PM નરેન્દ્ર મોદીના કુવૈત પ્રવાસનો આજે બીજો દિવસ છે. બાયન પેલેસ ખાતે તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહ પણ હાજર હતા. કુવૈતમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીયો છે, જેના કારણે ભારત અને કુવૈત વચ્ચેના સંબંધો ઘણા સારા છે.પીએમ નરેન્દ્ર મોદી છેલ્લા 43 વર્ષમાં ખાડી દેશ કુવૈતની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય નેતા છે. આ પહેલા વર્ષ 1981માં તત્કાલિન ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી કુવૈતની મુલાકાતે ગયા હતા.
મહત્વનું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે કુવૈતમાં ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લીધી હતી અને ભારતીય કામદારો સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં સૌથી સસ્તો ડેટા (ઇન્ટરનેટ) છે. જો આપણે વિશ્વમાં અથવા તો ભારતમાં ક્યાંય પણ ઓનલાઈન વાત કરવી હોય તો તેની કિંમત ઘણી ઓછી છે. જો તમે વીડિયો કોન્ફરન્સિંગ કરો છો તો પણ તેની કિંમત ઘણી ઓછી છે. લોકોને ઘણી સગવડ છે, તેઓ દરરોજ સાંજે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી શકે છે.
પીએમ મોદીએ યોજી બેઠક
પીએમ મોદીએ કુવૈતમાં કુવૈતના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહ સાથે મુલાકાત કરી હતી.
મહત્વનું છે કે પીએમ મોદી કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાતે છે. તેમણે કુવૈતના અમીર સાથે દ્વિપક્ષીય બેઠક કરી છે. વડાપ્રધાનની ખાડી દેશની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ વેગ આપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.
કુવૈત ભારત માટે મહત્વપૂર્ણ કેમ?
કુવૈત ભારતનું મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે. તે ક્રૂડ ઓઈલનો છઠ્ઠો સૌથી મોટો સપ્લાયર છે. ભારતની 3 ટકા ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે ભારત અને કુવૈત વચ્ચેના બહુપક્ષીય સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે લખ્યું, “ભારત અને કુવૈત વચ્ચેના બહુપક્ષીય સંબંધો ઈતિહાસ, સંસ્કૃતિ અને પરસ્પર આદર પર આધારિત છે. અમારા મજબૂત સંબંધો ઊર્જા, વેપાર અને રોકાણમાં ફેલાયેલા છે. અમારી પાસે જીવંત ભારતીય ડાયસ્પોરા પણ છે જે મિત્રતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે.”