મધ્યાહ્નનો સમય છે. રાજગૃહી નગરીમાં એક મુનિવર ગૌચરી માટે ફરી રહ્યા છે.મધ્યાહ્નના સમયે મુનિ જમીન ઉપર દૃષ્ટિ રાખીને ચાલી રહ્યા છે. આસપાસમાં શું થઇ રહ્યું છે એનાથી તદ્દન બેખબર આગળ વધી રહ્યા છે. નીચી નજરોના ફાયદા પણ ઘણા છે.
એક સોનીની દુકાન આવી. સોની સોનાના જવના આકારના દાણા ઘડી રહ્યો છે. એની નજર મુનિ ઉપર પડી. એને ભાવ જાગ્યો. આવા મુનિને આહાર અર્પણ કરીએ તો આપણું અનાજ-રસોઈ પણ ધન્ય બની જાય. દાણા ઘડવાનું એક બાજુ મૂકીને એ તો ઊભો થઇ ગયો. મુનિને વંદન કર્યાં અને વિનંતિ કરી, ભગવંત, આ રહ્યું મારું ઘર. મારા ઘરે પધારો અને આહારનો લાભ આપો.
સોની રાજા માટે જવ જેવા દાણા ઘડતો હતો. રાજગૃહીના રાજા-મહારાજા શ્રોણિક માટે ઘડતો હતો. કહે છે કે રાજગૃહીનો રાજા શ્રોણિક રોજ સવારે ભગવાન મહાવીર જે દિશામાં હોય એ દિશામાં થોડે સુધી જાય. મનમાં કલ્પના કરે કે મારી સામે જ ભગવાન મહાવીર ઊભા છે એમ સમજીને પેલા દાણાથી ભગવાનને વધાવે. અરે! સમાચાર લાવવા માટે પણ કેટલાક માણસોને રાખેલા. એ રોજ સવારે આમને સમાચાર આપી જાય કે આજે ભગવાન પૂર્વ દિશામાં છે કે પશ્ચિમ દિશામાં છે. રાજા ભગવાનને વધાવે નહીં ત્યાં સુધી અન્ન કે જળનું એક ટીપું પણ પોતાના મોંમાં નાખે નહીં.
રાજા વધાવે તો એક કે બે દાણા તો ન જ હોય ને?!એ તો ખોબો ભરીને જ ઉપયોગ કરાય. આજે મહાત્મા આવ્યા. એમને આહાર અર્પણ કરવો છે, મારે લાભ લેવો છે. ઉમળકો છે, ઉત્સાહનો અતિરેક છે. એણે તો મુનિને પોતાની દુકાનમાં બોલાવ્યા. દુકાનમાં એક ખૂણામાં મહાત્મા ઊભા છે. એણે મહાત્માને વિનંતિ કરી, આપ અહીં જ ઊભા રહેજો, હું હમણાં અંદરથી આહારનાં વાસણો લઇને આવું છે. મહાત્મા ઊભા છે. પેલો સોની આહાર લેવા અંદર ગયો એ સમયે એક વિચિત્ર ઘટના બની. એક ક્રૌંચ પક્ષી આવ્યું. આસપાસમાં જ ઝાડ ઉપર રહેતું હશે. આવીને સીધી તરાપ મારી બે-ચાર દાણા એ તો ચણી ગયું. નાના દાણા હતા. સરસ દેખાતા હતા. પક્ષીને એમ કે આ ખાવા માટે જ હશે. એ ચણીને પાછાં બીજી બાજુ જતાં રહ્યાં.
એટલામાં પેલો સોની આવ્યો. એણે મુનિને આહાર અર્પણ કર્યો અને પછી સોનાના દાણા તૈયાર કરવા બેઠો. સામે જ દાણા હતા, પણ જ્યારે કામ છોડીને ઊભો થયો એ સમયે આ દાણા આટલા ન હતા, આનાથી તો ઘણા વધારે હતા, તો ક્યાં ગયા? નક્કી આ મુનિની જ કરામત હોવી જોઇએ. સ્વાભાવિક રીતે મુનિ ક્યારેય આ રીતે કોઈની વસ્તુ લે નહીં, પણ અહીં ઓછા થયા છે એ હકીકત છે અને કોઈ માણસ અહીં નવો નથી આવેલો તો શંકાની સોય તો મુનિ તરફ જ જવાની.
છતાં સોની મુનિને પૂછે છે, આ દાણા કોણે લીધા? હવે મુનિ પણ ફસાયા છે. એ જો એમ કહે કે આ ક્રૌંચ પક્ષી દાણી ચણી ગયા છે, તો એમની વાત કોઈ સાંભળવાનું નો’તું અને કદાચ સાંભળે પણ તો પેલા પક્ષીના રામ રમી જવાના હતા. મુનિ ક્યારેય બીજાના અનિષ્ટ માટે તો તૈયાર જ ન હોય. ભલે મને શિક્ષા થશે તો સ્વીકારવાની મારી તૈયારી છે. મુનિ મૌન છે. પેલા સોનીએ બહુ પૂછપરછ કરી પણ મુનિ બોલે કેવી રીતે કે તારા દાણા મેં નહીં, પણ આ પક્ષી ચરી ગયાં છે. સોની પણ આખરે તો માણસ જ હતો. એને ચિંતા હતી રાજાના માણસોએ સોનાની નોંધ કરી હોય અને દાણા તપાસશે. વજન ઓછું થશે તો શંકા તો મારા તરફ જ જવાનીને! પછી શિક્ષા મારે જ ભોગવવાની. ચોરી આ મુનિ કરે અને શિક્ષા મારે શા માટે ભોગવવી પડે?
મુનિ સાચું બોલો, દાણા તમે લીધા હોય તો પાછા આપી દો, નહીં તો હું જ શિક્ષા કરીશ. જે હોય તે સાચું બોલો, નહીં તો શિક્ષા માટે સજ્જ બનો.
મુનિ બોલે તો સત્ય જ બોલે અથવા મૌન રહે. ગમે તે થાય, પણ અસત્ય ન બોલે. સત્ય બોલતાં અન્યને નુકસાન થાય એવું સત્ય પણ ન બોલે. સાચું બોલવામાં પક્ષીને મારી શકે છે એ તો બિલકુલ ખોટું છે. ભલે એ એમ સમજે કે દાણા મેં લીધા છે. મને ચોર સમજે, શિક્ષા કરે તો મારે સહન કરવું. મુનિના મૌનના કારણે સોની ગુસ્સે ભરાણો. આ મુનિનો પણ ઇતિહાસ હતો.
રાજગૃહી નગરીમાં એક શેઠાણી હતાં. એમના આંગણે એક ચાંડાલની સ્ત્રી આવતી. ક્યારે કોને કોની સાથે આત્મીયતા બંધાય એનું કોઈ ચોક્કસ કારણ હોતું નથી. એ તો બરાબર, પણ ક્યારેક ઊંચ-નીચનો ભેદ પણ લાગણી હોય ત્યાં રહેતો નથી. શેઠાણી અને ચાંડલની વચ્ચે સ્નેહનો સેતુ રચાઈ ગયો છે. શેઠાણીને એવી તકલીફ હતી કે એનાં સંતાન જન્મતાં ને તરત મરી જતાં. ઉંમર વીતતી જાય એમ ચિંતા વધતી હોય, પણ આનો તો રસ્તો પણ શું થાય?
ચાંડાલનીને દીકરા ઘણા હતા અને હવે એ કંટાળેલી હતી. બંને બહેનપણીઓ થઇ ગઈ છે. એકબીજાનાં સુખ-દુઃખમાં સહભાગી થવાની ઉભયની માનસિકતા છે. શેઠાણીએ પ્રપોઝલ મૂકી, તારે જે સંતાન થાય એ આ વખતે મને આપી દેજે, એને હું જ ઉછેરીશ. ચાંડાલનીનું નામ મેતી હતું. એણે કહ્યું, મારું સંતાન તો હું તમને આપીશ, પણ મારી એક શરત હશે, મંજૂર છે? તારી શરત હું જાણી શકું? મારી શરત તો માત્ર એટલી જ છે કે સંતાનના નામમાં મારું નામ રાખવું.
આ બાજુ શેઠાણીને બાળક જન્મ્યું અને પેલી ચાંડાલનીએ પણ બાળકને જન્મ આપ્યો. શેઠાણીનું બાળક તો જન્મતાં જ પરલોકગમન કરી ગયું. ચાંડાલનીએ શેઠાણીને બાળક આપ્યું. નિયમ પ્રમાણે મેતીના દીકરાનું નામ મેતાર્ય રાખ્યું.
એ ભણીગણીને તૈયાર થયો. ઉંમરલાયક થયો. શ્રીમંતોનાં સંતાનોમાં હોય એવા બધા દુર્ગુણો મેતાર્યમાં દેખાવા લાગ્યા. માતા-પિતા એને સમજાવે, પણ સમજે તો ને! મેતાર્ય પૂર્વ ભવમાં દેવલોકમાં દેવ હતો. એણે મિત્ર દેવને સૂચના આપી રાખેલી કે મનુષ્ય ભવમાં હું કદાચ ભૂલો પડું તો તું આવીને મને યાદ કરાવજે. મેતાર્યની દરેક ગતિવિધ પેલા મિત્ર દેવને દેખાતી હતી. એણે બિહામણાં સ્વપ્નો દ્વારા મેતાર્યને જગાડવાના અનેક પ્રયત્નો કર્યા, પણ મેતાર્ય કોઈ વાત સમજવા જ તૈયાર ન થાય. બિચારો દેવ પણ શું કરી શકવાનો હતો! બિહામણાં સપનાંની એના ઉપર કોઈ અસર ન થઇ એટલે એ દેવે મેતાર્યની ઇમેજ ઉપર તરાપ મારી. આખા ગામમાં લોકો એના વિશે ટીકા ટિપ્પણી કરવા લાગ્યા.
માણસને પોતાના વિશે કોઈ ખરાબ વાતો કરે એ તો કેવી રીતે ગમે? મેતાર્યને પણ ન ગમ્યું, પણ હવે કરવાનું શું? ગામના મોઢે ગરણું થોડું બંધાય? આવી ખરાબ વાતો ચાલવા પણ ન દેવાય. તો કરવું શું? બિચારો મેતાર્ય માનસિક રીતે હતાશ થઇ ગયો. એની સામે કોઈ નજર કરે તો પણ એવું લાગે કે જાણે મારી સામે જુએ છે. કોઈ વાત કરતું હોય તો પણ એને લાગે કે મારા વિશે જ વાત કરે છે. હવે આ ખાડામાંથી બહાર નીકળવા કંઇક કરવું પડશે. પેલો દેવ આવ્યો, કેમ ભાઈ શું વિચાર છે?
ભઈ, હવે તો થાકી જ ગયો છું, પણ મારી ઇમેજ પહેલાં જેવી થાય તો હું બધું કરું. કંઇ વાંધો નહીં, તારી ઇચ્છા પ્રમાણે બધું જ થાય, પણ તારે મને ખાત્રી આપવી પડે કે હું મારો રસ્તો બદલીશ. મેતાર્યએ ખાત્રી આપી તમે જેમ કહેશો એમ કરીશ અને દેવે પોતાની માયાજાળનો ઉપયોગ કરીને આખું વાતાવરણ બદલાવી નાંખ્યું. જે લોકો મેતાર્યની નિંદા કરતા હતા એ બધા એની પ્રશંસા કરવા લાગ્યા. એટલું જ નહીં મગધ સમ્રાટ શ્રોણિકની રાજકુમારી સહિત બીજી સાત એટલે આઠ કન્યાઓ સાથે એનાં લગ્ન કરાવ્યાં. એના હૃદયના ભાવોમાં કુદરતી જ ફરક દેખાવા માંડ્યો. એના હૃદયમાં ભાવ જાગ્યો કે મારે દીક્ષા લેવી છે અને એણે દીક્ષા લીધી. મેતાર્ય હવે `મેતારજ’ મુનિ તરીકે પ્રસિદ્ધ થયા. મધ્યાહ્નના સમયે આહાર ગ્રહણ કરવા માટે નગરમાં ફરી રહ્યા છે. ફરતાં ફરતાં પેલા સોનીની દુકાનમાં સોનીના આગ્રહથી આવ્યા અને આ ઘટના બની.
ખિજાયેલા સોનીએ મેતાર્ય મુનિને શિક્ષા કરવાનું મન બનાવી લીધું. ચામડાની દોરી એની પાસે તૈયાર હતી. એને પલાળીને મહાત્માના માથા ઉપર બરાબર કસીને બાંધી અને પછી તડકામાં ઊભા રાખ્યા. જેમ ગરમી થવા લાગી એમ એમ પેલી દોરી સુકાવા લાગી. એના શરીરનાં હાડકાં તૂટવા લાગ્યાં.
પેલા પક્ષીઓ ત્યાં જ એક નાના વૃક્ષ ઉપર, બારી ઉપર એમ ફર્યાં કરતાં હતાં. આ બાજુ મહાત્માની વિચારધારા આગળ વધે છે. આ શરીરનો અને મારો સંબંધ આ ભવ પૂરતો જ છે. આ ઉપસર્ગના કારણે ક્રોધ કરીને કર્મબંધ કરીશ તો એના કારણે મારો આવતો ભવ પણ બગડવાનો છે. સમભાવથી સહન કર. આત્મા અને શરીરની ભેદરેખાને યાદ કર. આ રીતે ઊંડા ચિંતનમાં ઊતરી ગયા. એ જ સમયે એમને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે અને મોક્ષમાં જાય છે. શરીર નિશ્ચેતન બનીને ભૂમિ ઉપર પડે છે. પેલું પક્ષી સોનીની પાસે જાય છે, ચરકે છે. એની ચરકમાં પેલા સોનાના દાણા નીકળે છે. સોની જુએ છે. એને પોતાની ભૂલ સમજાઈ. એને પશ્ચાત્તાપ થયો. મુનિનો ઓઘો (સાધુની ઓળખ) લઇ લીધો. મુનિનો વેશ ધારણ કરી લીધો. આપણે પણ સત્યવ્રતવાળા તો બનીએ, પણ સત્ય પણ કઠોર હૃદયપૂર્વક ન બોલીએ. ભલે સહન કરવાનું થાય તો કરી લઇએ, શું ફરક પડે? સરવાળે તો લાભ જ થવાનો.