- BRTS રોડ ક્રોસ કરવા જતા અકસ્માત
- અકસ્માત બાદ સિટી બસનો ચાલક ફરાર
- સિટી બસના ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી
સુરતમાં ફરી એકવાર સિટી બસ દ્વારા હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રોડ ક્રોસ કરતાં વ્યક્તિનો કાળમુખી સિટી બસની અડફેટે આવતા યુવકનું મોત થયું છે. એટલું જ નહીં બસનું અકસ્માત કરનાર સિટી બસનો ચાલક ફરાર થઈ ગયો છે. આ પછી પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે.
આ અંગેની માહિતી અનુસાર સુરતમાં ઉધના- નવસારી રોડ પર બીઆરટીએસ રોડ ક્રોસ કરવા જતાં બનેલી ઘટનામાં યુવકનું મોત થયું છે. બેફામ દોડતી સીટી બસના ચાલકે રાહદારીને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત થયું છે. ઘટના બાદ સીટી બસનો ચાલક બસ લઈ ફરાર ગયો હતો. ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં સિટી બસના ચાલકની શોધખોળ શરુ કરવામાં આવી છે.
હિટ એન્ડ રનની ઘટના બનતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ સિટી બસના ચાલકની શોધખોળ શરૂ કરાઇ છે.
અગાઉ પણ સિટી બસ દ્વારા મોરાભાગળ વિસ્તારમાં સિટી બસના ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતા લોકોએ રોષમાં આવી ચક્કાજામ કરી દીધો હતો. ત્યારે આ ઘટનામાં મોરાભાગળ વિસ્તારમાં એક વિદ્યાર્થી રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. સિટી બસના ચાલકે વિદ્યાર્થી સામેથી પસાર થઈ રહ્યો છે તેવું જોયા વગર જ બસ હંકારી હતી. બસ ચાલકે વિદ્યાર્થીને 10થી 15 ફૂટ સુધી ઘસડી નાખ્યો હતો. વિદ્યાર્થીને અડફેટે લેતાની સાથે જ લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. લોકોએ ડ્રાઇવર સાથે ઉગ્ર બોલાચાલી પણ કરી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ ડ્રાઈવ બસ લઇને જતો રહ્યો હતો.