- વરાછા પોલીસે કરી ધરપકડ
- વિપુલ સુહાગીયાની કરાઈ ધરપકડ
- સ્મીમેર હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટરને માર્યો હતો તમાચો
સુરતના AAP કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમની વિરુદ્ધ આરોપ છે કે તેમણે એક કોમ્પ્યુટર ઓપરેટરને લાફો ઝીંકી દીધો હતો.
મહત્વનું છે કે આ મામલે વધુ જાણકારી અનુસાર સ્મીમેર હોસ્પિટલમાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. આ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પટેલને સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ તમાચો માર્યો હોવાનું સામે આવ્યું હતું. આ વિવાદમાં જાણવા મળ્યું છે કે કોર્પોરેટરે રાહુલ પટેલને કહ્યું હતું તું મારા માણસને લાઈનમાં ઉભો રાખે છે અને તેનું કામ કેમ નથી કરી આપતો, આમ કહીને વિપુલ સુહાગીયાએ તેને તમાચો મારી દીધો હતો.
આ મામલે રાહુલ પટેલે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. ઉલ્લેખનીય છે કે રાહુલ પટેલને આ ઘટના બાદ કાનમાં દુખાવો થતા હોસ્પિટલમાં પણ તેમણે સારવાર લીધી હોવાનું સામે આવ્યું હતું.
સુરતમાં આપના કોર્પોરેટરની કથિત દાદાગીરીના આ મામલે ફરિયાદ નોંધાતા વરાછા પોલીસે વિપુલ સુહાગીયાની ધરપકડ કરી છે. આ મામલે વધુ તથ્યો પોલીસ તપાસ બાદ જ સામે આવી શકે તેમ છે. જો કે હાલમાં કોર્પોરેટર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.