- પ્રસાદના મોહનથાળમાં નકલી ઘી મામલે ધરપકડ
- નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહ પકડાયા
- આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસાઓ બહાર આવશે
અંબાજીના પ્રસાદના મોહનથાળમાં ઘાલમેલ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ થઇ છે. જેમાં અંબાજી પોલીસે જતીન શાહની ધરપકડ કરી છે. નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે 300 ડબ્બા ઘી મોહિની કેટરર્સને આપ્યા હતા.
પોલીસ દ્વારા આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ
અંબાજી પોલીસે ઘી મામલે સમગ્ર તપાસ બાદ આરોપીની ધરપકડ કરી છે. અંબાજી પોલીસ દ્વારા આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ છે. મોહનથાળના પ્રસાદ માટે ઉપયોગમાં લેવાયેલું ઘી અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવ્યું હોવાનો દાવો કોન્ટ્રાક્ટર મોહિની કેટરર્સે કર્યો છે. ત્યારે અંબાજી પોલીસની ટીમે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ટ્રેડર્સમાં પહોંચી અને તપાસ હાથ ધરી છે. અંબાજી પોલીસે નીલકંઠ ટ્રેડર્સમાંથી 15 કિલોના ઘીના 3 ડબ્બા કબ્જે કર્યા છે.
અગાઉ નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકાનમાં મળ્યા ન હતા
અગાઉ નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકાનમાં મળ્યા ન હતા. તેથી અંબાજી પોલીસે માધુપુરા પોલીસમાં દુકાન માલિક ન મળી આવ્યાની નોંધ કરાવી હતી. મહત્વનું છે કે, અંબાજીના પ્રસાદ માટે વપરાતા ઘીના નમૂના ચકાસણી દરમિયાન ફેલ થયા હતા. જે બાદ અંબાજી પોલીસે મોહિની કેટરર્સના માલિક, નીલકંઠ ટ્રેડર્સ તેમજ અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
નિયમ મુજબ, પ્રસાદ બનાવનારે પણ આ સર્ટિફિકેટ લેવાનું રહે છે
અંબાજી મંદિર દ્વારા વેંચવામાં આવતા મોહનથાળના પ્રસાદના પેકેટ પર આપવામાં આવેલી વિગત પ્રમાણે, દર 100 ગ્રામ મોહનથાળમાં 30 ગ્રામ બેસન, 46 ગ્રામ ખાંડ, 23 ગ્રામ ઘી તથા એક ગ્રામમાં દૂધ અને એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. અંબાજીના મંદિર દ્વારા આપવામાં આવતા મોહનથાળના પ્રસાદનું FSSAI (ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા) રજિસ્ટ્રેશન થયેલું છે. નિયમ મુજબ, પ્રસાદ બનાવનારે પણ આ સર્ટિફિકેટ લેવાનું રહે છે.
જાણો સમગ્ર મામલો:
શક્તિપીઠ અંબાજી ખાતે તા.23 થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો આયોજિત થયો હતો. જેમાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ મળી રહે એ માટે આયોજન કરાયેલ હતું. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હતો. જે ઘીના સમ્પેલ ફેઈલ થતાં હવે સમગ્ર મામલો ઉઘાડો પડ્યો છે. જેને લઈ તપાસના ધમધમાટ પણ ચાલી રહ્યાં છે.