ભગવાન ઈસુનો જન્મ જેરુસલેમમાં થયો હતો. તેમના જન્મ સમયથી જ ઈસવીસનની ગણતરી કરવામાં આવે છે. બાઈબલનાં સૂત્રો પ્રમાણે મરિયમને સંદેશો મળ્યો હતો કે તેની કૂખેથી ઈશ્વરપુત્ર જન્મ લેશે. યહૂદી ધર્મના જ્ઞાતાઓએ સદીઓ પહેલાં એક ઉદ્વારક, મુક્તિદાતા જન્મ લેશે તેવી ભવિષ્યવાણી કરી હતી. આશરે બે હજાર વર્ષ પહેલાંની આ વાત છે.
ફિલિસ્તાનમાં એ વખતે હિરોદનો રાજા રાજ કરતો હતો. તે સમયે મરિયમે જગતના ઉદ્વારક ઈસુ મસીહાને જન્મ આપ્યો. ઈસુનો જન્મ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં થયો હતો. મરિયમને પ્રસૂતિ સમયે કોઈ ધર્મશાળા પણ મળી ન હતી અને ભગવાન જ્યારે ધરતી પર અવતર્યા ત્યારે પ્રથમ શ્વાસ તેમણે એક ગમાણમાં લીધો હતો અને જન્મ બાદ ઈસુને પશુના ચામડામાં વીંટાળવા પડ્યા હતા.
આઠમા દિવસે તેનું નામકરણ કરવામાં આવ્યું. તે સમયે એક એવી ધાર્મિક માન્યતા હતી કે જન્મેલા બાળકને ચર્ચમાં લાવીને પ્રભુનાં દર્શન કરાવવાં. ત્યારે મરિયમ પણ તેના પુત્રને લઈને જેરુસલેમના ચર્ચમાં આવતી. ઈસુનો તો જન્મ જ એક મહાન ઉદ્દેશ્ય માટે થયો હતો, તેથી તે આ ચર્ચ અને આધ્યાત્મિક વાતાવરણથી બહુ પ્રભાવિત થતા હતા. તે જ્યારે બાર વર્ષના થયા ત્યારે તે જેરુસલેમના ચર્ચના પાદરી સાથે પણ સત્યની શોધની માર્મિક ચર્ચા કરતા. સત્યની ખોજની વૃત્તિ તેમનામાં બાળપણથી જ હતી.
દીક્ષા ગ્રહણ કરી
ઈસુ જ્યારે ત્રીસ વર્ષના થયા ત્યારે તેમણે સાંભળ્યું કે જોર્ડન નદીના કિનારે આવેલા એક જંગલમાં એક મહાત્મા રહે છે, જે એક દિવ્ય સંતપુરુષ છે. તેમનું નામ યૂહન્ના (જોન) છે. લોકો તેમનો ઉપદેશ સાંભળીને ધન્ય થઈ જાય છે, ત્યારે ઈસુને પણ તેમનો ઉપદેશ સાંભળવાની, તેમને મળવાની અને ધર્મનાં રહસ્યો જાણવાની જિજ્ઞાસા થઈ. તે પણ જોર્ડનના જંગલમાં તે મહાત્માની શોધમાં નીકળી પડ્યા. યૂહન્નાનો ઉપદેશ સાંભળીને જાણે ઈસુની જીવનદિશા જ બદલાઈ ગઈ.
યૂહન્નાએ જગતને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની વાત કરી. `ખરાબ કાર્યને છોડી દે, ગરીબ, ધનવાનમાં કોઈ ભેદ નથી. બંને ઈશ્વરનાં જ સંતાન છે, માનવ માત્ર એકસમાન છે, તેથી બધા જ સાથે સદ્વ્યવહાર કરવો જોઈએ. કોઈને પણ ધિક્કારો નહીં. જો આપની પાસે બે કોટ હોય તો એક કોટ કોઈ ગરીબને આપી દો. બધાને પ્રેમ કરો. પ્રેમ, સંવેદના અને સૌહાર્દથી જ ધરતી પર પ્રભુનું રાજ્ય આવશે.’ જોનના આ શબ્દો સાંભળીને ઈસુને તેમની જિંદગીનો સાચો પંથ મળી ગયો. તેમણે તેમની પાસેથી દીક્ષા લીધી અને પોતાનું જીવન પણ માનવકલ્યાણ માટે અને દેશ અને દુનિયાને સાચી દિશા બતાવવામાં સમર્પિત કરી દીધું. ઈસુ જ્યારે ત્રીસ વર્ષના હતા ત્યારે તેમણે ગૃહત્યાગ કર્યો અને જંગલમાં વસવાટ કરવા લાગ્યા. તેમના ગુરુ જોને દર્શાવેલા માર્ગે નીકળી પડ્યા. જે ઉદ્દેશ્ય માટે તેમનો જન્મ થયો હતો, તે માર્ગે એકલા જગતના ઉદ્વારક બનીને ચાલી નીકળ્યા.
પ્રભુના રાજ્યનો ઉપદેશ
અવતારી સત્તા પોતાના મહાન ઉદ્દેશ્યો સાથે ધરતી પર અવતરે છે. એમાં પણ ગુરુનું માર્ગદર્શન મળી જાય તો તેમના પારસમણિ સ્પર્શથી શિષ્યનું જીવન પણ સુવર્ણમય બની જાય છે. ઈસુએ પણ ધર્મ ઉપદેશક જોનના સાંનિધ્યમાં આવીને તેમના આદેશ અને આત્માનો અવાજ સાંભળીને પોતાનું સમગ્ર જીવન માનવજાતને સાચો જીવનપંથ દર્શાવવામાં અર્પણ કરી દીધું. ત્યારબાદ ઈસુ ઠેર ઠેર પ્રવચન કરવા લાગ્યા. તે લોકોને કહેતા, `પ્રભુનું રાજ્ય દૂર નથી. આપણા આત્મામાં જ સમાયું છે. આપણે આપણી જાતને પરિષ્કૃત કરીને, દુર્ગુણોને દૂર કરીને દયા, પ્રેમ, સંવેદના જગાવીને પ્રભુનું રાજ્ય બહુ સરળતાથી પામી શકીએ છીએ. તેના માટે આપણે બધાને પ્રેમ કરવો પડશે, બધાના સુખમાં સુખી અને દુ:ખમાં દુ:ખી થવું પડશે. એવું સંવેદન જગાવવું પડશે કે કોઈ દુ:ખી અને ગરીબ ન રહે, બધાને દુ:ખ, દર્દમાં સહકાર આપો.’ આવા અતિભાવુક અને સદ્ભાવનાયુક્ત પ્રવચન કરીને ઈસુ મસીહા ધરતી પરથી ક્રોધ, નફરત અને ગરીબ, ધનવાનના ભેદભાવ દૂર કરીને પૃથ્વી પર સુખ, સમૃદ્ધિ, સમભાવનાનો ઉદય કરવા માગતા હતા. ઈસુ મસીહાએ આત્માના અવાજને ઈશ્વરનો આદેશ માનીને ધરતી પરથી દુ:ખ, દર્દ દૂર કરીને ધરતી પર જ સ્વર્ગસમું વાતાવરણ સર્જવા માટે કાર્યરત થયા.
બલિદાન અને પુનરુત્થાન
ઈસુ મસીહા એક પ્રાણી પર સવાર થઈને જેરુસલેમ પહોંચ્યા. ત્યાં તેમને પકડવાનો અને તેમને દંડ આપવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું. યહૂદી કટ્ટરપંથીઓએ રોમન ગવર્નર પિલાતૂસને તેમની ફરિયાદ કરી. પિલાતૂસને પોતાની સત્તા ટકાવી રાખવા માટે કટ્ટરપંથીઓના સમર્થનની જરૂર હતી, તેથી રોમન ગવર્નરે ઈસુ મસીહા મૃત્યુ ન પામે ત્યાં સુધી તેમને ક્રોસ પર ચડાવી દેવાની સજા કરી.
ઈસુના બાર શિષ્યો હતા. તેમણે ઈસુને બચાવવા માટે બહુ પ્રયાસ કર્યો, પરંતુ વિરોધીઓએ કોઈની એક પણ વાત ન સાંભળી અને ઈસુને શારીરિક યાતના આપવાનું શરૂ કર્યું. તેમને વધસ્તંભ પર ચડાવીને તેમના હાથ ખીલાથી જડી દેવામાં આવ્યા. ત્યારે લોહી નીતરતા ઈસુએ કહ્યું હતું કે, `હે પ્રભુ, તું આમને માફ કરી દેજે, તે નથી જાણતા તે શું કરી રહ્યા છે. આવા હતા ઈસુ મસીહા, જેમની કરુણા પાપી અને તેમને યાતના આપનાર માટે પણ નિરંતર વહેતી.’
ઈસુ પ્રેમથી નફરતને જીતવામાં માનતા હતા અને અંતે તેમના અગાધ પ્રેમથી તે વિશ્વ ફલક પર પોતાનું સ્થાન અંકિત કરી જ ગયા. મૃત્યુના ત્રણ દિવસ બાદ ફરી તેમનું પુનરુત્થાન થયું અને 40 દિવસ બાદ તેમણે સીધી સ્વર્ગ તરફ ગતિ કરી. ત્યારબાદ તેમના બાર શિષ્યોએ તેમના ધર્મનો ચારે તરફ પ્રસાર-પ્રચાર કર્યો, જે ધર્મ ઈસાઈ ધર્મ કહેવાયો.
નાતાલની ઉજવણી
નાતાલના દિવસની ઉજવણી ઈસુના જન્મના સ્મરણાર્થે કરવામાં આવે છે. પરંપરાગત રીતે ઈસાઈ ધર્મના લોકો 25 ડિસેમ્બરને ઈસુની જન્મજયંતી તરીકે ઊજવે છે. નાતાલ માણસ માત્રને ઈશ્વર સાથે જોડાવાની એક તક આપે છે. આપણે ઈશ્વરના પ્રેમને ઓળખીએ, તેમના પ્રેમથી સભર બનીએ ત્યારે જાણે સમગ્ર દુનિયાને પણ આ પ્રેમસૂત્રમાં બાંધીએ છીએ. નાતાલનું પર્વ પ્રેમ અને આશાનું પર્વ છે. તે સૂચવે છે કે પ્રભુ હજુ માનવથી નારાજ નથી થયો અને તેથી જ ઈસુ મસીહાને તેમના સંદેશવાહક બનાવીને પૃથ્વી પર મોકલ્યા છે. આ ઈસુનો અવતાર માનવજાતને ઈશ્વર સાથે જોડવાનો એક સોનેરી અવસર આપતો હોવાથી આ પુનિત પર્વને દેશ અને દુનિયાના ફલક પર બહુ શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે.
ઈસુનો જીવનસંદેશ
પ્રભુ ઈસુએ પોતાના સ્વમુખેથી આપેલા સુવર્ણ શબ્દો કંઈક આ પ્રકારે હતા, જે અહીં ટાંકવામાં આવ્યા છે.
સત્યમય જીવન વિતાવો.
સર્વને પ્રેમ કરો.
બધા પર દયા રાખો.
ક્રોધ ન કરો.
લોભ ન કરો.
વિષય વાસનામાં ન પડો.
અપરાધીને પણ ક્ષમા કરો.
પાપને ઘૃણા કરો, પાપીને નહીં.
જે સત્ય છે તેને પ્રગટ કરવામાં સંકોચ ન રાખો.
અન્યાય ન કરો.
અત્યાચાર ન કરો.
ગરીબોની સેવા કરો.
ધશ્વરીય સત્તા પર વિશ્વાસ રાખો.
આ જ હતો ઈસુ મસીહાનો સંદેશ, જેણે તેમને જનતાની સામે રાખ્યો અને પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યો. તેમનું સમગ્ર જીવન પ્રેમ, કરુણા, સેવા, સમર્પણની ભાવનાથી સભર હતું