- ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો
- 1.06 લાખનો મુદ્દામાલ રખિયાલ પોલીસ દ્વારા કબજે લેવાયો
- બાતમીના આધારે પોલીસે જથ્થો ઝડપી પાડ્યો
ગાંધીનગરના દહેગામ નજીકથી ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. રખિયાલ પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો.
ગુજરાતમાં દારૂ માટે આમ તો કહેવામાં આવે છે કે અહીં નશાબંધી છે એટલે દારૂ અને તેના કોઈ પણ પ્રકારના સેવન, વેચાણ કે ખરીદ પર પ્રતિબંધ છે. પરંતુ એવા ઘણા બનાવો સામે આવ્યા છે જ્યારે પોલીસથી છુપાઈને અથવા તેમની રહેમ નજર હેઠળ ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી લાવીને દારૂ ઘુસાડવામાં આવે છે અને વેચવામાં આવે છે. મોટાભાગે આવો જથ્થો પોલીસની તપાસ દરમિયાન ઝડપાઈ પણ જતો હોય છે, તેમ છતાં ગુજરાતની સરહદી ચોકીઓથી સિફ્તપૂર્વક પસાર થઈને ગુજરાતની ભૂમિ પર આટલે અંદર સુધી આ દારૂ કઈ રીતે સફળતાપૂર્વક ઘૂસી જાય છે આ સત્ય તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉપસાવી જાય છે.
હાલ ગાંધીનગરના દહેગામ નજીકથી પોલીસને એક રેડ દરમિયાન ઈંગ્લિશ દારૂ અને બિયરના ટીન મળીને 240 નંગ મળી આવ્યા છે. જેની કુલ કિંમત 31200 રૂપિયા જેટલી થવા જાય છે. ઉપરાંત એક સેન્ટ્રો કાર જેની કિંમત 70 હજાર જેટલી જણાવાઈ છે અને એક મોબાઈલ 5 હજારનો એમ મળીને કુલ 1.06 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે રખિયાલ પોલીસને આ મામલે એક બાતમી મળી હતી, જેના અનુસંધાને રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ યુએમ ગઢવી દ્વારા ટીમને સાથે રાખીને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ઈંગ્લિશ દારૂનો આ જથ્થો ઝડપાયો હતો.