સ્ટફડ પરાઠામાં અનેકવિધ વેરાયટી બનાવી સ્વાદ અને સ્વાસ્થ્યને જાળવી શકાય છે : પરાઠા સાથે જુદા જુદા ડીપ અને સલાડનું કોમ્બિનેશન સ્વાદમાં શ્રેષ્ઠ લાગે છે
મહિલાઓને રોજ ભોજનમાં શું બનાવવું એ પ્રશ્ન મોટો હોય છે.નાના મોટા દરેકને ભાવે તેમજ દરેકના સ્વસ્થ્ય માટે પણ લાભદાયક રહે તેવા ભોજનની પસંદગી કરવી પડતી હોય છે.કોઈ વસ્તુ એકને ભાવે તો બીજાને ન ભાવે ત્યારે એક થી વધુ વસ્તુ પણ બનાવવી પડે છે. બપોરના ભોજન માં તો દાળ, ભાત,શાક,રોટલી ચાલી જાય છે પરંતુ સાંજના ભોજનમાં વેરાયટી સાથે સ્વાદ અને સ્વાસ્થ્ય ની કાળજી સાથે પસંદગી કરવાની હોય છે.અમુક સમયે શાકભાજી પણ ખૂબ મોંઘા આવતા હોય છે ત્યારે બધી બાબતોનો વિચાર કરીને મેનુ નક્કી કરવાનું હોય છે.
સાંજના ભોજનમાં અને ક્યારેક સવારના નાસ્તામાં સ્ટફડ પરાઠા નાના મોટા બધાને ભાવતા હોય છે,જેમાં સ્વાદમાં વિવિધતા લાવી બનાવી શકાય છે.સ્ટફ્ડ પરાઠા બનાવવા માટે સ્ટફિંગમાં વિવિધ વેરિયેશન કરી શકાય છે.
- એક સમયે ફક્ત બટાટા વાપરીને આલુ પરાઠા બનાવવામાં આવતા પરંતુ અત્યારે અનેક વેરાયટીમાં બનાવવાનો ટ્રેન્ડ છે.
- બટેટાની જેમ ફક્ત કોબીજ માં આદુ, મરચા,કોથમીરની ગ્રીન પેસ્ટ નાખીને કોબીજ પરાઠા બનાવી શકાય.
- બટાટા, વટાણા, પાલક, પનીર મિક્સ કરી તેમાં ડુંગળી લસણ આદુ મરચા મીઠું લીંબુ ખાંડ નાખી શકાય છે
- ચાઈનીસ પરાઠા બનાવવા નુડલ્સ,કેપ્સીકમ ગાજર ,કોબી, મીઠું,ચીલી સોસ, સોયા સોસ નાખી શકાય.
- પનીર પરાઠા બનાવવા પનીર કેપ્સીકમ મીઠું મરી મિક્સ કરી બનાવી શકાય.
- કોર્ન કેપ્સીકમ પરાઠા બનાવવા બાફેલી મકાઈ કેપ્સીકમ વટાણા મિક્સ કરી તેમાં મીઠું ટોમેટો કેચઅપ ચીલી સોસ નાખી શકાયછે.
- ચીઝ ગાર્લિક પરાઠા બનાવવા સહેજ વણી તેના પર ચટણી લગાવી ઉપર ચીઝ પાથરી પરાઠા બનાવવા પરાઠા ગરમાગરમ જ સારાં લાગે છે.
- પરાઠાના લોટમાં ઘઉં મેંદો મિક્સ કરી શકાય છે.
- પરાઠા માટે મકાઈનો લોટ પણ લઈ શકાય છે તેમજ ખાલી મેંદો પણ વાપરી શકાય છે પરંતુ હેલ્ધી બનાવવા ઘઉંનો લોટ વાપરવો હિતાવહ છે.
- પરાઠાના લોટમાં પાલકની પ્યુરી નાખીને ગ્રીન લોટ બનાવીને પણ પરાઠા બનાવી શકાય.
- પરાઠા સાથે જુદા જુદા ડીપ અને સલાડનું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે