પાંચ વર્ષમાં મનપાએ ખસીકરણ પાછળ પ.૪૪ કરોડનું આંધણ કર્યુ એ પાણીમાં
ખસીકરણની કામગીરી માત્ર કાગળ પર, જીવદયા પ્રેમીઓ માટે પણ લાલબતી
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં રખડતાં શ્વાનોએ હાહાકાર મચાવ્યો છે. ગઇકાલે મોડી સાંજે જંગલેશ્વર વિસ્તારમાં રખડતાં શ્વાનોના ટોળાએ પાંચ વર્ષની બાળકીને ફાડી ખાતા આ વિસ્તારમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. શહેરમાં ચોમેર રખડતાં શ્વાનોનો ત્રાસ છે. મનપા તંત્રએ કાગળ પર કરોડો રૂપિયાના આંધણ કર્યા છે. પરંતુ વાસ્તવમાં શહેરમાં હવે કુતરાઓ માનવભક્ષી બન્યા છે.
કહેવાતી ખસીકરણની કામગીરી વચ્ચે પણ શ્વાનની વસતી ઘટવાના બદલે ઉલ્ટાની બમણાજોરે વધી રહી છે શહેરમાં સંખ્યાબંધ વિસ્તારો એવા છે કે, રાત્રે જ નહીં, ધોળે દિવસે પણ નીકળવુ હોય તો હિંસક કુતરાઓની ફૌજ બટકા તોડવા પાછળ દોટ મુકે છે. આવી હાલત વચ્ચે ગઇકાલે રાત્રે જંગલેશ્વર વિસ્તારમાં ચાર વર્ષની એક માસુમ બાળકી ઉપર એક..બે નહીં પણ એકસાથે ૬ ખૂંખાર કુતરાઓ પિશાચી બનીને તૂટી પડી ફાડી ખાધી હતી. બાળકીનો જીવ ગયો ત્યા સુધી આ હિંસક કુતરાઓએ બચકા તોડ્યા. બાળકીના મૃત્યુ પછી પણ ડાઘિયાઓએ લોચા તોડવાનું ચાલુ રાખતા જોઇને કંપારી છુટી જાય તેવો મૃતદેહ કરી નાંખ્યો હતો.
શ્વાનની વસતીને નિયંત્રણ કરવા મહાપાલિકાએ છેલ્લાં ૭ વર્ષમાં રૂ.૫ કરોડ ૪૪ લાખ ૬૫ હજાર જેટલો ખર્ચ કર્યો હોવાનો સતાવાર આંકડો છે. આ કહેવાતી ખસીકરણની કામગીરીમાં એક કૂતરાદીઠ હાલ રૂ.૨૨૫૦નો ખર્ચ થઇ રહ્યો છે.
આમછતાં કૂતરાની વસતી વધારાને નિયંત્રણમાં આવવાના બદલે ઉલ્ટાની વધી હોવાનો સતાવાર આંકડો સામે આવ્યો છે. એ જોતા મનપાની કહેવાતી ખસીકરણની કામગીરી જ લકવાગ્રસ્ત છે. કે જેનાથી કોઇ પરિણામ આવતુ નથી. શ્વાન ખસીકરણના કોન્ટ્રાક્ટમાં મસમોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ આ અગાઉ પણ ઉઠ્યો જ છે. જેમને કોન્ટ્રાક્ટ અપાયેલો છે એ એજન્સી ખસીકરણની કામગીરી કાગળ પર જ દેખાડીને મસમોટી રકમ બારોબાર ઘરભેગી કરે છે એ આશંકા હાલ શહેરમાં જે રીતે શ્વાનનો વસતી વિસ્ફોટ થયો છે એ જોતા ચોક્કસપણે માની શકાય.
રાજકોટમાં ૨૦૦૮માં જ્યારે પશુ વસતી ગણતરી કરવામા આવી હતી ત્યાંરે શેરી શ્વાનની સંખ્યા ૪૫ હજાર હતી. શ્વાનના આ વસતી વિસ્ફોટને જો નિયંત્રણમાં રાખવામા ન આવે તો આવતા દસ વર્ષમાં શહેરની જનસંખ્યાને લગોલગ કૂતરાની વસતી થઇ જાય તેવો અંદાજ એ વખતે વ્યક્ત થતાં જ ૨૦૦૮થી કૂતરાઓના ખસીકરણ અભિયાનને શરૂ કરવામા આવ્યું. એ વખતે પ્રથમ વખત ખસીકરણ કરવા માટે કોન્ટ્રાક્ટ અપાયો. બેંગલોર અને પુનાની એજન્સીને કામ આપવામા આવ્યું હતું.
શરૂઆતમાં ખસીકરણ માટે પ્રતિ શ્વાન રૂ.૬૦૦નો ખર્ચ થતો હતો. ૨૦૦૮ અન૨૦૦૯ એમ બે વર્ષમાં ૨૦ હજાર કુતરાઓનું ખસીકરણ કરવામા આવ્યું હતું. એ પછી ૨૦૧૦ અને ૨૦૧૧માં એકસાથે ત્રણ કોન્ટ્રાક્ટર એજન્સીને કામે લગાડવામા આવી એમછતા માત્ર ૧૦ હજાર કૂતરાઓનું વંધત્વ ઓપરેશન કરી શકાયું. ૨૦૧૨થી લઇને ૨૦૧૪માં ત્રિવાર્ષિક કોન્ટ્રાક્ટ અપાયો અને આ ત્રણ વર્ષમાં પણ માત્ર ૧૦ હજાર કૂતરાઓનું ખસીકરણ થયું હતુ. એ પછી પ્રતિ વર્ષ ૧૦ હજાર કુતરાનું ખસીકરણ કરવામા આવતુ હોવાનો દાવો મનપા કરી રહી છે.
મનપામાં જ નોંધાયેલી સતાવાર માહિતી મુજબ છેલ્લા પાંચ વર્ષમાં શ્વાન ખસીકરણ પાછળ રૂ.૫.૨૫ કરોડ જેટલો ખર્ચ થયો છે પણ તેની સામે શ્વાનની વસતી ઘટવાના બદલે વધતી જાય છે એ બાબત સાબિત કરી દે છે કે કોન્ટ્રાક્ટમાં મસમોટો
ભ્રષ્ટાચાર થાય છે.
ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો! કાન કટ્ટા(ખસીકરણ કરેલી) કુતરી પણ બચ્ચાને જન્મ આપે!
ક્યા શ્વાનને ખસીકરણ થઇ ચુક્યુ છે તેની ઓળખ માટે તેના કાનમાં નાનો એવો કાપો મુકવામા આવે છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે, જેમનુ ખસીકરણ થઇ ચુક્યુ હોય તેવી કુતરી પણ બચ્ચાને જન્મ આપે છે. શહેરના અનેક વિસ્તારોમાં આવા દાખલા છે. એ જોતા સ્પષ્ટ માની શકાય કે, ખસીકરણમાં મોટી ગોલમાલ થાય છે.
એક કારણ જીવદયાપ્રેમીઓનો પણ હસ્તક્ષેપ
કૂતરાના વસતી વધારાને નિયંત્રણમાં ન રાખી શકવા પાછળાના અનેક કારણો છે. એ પૈકી સૌથી મોટુ પરિબળ એ છે કે, એક સાથે ધોંસ બોલાવવાના બદલે છૂટક કૂતરાઓને પકડીને ખસીકરણ થાય છે. પરિણામે જે તે વિસ્તારમાં બાકી રહી જતા કૂતરાથી વસતી વધારો સતત થતો રહે છે. બીજુ એક કારણ એ પણ છે કે, જીવદયાપ્રેમીઓનો હસ્તક્ષેપ વધુ રહે છે. મનપાનો સ્ટાફ શ્વાનને ખસીકરણ માટે લઇ જવા આવે એટલે પાલતુ શેરી શ્વાનને લતાવાસીઓ સંતાડીદે છે.