ભગવાન દત્તે પ્રસાદ આપ્યો અને તે પ્રસાદ રાણીને ખવડાવવા કહ્યું. આ પ્રસાદ ખાવાથી રાણી એક પ્રતિભાશાળી પુત્રને જન્મ આપશે. આ પરાક્રમી પુત્ર દૈત્યોનો સંહાર કરવા શક્તિમાન હશે.
રાણીએ ભગવાન દત્તની આજ્ઞા મુજબ વિધિપૂર્વક સત્યદત્ત દેવનું વ્રત કર્યું, પ્રસાદ આરોગ્યો અને સમય જતાં તેને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો.
એ અરસામાં `હુંડ’ નામના રાક્ષસથી દેવો અને માનવો ત્રાહિમામ્ પોકારી ગયા હતા.તેણે શિવકન્યાને મેળવવા ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ કારી ફાવી નહીં. આ શિવકન્યાએ ક્રોધાવેશમાં કહ્યું હતું કે, `આયુરાજનો પુત્ર તારો સંહાર કરશે. આ શાપથી તે આકુળવ્યાકુળ બની ગયો. પોતાની માયાવી શક્તિથી તે રાજમહેલમાં પહોંચી ગયો. નવજાત શિશુને મારી નાખવા તે કટિબદ્ધ થયો હતો, જેથી કરીને પોતે મૃત્યુના મુખમાંથી ઊગરી જાય.’
હુંડ રાક્ષસ પરકાયા પ્રવેશનો મંત્ર જાણતો હતો. તે સૂતેલા કુમારને ઉપાડી કાંચનનગરમાં પોતાના મહેલમાં આવી પહોંચ્યો. વહેલી સવારે જોયું તો કુંવર મળે નહીં. રાજાએ સૈનિકોને ચારેય દિશામાં મોકલ્યા, પણ પત્તો લાગ્યો નહીં. રાજા-રાણીએ ભગવાન દત્તની સ્તુતિ કરી. એ જ વખતે દેવર્ષિ નારદે રાજમહેલમાં આવીને રાજા-રાણીને કહ્યું કે, `હુંડ નામનો રાક્ષસ તમારા પુત્રને મારી નાખવાના આશયથી ઉઠાવી ગયો છે, પરંતુ ભગવાન દત્તની કૃપાથી તમારો પુત્ર જીવિત છે અને તે વશિષ્ઠ મુનિના આશ્રમમાં છે.’
તમારો પુત્ર હુંડાસુર રાક્ષસનો સંહાર કરીને, એક સ્વરૂપવાન કન્યા સાથે લગ્ન કરીને તમારી પાસે આવશે. ભગવાન દત્તની એના પર અસીમ કૃપા છે, તેથી તેને કંઈ આંચ આવશે નહીં. રાજ્યના વારસદાર તરીકે તમારું રાજ્ય એ સુંદર રીતે ચલાવશે માટે ચિંતા કરશો નહીં. નારદજી રાજાને આ પ્રકારે આશ્વાસન આપી વિદાય થયા.
હુંડ રાક્ષસે પોતાની પત્નીને કુંવર સોંપ્યો અને કહ્યું કે, `તેને મારીને એના માંસનું ભોજન તૈયાર રાખજે.’ રાણીએ રસોયણ બાઈને બાળક સોંપી તેનું કાસળ કાઢી નાખવા કહ્યું અને તેના માંસનું ભોજન તૈયાર રાખવા આજ્ઞા કરી.
રસોયણે તલવાર ઉગામી પ્રહાર કરવા જાય છે ત્યાં કુંવરની આસપાસ ભગવાનનું ચક્ર ફરતું જોયું. આ ચમત્કાર નિહાળી કુંવરને કપડામાં લપેટી વશિષ્ઠ ઋષિના આશ્રમના પ્રાંગણમાં મૂકી આવી અને હરણનું માંસ રાંધીને હુંડાસુરને ભોજન કરાવ્યું. હુંડાસુરને હવે હૈયે ધરપત થઈ ગઈ કે પોતાનો વધ કરનાર હવે આ દુનિયામાં રહ્યો નથી.
વશિષ્ઠ ઋષિએ યોગબળથી કુંવરનું ભવિષ્ય જાણી લીધું. માતા અરુંધતીએ આ અનાથ બાળકનો સર્વાંગી વિકાસ કર્યો. તેનું નામકરણ `નહુષ’ રાખવામાં આવ્યું. યોગ્ય ઉંમરે યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યો. નહુષ શિકાર કરવા ગયો હતો ત્યાં તેણે આકાશવાણી સાંભળી. `હે નહુષ! તું ઋષિપુત્ર નથી. વશિષ્ઠ મુનિ તો તારા પાલક પિતા છે. તારાં સાચાં માતા-પિતા તો રાણી ઈન્દુમતી અને આયુરાજા છે. તેઓ તારી રાહ જોઈને દિવસો પસાર કરી રહ્યાં છે. માતા-પિતાને મળતા પહેલાં તારે હુંડ રાક્ષસનો વધ કરી મહેલમાં બંદીવાન બનાવેલ અશોક સુંદરીને મુક્ત કરી, તેની સાથે લગ્નગ્રંથિથી જોડાવાનું છે. ભગવાન દત્ત તારી સાથે છે.’
ગુરુવર્ય વશિષ્ઠને નહુષે આકાશવાણીની વાત કહી સંભળાવી. ગુરુદેવના આશીર્વાદ લઈ ગુરુ દત્તાત્રેયનું સ્મરણ કરી હુંડ રાક્ષસનો વધ કરવા નીકળી પડ્યો.
દેવાધિદેવ ઈન્દ્રે પોતાનો રથ અને આયુધો અર્પણ કર્યાં. હુંડાસુરને જાણ કરવામાં આવી કે આયુરાજાનો પુત્ર નહુષ સૈન્ય સાથે યુદ્ધ કરવા આવી રહ્યો છે.
ગુરુ દત્તાત્રેયની સહાયથી નહુષે હુંડને મોતને ઘાટ ઉતારી દીધો અને અશોકસુંદરીને મુક્ત કરી, ગુરુ વશિષ્ઠના આશ્રમમાં બંને આવી પહોંચ્યાં. મુનિવર્યે વિધિપૂર્વક બંનેનાં લગ્ન કરી આપ્યાં.
નહુષ અને તેની પત્ની અશોકસુંદરી આયુરાજાના મહેલમાં આવી પહોંચ્યાં. નહુષે સઘળી હકીકત માતા-પિતાને કહી સંભળાવી. ભગવાન દત્તના પ્રભાવથી પુત્રવધૂ સાથે પુત્રનું સુખદ મિલન માતા-પિતાને થયું. રાજાએ નહુષનો રાજ્યભિષેક કર્યો અને પોતે શેષ જીવન ગુરુ દત્તાત્રેયની ભક્તિમાં પ્રસાર કર્યું. ભગવાન દત્તાત્રેયની કૃપાથી રાજા-રાણીનું જીવન સાર્થક થયું અને બંને મોક્ષગતિને પામ્યાં. નહુષ પણ ભગવાન દત્તની કૃપાથી સુખરૂપ રાજ્ય ચલાવી આત્યંતિક કલ્યાણને પામ્યો.
ગુરુવારની વ્રતકથાનું શ્રવણ કે પઠન કરનાર વ્રતકર્તા સુખ-શાંતિ પ્રાપ્ત કરે છે અને અંતકાળે મોક્ષગતિને પામે છે.