વર્ષ 2024 પૂર્ણ થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી વિશ્વના 7 દિગ્ગજ ખેલાડીઓ ક્રિકેટને અલવિદા કહી ચુક્યા છે. ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ત્રીજી મેચ બાદ આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિન ઉપરાંત વિશ્વના બીજા 6 દિગ્ગજ ખેલાડીઓ આ વર્ષે સંન્યાસ લઈ ચૂક્યા છે.
વિરાટ કોહલી
ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ICC T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો જે બાદ વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. કોહલીએ ટીમ ઈન્ડિયા માટે ઘણા રેકોર્ડ સાથે તેની T20 ઈન્ટરનેશનલ કરિયરનો અંત કર્યો. કોહલીએ 12 જૂન, 2010ના રોજ ટીમ ઈન્ડિયા માટે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું અને 14 વર્ષ પછી જૂનમાં જ તેની છેલ્લી મેચ રમી હતી. ભારત માટે 125 T20 મેચ રમી, જેમાં તેણે 48.69ની એવરેજથી 4188 રન બનાવ્યા, જે રોહિત શર્મા પછી બીજા ક્રમે છે. કોહલીએ પોતાની કારકિર્દીમાં 1 સદી અને 38 અડધી સદી ફટકારી છે. એટલું જ નહીં, કોહલીએ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ 1292 રન બનાવીને પોતાની સફરનો અંત કર્યો. તેના નામે સૌથી વધુ 15 અડધી સદી પણ છે.
રોહિત શર્મા
ભારતે 29 જૂન 2024ના રોજ બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. આ સાથે કેપ્ટન રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાની નિવૃત્તિ વિશે જાણકારી આપી હતી. રોહિત શર્માની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે 159 મેચની 151 ઇનિંગ્સમાં 31.34ની એવરેજ અને 140.89ની સ્ટ્રાઇક રેટથી 4231 રન બનાવ્યા છે. તેણે 5 સદી અને 32 અડધી સદી પણ ફટકારી હતી. તે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તે સંયુક્ત રીતે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. T20માં પણ તેના નામે 1 વિકેટ છે.
જેમ્સ એન્ડરસન
વર્ષ 2024માં ઈંગ્લેન્ડના દિગ્ગજ ઝડપી બોલર જેમ્સ એન્ડરસને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે મે 2024માં નિવૃત્તિની જાહેરાત કરી હતી, જ્યારે તેની છેલ્લી ટેસ્ટ મેચ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હતી. આ પહેલા વર્ષ 2009માં એન્ડરસને તેની છેલ્લી ટી20 મેચ રમી હતી. આ સિવાય આ ખેલાડીએ તેની છેલ્લી વનડે મેચ વર્ષ 2015માં રમી હતી. જો કે, એન્ડરસનની કારકિર્દી વર્ષ 2024 માં સમાપ્ત થઈ ગઈ. જેમ્સ એન્ડરસને 188 ટેસ્ટ મેચમાં 704 વિકેટ લીધી છે.
ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટમાં શાનદાર બેટિંગ કરનાર ડેવિડ વોર્નરે વર્ષ 2023માં નિવૃત્તિની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તે જાન્યુઆરી 2024માં પાકિસ્તાન સામે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2024માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમી હતી. તેણે ODI વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા માટે તેની છેલ્લી ODI મેચ રમી હતી. પોતાની ટેસ્ટ કારકિર્દીમાં વોર્નરે 112 ટેસ્ટ મેચોમાં 44.59ની એવરેજથી 8786 રન બનાવ્યા છે.
રવિન્દ્ર જાડેજા
વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવીન્દ્ર જાડેજાએ 2009માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે આ ફોર્મેટમાં કુલ 74 મેચ રમી છે. જેમાં સ્ટાર ઓલરાઉન્ડરે 127.16ની સ્ટ્રાઈક રેટથી 515 રન બનાવ્યા અને 54 વિકેટ લીધી. આ સિવાય ડાબા હાથના બોલરે 2009થી 2024 દરમિયાન ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે કુલ 30 મેચ રમી હતી. જેમાં જાડેજાએ કુલ 130 રન બનાવ્યા અને 22 વિકેટ લીધી. આ સાથે જ તેણે એશિયા કપમાં 6 મેચ રમી હતી. જેમાં તેણે બે ઇનિંગ્સમાં 35 રન બનાવ્યા અને 4 વિકેટ લીધી હતી.
ડીન એલ્ગર
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ડીન એલ્ગરે પણ 2024ની શરૂઆતમાં નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ ભારત સામે રમી હતી. એલ્ગરની ગણતરી દક્ષિણ આફ્રિકાના મહાન ખેલાડીઓમાં પણ થાય છે. તેણે 86 ટેસ્ટ મેચોમાં 37.92ની એવરેજથી 5357 રન બનાવ્યા છે. એલ્ગરે 8 ODI મેચમાં 104 રન બનાવ્યા છે.
આર અશ્વિન
ગાબા ટેસ્ટ બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિન બોલર આર અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 700 થી વધુ વિકેટ લીધી હતી. આર અશ્વિને 2010માં ઝિમ્બાબ્વે સામે T20 મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેણે 287 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બોલર તરીકે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 765 વિકેટ લીધી હતી. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનિલ કુંબલે પછી સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર છે. કુંબલેએ પોતાની કારકિર્દીમાં ત્રણેય ફોર્મેટમાં 956 વિકેટ લીધી હતી.