પ્રાચીન ગરબીઓમાં બાળાઓ અને બાળકોએ પારંપરિક વેશભૂષામાં મણિયારો, હૂડો અને અઠંગાની જમાવટ કરી
અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને ઝાકમઝોળ વચ્ચે અર્વાચીન રાસમાં ખેલૈયાઓ અનેરી ઉર્જા સાથે મનભરીને રમ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં બીજા નોરતે અર્વાચિન અને પ્રાચીન ગરબાઓમાં ‘ગ્રીપ’ આવી ગઇ છે. બીજા નોરતે સૂર શબ્દો સાથે પ્રાચીન ગરબીઓમાં બાળાઓ અને બાળકોએ પારંપરિક વેશભૂષામાં મણિયારો, હૂડો અને અઠંગાની જમાવટ કરી હતી. તો અર્વાચીન ગરબાઓમાં સિકસ સ્ટેપ, દોઢીયું સહિતના ગરબાઓમાં ખેલૈયાઓએ રંગ જમાવ્યો છે. બીજા નોરતે પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાઓમાં દર્શકોની પણ ભીડ ઉમટી પડી હતી.
પ્રાચીન ગરબીઓમાં જંકશન પ્લોટ, કિસાનપરા ચોક, ભીલવાસ ચોક અને સદરની ગરબીઓમાં લોકો ઉમટી પડયા હતા. ધૂપ, દીવા, આરતીથી પ્રાચીન ગરબીઓનો માહોલ પવિત્ર બની ગયો હતો. નાની-નાની બાલિકાઓએ નવદુર્ગાના રૂપમાં માતાની સ્તુતી અને ગરબા પર વિવિધ મુદ્રાઓમાં કૃતિ અને નૃત્ય રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બાળકોએ પણ મણિયારો અને હૂડો રાસ રજૂ કરી પ્રાચીન ગરબાને અનુરૂપ વાતાવરણ સર્જી દીધુ હતું.
અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને ઝાકમઝોળ વચ્ચે અર્વાચીન રાસમાં ખેલૈયાઓ અનેરી ઉર્જા સાથે મનભરીને રમ્યા હતાં. ઠેર-ઠેર થયેલા અર્વાચીન ગરબાના આયોજનમાં વિવિધ પક્ષના આગેવાનો, સામાજીક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ અતિથિ વિશેષ પદે હાજર રહ્યા હતાં. ખેલૈયાઓને હજારોની કિંમતના ઇનામો પણ આપવામાં આવી રહ્યાં છે. રાજકોટ તેમજ રાજકોટની બહારના કલાકારોએ પણ ખેલૈયાઓને ઝુમાવ્યા હતા.