વિસાવદર બેઠક પરથી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જે વિસ્તારમાં તેમને પડકાર થાય તેવી શકયતા છે. તેવા મત વિસ્તારમાં ઓપરેશન કમલનો પ્રારંભ કરી દીધો છે. લોકસભાની ચૂંટણીને હજુ પાંચ-છ મહિના બાકી છે ત્યાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક બાજુ આજે ગુજરાત કેબીનેટની બેઠક યોજાનાર હતી. જયારે એ પૂર્વે જ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે અને ગમે ત્યારે ભાજપ સાથે જોડાઇ શકે છે તેવો નિર્દેશ આપી તેમણે આપ્યો છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હું છેલ્લા ૧૭ વર્ષથી ભાજપનો કાર્યકર હતો.
મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે અમારી સંખ્યા ગુજરાતમાં ખૂબ ઓછી છે અને મતદારોના કામકાજ માટે અને વિકાસના કામ માટે સરકારને મદદ કરવી જોઇએ. આમ તમામ રીતે હવે ભૂપત ભાયાણી ખુલ્લીને ભાજપની તરફેણમાં આવી ગયા છે. આથી રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઇ છે.
દરમિયાન ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હાંસીયામાં ધકેલી દેવા માટે ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીને મેદાનમાં ઉતાર્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા અવાર-નવાર થયા હતાં. ચૂંટણીના પરિણામો બાદ આ આક્ષેપોમાં વજુદ જણાયુ હતું. હવે આપના ધારાસભ્ય અને કાર્યકરો ધીમે-ધીમે ભાજપમાં ભળી રહ્યા છે તેથી કોંગ્રેસનો કાંટો કાઢવા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મેદાનમાં ઉતારવામાં આવી હોવાનું વધુ સ્પષ્ટ થતું જાય છે.