અમેરિકામાં પ્રેસિડેન્ટ બનવા જઈ રહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ફરી એકવાર પનામા નહેર અને ગ્રીનલેન્ડમાં મિલિટ્રી એક્શનના વિકલ્પ પર અડગ રહ્યા હતાં કે જેમના અંગે તેમણે જણાવ્યું છે કે તેઓ ઇચ્છે છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા આ બન્ને પર નિયંત્રણ રાખે. નવનિયુક્ત અમેરિકન પ્રેસિડેન્ટે પત્રકારોને જણાવ્યું હતું કે હું એમ કહી શકું છું કે આપણને આર્થિક સુરક્ષા માટે તેમની જરૂર છે.
(કોઈ સૈન્ય કાર્યવાહી નહીં થાય) તે અંગે હું પ્રતિબદ્ધ નથી. બની શકે છે કે તમારે કશુંક કરવું પડે. આ સાતે ટ્રમ્પે સંકેત આપ્યો છે કે અમેરિકા આગામી સમયમાં પનામા નહેર પર પણ નિયંત્રણ સ્થાપિત કરી શકે છે. અમેરિકાના નવા પ્રેસિડેન્ટને જ્યારે મીડિયાએ પૂછયું કે આર્થિક લાભ ઉઠાવવા માટે શું સૈન્ય બળનો ઉપયોગ કરવામાં આવી શકે છે? ત્યારે ટ્રમ્પે વિકલ્પોને ફગાવી દીધા ન હતાં. જ્યારે વધારે ભાર મૂકવામાં આવ્યો ત્યારે ટ્રમ્પે જણાવ્યું હતું કે હું આ બન્નેમાંથી કોઈપણ બાબત પર આશ્વાસન આપી શકું નહીં. ટ્રમ્પે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જિમી કાર્ટર દ્વારા પનામા નહેરનું નિયંત્રણ તેમને પરત આપવાના નિર્ણયની પણ ટીકા કરી હતી. તેમનું માનવું છે કે અમેરિકાને આ સોદામાં છેતરપિંડી જ મળી છે.