ઢોર છોડવાનો ચાર્જ હવે ૬૦૦૦ : પરમિટ અથવા લાયસન્સ લેવું ફરજિયાત : ઢોર નોંધણીમાં પણ ખોટી માહિતી આપનાર સામે લેવાશે પગલા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ વકરે નહીં અને આ ઢોરના કારણે કોઈ મનુષ્યનું જીવ ન જોખમાય તે માટેની મનપાએ તકેદારી હાથ ધરી છે. તાજેતરમાં નીમાયેલા નવા હોદ્દેદારોએ માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે અમુક નવા નિયમો અમલમાં મૂક્યા છે.
આજરોજ નવા હોદ્દેદારોની અધ્યક્ષતામાં મળેલી એક મિટિંગમાં રખડતા ઢોર મામલે કડક નિયમો લેવાયા છે. જેમાં સૌપ્રથમ એવું નક્કી કરાયું છે કે રખડતા ઢોર તંત્ર દ્વારા પકડવામાં આવે અને તે ઢોર માલિક તેને છોડાવવા આવે ત્યારે જે ચાર્જ લેવાય છે તેમાં ત્રણ ગણો વધારો જીકી દેવામાં આવ્યો છે. જેમાં પહેલીવાર ઢોર પકડાઈ તો 3000 વસૂલ કરવામાં આવશે, તે જ ઢોર બીજીવાર પકડાય તો 4500 અને તે જ ઢોર ત્રીજીવાર પકડાય તો છોડાવવા માટે નો ચાર્જ 6000 વસૂલવામાં આવશે.
આ ઉપરાંત અન્ય પણ કડક નિયમો અમલમાં મુકાયા છે. તે જણાવ્યા મુજબ કોઈ શહેરના આસામી દ્વારા વ્યક્તિગત રીતે ઉપયોગમાં લેવાતા પશુઓને રાખવામાં આવતા હોય તો તે પશુપાલક દ્વારા મનપામાંથી પરમિટ લેવી ફરજિયાત છે. આ ઉપરાંત જો કોઈ પશુપાલક વ્યવસાયની દ્રષ્ટિએ પશુઓ રાખતા હોય અને આ પશુઓ દ્વારા પ્રાપ્ત થતું દૂધનું વેચાણ કરી ધંધો કરાતો હશે તો તે પશુપાલકોએ લાયસન્સ લેવું ફરજિયાત છે.
આ ઉપરાંત જે પશુપાલકો તેમના પશુઓ રાખતા હોય તે અંગેની નોંધણી કોર્પોરેશનમાં કરાવવાની હોય છે.તેમાં દર્શાવ્યા પ્રમાણે ઢોર વધારે હશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. આમ આવા કડક નિયમો નવી કમિટીની અધ્યક્ષતામાં લેવામાં આવ્યા છે.