અક્ષય તૃતીયાનું પર્વ ભરઉનાળે આવતું હોવાથી આ દિવસે જળ, પંખા, ચરણપાદુકા, છત્રી વગેરેના દાનનું વિશેષ મહત્ત્વ છે. આખા જગતનો તાત ગણાતો ખેડૂત પણ તેનું ખેતીકામ આજના દિવસે શરૂ કરતો હોવાથી તરસી ધરતીની તરસ છિપાય છે. તરસી વ્યક્તિને ગરમીમાં અમૃત સમાન જળ મળી રહે તે માટે પરબ અને પશુ-પક્ષીઓ માટે હવાડા બાંધવાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે બદ્રિધામના દ્વાર ખૂલે છે અને ચારધામની યાત્રાની શરૂઆત થાય છે. ભારતભરમાં જુદી-જુદી જગ્યાએ પોતાની પરંપરા મુજબ આ પર્વને મનાવે છે.
જગન્નાથપુરી
અષાઢી રથયાત્રા માટેના રથોનું નિર્માણકાર્ય પણ અખાત્રીજના દિવસથી જ પ્રારંભ થાય છે. યાત્રાધામ જગન્નાથપુરીમાં આ દિવસે ચંદનયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે.
અયોધ્યા
અયોધ્યામાં અખાત્રીજના દિવસે શ્રી ઠાકુરજીની વિશેષ પૂજા-અર્ચના થાય છે. આજના દિવસે સ્ત્રીઓ વૈશાખ સ્નાન કરી ઠાકુરજીને સાથવાનો ભોગ ધરાવીને પોતે તે ગ્રહણ કરે છે, તેમજ ગરુડ સહિત ગરુડ ગોવિંદ ચંદન ચર્ચિત વિગ્રહના નિરાવરણ દર્શન પણ ફક્ત આજના દિવસે જ થાય છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં આ દિવસે `હલ્દીરોરી’ નામનો ઉત્સવ સંપન્ન થાય છે તથા ત્યાંના રિવાજ મુજબ પ્રત્યેક સ્ત્રીને જબરજસ્તી હઠાગ્રહપૂર્વક તેમના પતિદેવના નામનું ઉચ્ચારણ કરવા ફરજ પડાય છે. સ્ત્રી જો તેના પતિનું નામ દોહામાં ઉચ્ચારે તો તેને ખાસ આગવી રીતે બિરદાવવામાં આવે છે. જેને ત્યાં ઉખાણાં તરીકે સંબોધવામાં આવે છે.
વૃંદાવન
વર્ષમાં એક જ વાર થતા શ્રી વિહારીજીનાં ચરણદર્શન પણ વૃંદાવનમાં માત્ર અક્ષય તૃતીયાના દિવસે જ થાય છે. આ દિવસે આખી દુનિયામાંથી ભાવિક ભક્તો શ્રી વિહારીજીના ચરણ દર્શનાર્થે વૃંદાવનમાં ઊમટી પડે છે.
ગુજરાત
ગુજરાતમાં અખાત્રીજના દિવસે વસ્ત્ર, પંખા તથા અન્ન, દ્રવ્ય વગેરેનું દાન કરવામાં આવે છે. તો કેટલીક જગ્યાએ પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે સુવર્ણની ખરીદીનું પણ વિશેષ મહત્ત્વ છે.
રાજસ્થાન
શ્રીનાથજીમાં ભગવાનને ખાસ મલયગિરિ ચંદન, શીતળ સામગ્રી તથા મોતીના આભરણ ધરાવાય છે. ભજન-કીર્તન પણ થાય છે. રાજસ્થાનમાં એક એવી માન્યતા પણ પ્રચલિત છે કે આજના દિવસે કરવામાં આવેલાં લગ્ન ક્યારેય ખંડિત થતાં નથી.
બુંદેલખંડ
બુંદેલખંડમાં આજનું પર્વ પૌત્ર-પૌત્રીઓનું પૂજન કરીને સંપન્ન થાય છે. જે બાલિકાઓને પરોક્ષ રૂપે સામાજિક જીવનની શિક્ષા આપે છે.