જામનગર ACB ખાલી હાથે પરત ફરી : પોલીસ સ્ટેશનમાં પણ નહિ મળતાં રાજકોટની ટીમ ઘરે દોડી ગઈ હતી પરંતુ ત્યાંથી પણ પોબારા ભણી ગયો
રાજકોટ એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે શુક્રવારની રાત્રીના મુંબઈ માટુંગાના પીઆઈ વતી 10 લાખની લાંચ લેતા એક એડવોકેટને રંગેહાથ ઝડપી લીધો હતો. જ્યારે માટુંગા ના પીઆઇ ની ધરપકડ માટે એસીબીની ટીમ મુંબઈ દોડી જતા પોલીસ સ્ટેશને પીઆઇ હાજર મળ્યા ન હતા આથી તેના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેનો ભેટો ન થતા ભૂગર્ભમાં ઉતરી ગયાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ શનિવારે રાત્રે ભક્તિનગર સર્કલ પાસેથી 1500 ની લાંચ લેતા કાગદડી પંચાયતના તલાટી મંત્રીને એસીબીએ ઝડપી લીધો છે. જેને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ પર મેળવવામાં આવ્યો હતો. જ્યારે દસ લાખની લાંચના ગુનામાં મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઇની ધરપકડ માટે મુંબઈ દોડી ગયેલી એસીબીની ટીમને ધરમનો ધક્કો થયો હતો.
સૂત્રો માંથી મળતી માહિતી મુજબ રાજકોટમાં રહેતા અને કાગદડી ગામમાં જમીના પ્લોટ ધરાવતા યુવકે પોતાના ત્રણ પ્લોટની કાગદડી ગ્રામપંચાયત હસ્તકના રેકર્ડમાં ગામ નમૂના નંબર-2માં જૂની નોંધ કરવા માટે અરજી કરી હતી. આ અરજી કાગદડીના તલાટી મંત્રી સન્ની દીપક પંજવાણી પાસે આવતાં સન્નીએ નોંધ કરવાના બદલામાં રૂ.1500ની લાંચ માગી હતી. અરજદાર યુવક ભ્રષ્ટ તલાટીને લાંચ આપવા ઇચ્છતો ન હોય તેણે એસીબીને જાણ કરી હતી અને રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલે છટકું ગોઠવ્યું હતું. અરજદાર અને લાંચિયા તલાટી સન્ની પંજવાણી વચ્ચે વાર્તાલાપમાં લાંચની રકમ રાજકોટમાં ભક્તિનગર સર્કલે આવીને આપવાનું નક્કી થયું હતું. નક્કી થયા મુજબ શનિવારે સાંજે અરજદાર યુવક ભક્તિનગર સર્કલે પહોંચ્યો હતો અને ત્યાં તલાટી સન્ની પંજવાણી હાજર હતો, તેણે રૂ.1500 લાંચ હાથમાં સ્વીકારતાની સાથે જ એસીબીના પીઆઇ પી.એ.દેકીવાડિયા સહિતના સ્ટાફે ઝડપી લીધો હતો. એસીબીની અન્ય એક ટીમે સન્ની પંજવાણીના ઘરે પણ તપાસ શરૂ કરી હતી.
10 લાખની લાંચમાં એડવોકેટની વધુ તપાસ
એસીબીની ટીમે શુક્રવારે રેસકોર્સ ટી-પોસ્ટ નજીકથી જયમીન સાવલિયાને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલે જણાવ્યું હતું કે, જયમીન સાવલિયાને આગામી તા.13 સુધી રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. પીઆઇ પાગરને પકડવા માટે એસીબીની એક ટીમ મુંબઇ દોડી ગઇ હતી. પરંતુ પોલીસ સ્ટેશન કે ઘર ક્યાંય પણ પીઆઇ પાગરનો પતો મળ્યો ન હોતો. જેથી ભૂગર્ભમાં ઉતરી ગયાનું ખુલતા એસીબીની ટીમ ખાલી હાથે પરત ફરી હતી. જયમીન સાવલિયા અને પીઆઇ પાગરની ઓળખ કેવી રીતે થઇ? બંનેએ મળી કેટલા બેંક એકાઉન્ટ સીઝ કરાવ્યા હતા તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. પીઆઇ પાગર હાથ આવ્યા બાદ અનેક ચોંકાવનારી હકીકત બહાર આવવાની આશા સેવાઇ રહી છે.