પોર્ટુગલ સહિત પાંચ અન્ય દેશોને 2030માં યોજાનારા ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની મળ્યા બાદ સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કહ્યું છે કે છ વર્ષ બાદ રમાનારી આ ટૂર્નામેન્ટ ખુબ જ ખાસ રહેશે. વર્લ્ડ ફૂટબોલની ટોચની સંસ્થા ફિફાએ બુધવારે 2030 અને 2034માં રમાનારા ફુટબોલ વર્લ્ડ કપના યજમાનોની સત્તાવાર જાહેરાત કરી હતી.
2030ના વર્લ્ડ કપની મેચો ત્રણ ખંડના છ દેશમાં રમાશે. આ પહેલો પ્રસંગ રહેશે જ્યારે ફૂટબોલ વર્લ્ડ કપનું છ દેશમાં આયોજન કરાશે. સ્પેન, પોર્ટુગલ, અને મોરક્કોને તેની સંયુક્ત યજમાની આપવામાં આવી છે. પરંતુ દક્ષિણ અમેરિકાના દેશ આર્જેન્ટીના, પેરાગ્વે અને ઉરુગ્વેમાં પણ આ વર્લ્ડ કપની એક-એક મેચનું આયોજન કરવામાં આવશે. પહેલો ફૂટબોલ વર્લ્ડ કપ 1930માં ઉરુગ્વેમાં આયોજિત કરાયો હતો અને ફિફાએ તેના 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી માટે દક્ષિણ અમેરિકાના આ દેશને એક મેચની યજમાની સોંપી છે. રોનાલ્ડોએ પોર્ટુગલની જરસી પહેરીને ઉજવણી કરતા પોતાની તસવીરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યુ હતું કે, સ્વપ્ન સાચું થઇ ગયું છે. આ ખૂબ જ ખાસ વર્લ્ડ કપ રહેશે. પોર્ટુગલ 2030માં વર્લ્ડ કપની યજમાની કરીને અમને ગૌરવાન્વિત કરશે. ફિફાએ તેની સાથે જ વર્ષ 2034માં આયોજીત થનારા વર્લ્ડ કપની યજમાની સાઉદી અરબને સોંપવાની જાહેરાત કરી હતી.