અગ્ર ગુજરાત,રાજકોટ
આગામી લોકસભાની ચૂંટણીમાં ર૬માંથી ર૬ બેઠક મેળવવા માટે ભાજપ હાઇકમાન્ડ સક્રિય બની ગયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તથા સનદી અધિકારી કે.કૈલાસનાથન સાથે તાજેતરમાં દિલ્હી ખાતે બંધ બારણે યોજેલી બેઠકથી અનેક રાજકિય અટકળો શરૂ થઇ હતી. આ અટકળોને સમર્થન મળતું હોય તેમ ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપના હેવીવેઇટ નેતા અમિત શાહે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત ટોચના નેતાઓ સાથે મીડનાઇટ પાંચ કલાકની બેઠક યોજીને આ અટકળોને તેજ હવા આપી દીધી છે. આ અટકળોમાં મુખ્યત્વે સરકારમાં બદલાવ અને સંગઠનમાં બદલાવની વાત હોવાનું કહેવાય છે. સાથે સાથે બોર્ડ નિગમોમાં નિયુકિતની વાત પણ ચર્ચામાં છે. આ તમામ કવાયત પાછળ એક માત્ર ઉદેશ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ર૬માંથી ર૬ બેઠક પૂન: મળે તે છે.આ અટકળોને વિગતે સમજીએ
અટકળ : ૧ : સંરકારમાં ફેરફાર
પી.એમ. મોદી અને અમિત શાહે જે રીતે ગુજરાતનો મામલો હાથમાં લીધો છે તેથી ભાજપના સ્થાનિક કાર્યકરથી માંડી ટોચના નેતાઓમાં ગુજરાતમાં મોટા ફેરફાર આવી રહયાની અટકળો ચાલી છે. જેમા પ્રથમ અટકળ સરકારમાં ફેરફારની છે. ગાંધીનગરની રાજકીય લોબીમાં થતી ચર્ચા મુજબ નવરાત્રિ દરમિયાન જ સરકારમાં કોઇ મોટા ફેરફાર થવાની શકયતા છે. આ માટે સંભવત: ૧૯મી તારીખે તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવવામાં આવે તેવી પણ સંભાવના જોવાય છે.
અટકળ – ર: સંગઠનમાં ફેરફાર
ભારતિય જનતા પાર્ટી કોઇ પણ ચૂંટણી તેના સંગઠનની તાકાત ઉપર જીતે છે. ગુજરાત વિધાન સભાની ગત ચૂંટણીમાં ૧૪ર બેઠક મેળવ્યા બાદ ભાજપનો વિજય બુલંદ છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતની ર૬માંથી ર૬ બેઠક મળી હતી. આ વખતે પણ સંગઠન પ્રમુખને ર૬માંથી ર૬ બેઠક જીતવાનો પડકાર આપવામાં આવે. આ માટે તેમને સરકાર અને સંગઠનમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવા છુટો દોર આપવામાં આવે તેવી શકયતા છે. અટકળ એવી છે કે સી.આર. પાટીલ સંસદ લડે અને ગુજરાતની લોકસભાની ચૂંટણીની જવાબદારી સંભાળે. અથવા સંગઠનમાં કોઇ એવા ફેરફાર થાય જે અકલ્પનિય હોય.એકંદરે પાંચ વિધાન સભાની ચૂંટણીના સંભવિત પરિણામો અને આ ચૂંટણીના ફાયદાને ધ્યાનમાં લેવાશે.
રૂપાલા –માંડવિયાને મેદાનમાં ઉતારાશે?
આગામી લોકસભાની ચૂંટણી ભાજપ માટે ખરાખરીનો જંગ હશે. પાંચ રાજયોની ચૂંટણીમાં ખાસ કરી અને મધ્યપ્રદેશ રાજસ્થાનના પરિણામો ગુજરાતની લોકસભાની ચૂંટણીને પણ અસરકર્તા થઇ શકે. આવા સંજોગોમાં ગુજરાતમાં વધુ તાકાતથી લડવા માટે ભાજપના બે ટોચના કેન્દ્રિય નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવે તેવી પણ એક અટકળ શરૂ થઇ છે. જે મુજબ બન્ને સાંસદોની લોકસભાની ચૂંટણી પૂર્વે રાજયસભાની ટર્મ પૂરી થાય છે. આવા સંજોગોમાં આ સાંસદોને લોકસભાની ટિકિટ અપાય અથવા તેમને ચૂંટણીની રણનીતિમાં ગુજરાતમાં મહત્વના નેતા તેરીકે સેવા લેવાય એવી પણ અટકળ છે. એકંદરે ભાજપ ગુજરાતના ગઢનું એક પણ કાંગરુ ખરવા દેવા માંગતું નથી. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અત્યારથી જ સક્રિય થઇ થઇ ગયા છે.