ઉત્સાહ, ઉમંગ અને આશાઓનાં તહેવારને ખાસ બનાવે છે ઉપહાર : પ્રેમ અને ભાવથી આપેલ નાની ભેટ પણ અમૂલ્ય
દિવાળીમાં જરૂરી નથી કે મોંઘી જ ભેટ આપવી પરંતુ સામેની વ્યક્તિની પસંદગી અને જરૂરિયાત મુજબ કોઇપણ ભેટ આપી શકાય
(ભાવના દોશી)
દીપાવલી એટલે ઉત્સાહ, ઉમંગ અને ખુશીનું પર્વ. પ્રકાશનું આ પર્વ જીવનમાં નવી આશાઓ લઇને આવે છે. દિવાળી પછીનો દિવસ એટલે નૂતનવર્ષ, સગા-સંબંધી, મિત્રો, વડીલોને શુભેચ્છા આપવાનો દિવસ. આ દિવસને ખાસ અને યાદગાર બનાવવા એકબીજાને ભેટ આપવામાં આવે છે. આમ તો જન્મદિવસ, એનિવર્સરી કે કોઇ ખાસ પ્રસંગોમાં આપણે ત્યાં ભેટ આપવાનો રિવાજ છે પરંતુ ભેટ એવી આપવી જોઇએ કે જે જીવનભર યાદ રહે. એક સમયે દિવાળીના શુભ પ્રસંગોમાં વડીલો તરફથી રોકડ રકમ આપવામાં આવતી હતી પરંતુ સમય જતા નાની-મોટી ભેટ આપવાની શરૂઆત થઇ. કોર્પોરેટ તેમજ બિઝનેસ વર્લ્ડમાં એકબીજા સાથેના સંબંધો જાળવી રાખવા માટે પણ ભેટનું આદાન-પ્રદાન કરવામાં આવે છે પરંતુ અહીં આપણે પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો સાથેના સંબંધને મધુર બનાવવા તેમજ પ્રેમ અને વિશ્ર્વાસની ડોરને મજબુત બનાવવા માટે કેવી ભેટ આપી શકાય તે વાત કરીશું.
ભેટ કેવી આપવી જોઇએ ?
ભેટ હંમેશા મોંઘી જ હોય તે જરૂરી નથી પરંતુ હા મૂલ્યવાન હોવી જરૂરી છે. હૃદયના સાચા ભાવથી આપેલી ભેટ હંમેશા અમૂલ્ય જ હોય છે. જે વ્યક્તિને ભેટ આપવાની છે તેની પસંદગી, તેનો હોદ્દો, તેની ઉંમર તેમજ તેના શોખ તેમજ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભેટની પસંદગી કરી શકાય. અત્યારે ભેટ આપવા માટે અગણિત વિકલ્પો મળી રહે છે.ગિફ્ટ આપવા માટે કલાત્મક સજાવેલા ગિફ્ટ હેમ્પર પણ તૈયાર મળી રહે છે.કોઇ ખાસ સંદેશ આપવા માટે પણ ભેટ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે.
- દિવાળીમાં તેમજ નૂતન વર્ષમાં ઘરે આવતા મહેમાનોને અમુક ભેટ આપી શકાય તેમજ ખાસ મિત્રોને પણ દિવાળીની શુભેચ્છા-સંદેશ સાથે ભેટ મોકલાવી શકાય.
- કુટુંબમાં પુત્રવધૂની પ્રથમ દિવાળી હોય તો તેને સાડી અથવા બાંધણી,પટોળા વગેરેનો દુપટ્ટો કે પછી નેકલેસ અથવા ઇયરિંગ્સ આપી શકાય.
- ચોકલેટસ દરેક ઉંમરની વ્યક્તિને પસંદ હોય છે તેથી હોમ મેડ ચોકલેટને આકર્ષક પેકિંગમાં રાખી દો અને ઘરે આવતા દરેક વ્યક્તિને ભેટ સ્વરૂપે આપી શકાય છે.હવે તો ચોકલેટ બુકે પણ બહુ સુંદર મળે છે.
- હાલ પ્લાસ્ટિક પ્રતિબંધની વાતો થાય છે ત્યારે પેપર બેગ, પેપર પેન અથવા તો પેન સ્ટેન્ડ કે પછી કોઇ ઇકો ફ્રેન્ડલી વસ્તુ આપીને આ સંદેશો ફેલાવી શકાય.
- પર્યાવરણ જાગૃતિ અર્થે નાના તુલસીના છોડ કે પછી કોઇ ઔષધિય છોડને પણ ભેટ સ્વરૂપે આપવામાં આવશે તો કંઇક જૂદુ લાગશે.જેમાં છોડની સાથે આકર્ષક પોટ હોય તો વધુ સુંદર લાગશે.
- જો બજેટ નો કોઇ પ્રશ્ર્ન ન હોય તો ચોકલેટસની જેમ કાજુ, બદામ વગેરે ડ્રાયફ્રુટસની સુંદર પોટલી આપી શકાય અથવા અલગ પ્રકારે પેકિંગ પણ કરી શકાય.
- પિસ્તાના નકામા ફોતરાને ગોલ્ડન કલર કરી લો તેના વડે પેન હોલ્ડર, કે પછી આકર્ષક સજાવી વચ્ચે રેડીમેઇડ દીવડો મૂકી શકો.
- ફિમેલ ફ્રેન્ડને પેપર વડે બનેલ જ્વેલરી બોકસ તેમજ હેન્ડ મેઇડ કલેની જ્વેલરી પણ આપી શકો.
- બુકના શોખીનને બુકસ તો કોઇ આર્ટીસ્ટ મિત્રો હોય તેને જયુટના ટી કોસ્ટર કે પછી કલાત્મક ડીશ કે કલેની કોઇ વસ્તુ આપી શકો.
- વાસ્તુશાસ્ત્રમાં માનતી હોય તેવી વ્યક્તિને ફેંગ શુઇ કે પછી વાસ્તુ ઉપાયની કોઇ ભેટ આપી શકાય.
- રેડીમેઇડ રંગોલી, ડેકોરેટીવ દીવા તેમજ ઘર સજાવવાની અનેક વસ્તુઓ મળે છે તે આપી શકાય.
- જો કોઇ વડીલ હોય અથવા ધાર્મિક વ્યક્તિ હોય તો શુકનવંતા તહેવારમાં ભગવાનની મૂર્તિ અથવા કોઈ પૂજાનો સામાન પણ આપી શકાય.
- બાળકો માટે પેપરમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે તે ઉપરાંત હેન્ડમેઇડ શુભેચ્છા કાર્ડ સાથે ચોકલેટ પણ આપી શકાય.
- આમ નાની નાની ભેટ આપીને આ તહેવારને ખાસ બનાવી શકાય છે.