જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત બાદ હવે ભારત સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ ઘણા મોટા નિર્ણયો લીધા છે. બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની બેઠકમાં, 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની જીવાદોરી કહેવાતી સિંધુ અને તેની સહાયક નદીઓના પાણી પર ભારત નિયંત્રણ મેળવતાંની સાથે જ ત્યાંના લોકો પાણી માટે પણ હવે તરસવા લાગશે. સિંધુ અને તેની ઉપનદીઓ 4 દેશમાંથી વહે છે. એટલું જ નહીં, 21 કરોડથી વધુ વસ્તીની પાણીની જરૂરિયાતો પૂર્ણ કરવાનો આધાર આ નદીઓ પર છે.
શું છે સિંધુ જળ સંધિ?
સપ્ટેમ્બર 1960માં કરાચીમાં તત્કાલીન ભારતીય વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાની લશ્કરી જનરલ અયુબ ખાન વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. 62 વર્ષ પહેલાં થયેલા સિંધુ જળ સંધિ હેઠળ, ભારતને સિંધુ અને તેની ઉપનદીઓમાંથી 19.5 ટકા પાણી મળે છે. પાકિસ્તાનને લગભગ 80 ટકા પાણી મળે છે. ભારત તેના હિસ્સાના માત્ર 90 ટકા પાણીનો ઉપયોગ કરે છે. આ કરાર ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1960માં થયો હતો, જેમાં સિંધુ ખીણને 6 નદીઓમાં વિભાજીત કરવામાં આવી હતી. આ કરાર હેઠળ, બંને દેશો વચ્ચે દર વર્ષે સિંધુ જળ આયોગની બેઠક યોજવી ફરજિયાત છે.
સિંધુ જળ સંધિ અંગે છેલ્લી બેઠક 30-31 મે 2022ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. બંને દેશોએ આ બેઠકને સૌહાર્દપૂર્ણ ગણાવી હતી. પૂર્વીય નદીઓ પર ભારતનો અધિકાર છે. જ્યારે પશ્ચિમી નદીઓ પાકિસ્તાનને આપવામાં આવી હતી. આ કરાર વિશ્વ બેન્ક દ્વારા મધ્યસ્થી કરવામાં આવ્યો હતો. ભારતને ત્રણ પૂર્વીય નદીઓ સતલજ, બિયાસ અને રાવીમાંથી ફાળવવામાં આવતા કુલ 168 મિલિયન એકર ફૂટ પાણીમાંથી 33 મિલિયન એકર ફૂટ વાર્ષિક પાણી ફાળવવામાં આવ્યું છે.
પાકિસ્તાન માટે આ નિર્ણય મોંઘો સાબિત થશે
ભારત દ્વારા ઉપયોગ કર્યા પછી બચેલું પાણી પાકિસ્તાનમાં જાય છે. જ્યારે સિંધુ, ઝેલમ અને ચિનાબ જેવી પશ્ચિમી નદીઓનું વાર્ષિક લગભગ 135 મિલિયન એકર ફૂટ પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવ્યું છે. સિંધુ જળ પ્રણાલીમાં મુખ્ય નદી તેમજ પાંચ ઉપનદીઓનો સમાવેશ થાય છે. આ નદીઓ રાવી, બિયાસ, સતલજ, ઝેલમ અને ચિનાબ છે. આ નદીઓ સિંધુ નદીની ડાબી બાજુ વહે છે. રાવી, બિયાસ અને સતલજને પૂર્વીય નદીઓ કહેવામાં આવે છે જ્યારે ચિનાબ, ઝેલમ અને સિંધુને પશ્ચિમી નદીઓ કહેવામાં આવે છે. આ નદીઓનું પાણી ભારત અને પાકિસ્તાન બંને માટે મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, આ કરાર મુલતવી રાખવો પાકિસ્તાન માટે મોંઘો સાબિત થશે.