- સ્ત્રી કે કુમારિકાએ તલ અને આમળાના ચૂરણથી સ્નાન કરવું. રેશમી વસ્ત્ર પરિધાન કરી શિવમંદિરે જઈ કેવડાનું પુષ્પ શિવલિંગ પર ચડાવી પૂજા કરવી
કેવડા ત્રીજ એટલે કે હરતાલિકા વ્રત. હરિતા નામની સખી ઉપરથી આ વ્રતનું નામાભિધાન થયું છે. આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે આવે છે. આ વ્રત પરિણીત સ્ત્રી અને કુંવારિકા બંને માટે છે. પરિણીત સ્ત્રી અખંડિત સૌભાગ્યની વૃદ્ધિ માટે અને ઉમા-મહેશ્વરની પ્રસન્નતા અર્થે આ વ્રત કરે છે. અખંડ સૌભાગ્ય અને પતિ તરફથી ઉત્તમ સુખ તથા રિદ્ધિ-સિદ્ધિ એ પ્રત્યેક આર્ય નારીના જીવનની અભિલાષા હોય છે. કુમારિકા પોતાને યોગ્ય પતિ મળે તે માટે કેવડા ત્રીજનું વ્રત કરે છે.
પાર્વતીજીએ પણ વિશ્વેશ્વર મહાદેવને પોતાના પતિ તરીકે પામવા આ દિવસે વ્રત વિધિ-વિધાન કરીને તથા ઉપવાસ કરીને સદાશિવની પૂજનવિધિ કરી હતી. આથી તેઓ શંકર જેવા સ્વામીને પામ્યા હતાં.
આ દિવસે પરિણીત સ્ત્રી કે કુમારિકાએ પ્રાત:કાળે ઊઠી તલ અને આમળાના ચૂરણથી સ્નાન કરવું અને રેશમી વસ્ત્ર પરિધાન કરી શિવજીના મંદિરે જઈ કેવડાનું પુષ્પ શિવલિંગ પર ચડાવીને, વિવિધ મંત્રો દ્વારા એમની અંગપૂજા કરવી, તેમજ ધૂપ-દીપ, નૈવેદ્ય વગેરે પ્રેમપૂર્વક અર્પણ કરવાં. પ્રદક્ષિણા કરી પુષ્પાંજલિ અર્પવી. પરિણીત સ્ત્રીએ નિર્મળ મનથી, પવિત્ર ભાવથી શિવ-વંદના કરી, અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય અને રિદ્ધિ-સિદ્ધિ સાંપડે એવી પ્રાર્થના કરવી. આ દિવસે ફળાહાર કરવો, જો શક્ય હોય તો નકોરડો ઉપવાસ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું અને શિવજીના ધ્યાનમાં આખો દિવસ વ્યતીત કરવો.
કેવડા ત્રીજની વ્રતકથા
એક વખત શિવ-પાર્વતી પર્વતરાજ કૈલાસ પર બિરાજમાન હતાં. બંને વચ્ચે વાર્તા-વિનોદ અને ગોષ્ઠિ ચાલી રહ્યાં હતાં. વાતમાંથી વાત નીકળી અને પાર્વતીજીએ પ્રશ્ન પૂછ્યો, `હે પ્રભુ! આપને પરણવા મેં અનેક વ્રતો કર્યાં હતાં, એમાંથી કયા વ્રતના પ્રભાવે હું આપ જેવા પિનાકપાણિને સ્વામી રૂપે પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બની તે જાણવાની મને જિજ્ઞાશા થઈ છે, તો તે જણાવવાની કૃપા કરો.’
મનમાં હસતાં હસતાં વિશ્વેશ્વર મહાદેવ બોલ્યા, `દેવી! દક્ષ પ્રજાપતિને ત્યાં તમારો જન્મ થયો ત્યારે તમે `સતી’ નામે ઓળખાતાં હતાં. બ્રહ્માજીએ તમારા પિતાને `પ્રજાપતિ નાયક’ની પદવી પ્રદાન કરી હતી, તેથી તેમનામાં અહંકાર આવી ગયો હતો. તમે ઉંમરલાયક થયા પછી મારી સાથે લગ્ન કરવાની અભિલાષા રાખતાં હતાં. તે વખતે તમે કઠોર તપ કર્યું હતું અને નંદાવ્રત પણ કર્યું હતું. તેના ફળસ્વરૂપે તમે વિધિપૂર્વક મારું પાણિગ્રહણ કર્યું હતું. `સતી’ સ્વરૂપે તમે નંદાવ્રત પરિપૂર્ણ કરી મારી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં.’
આપણું દાંપત્ય સુખી હતું. સુખભોગમાં દેવતાઈ પચ્ચીસ વર્ષ પસાર થઈ ગયાં હતાં. એક વખત વૈરવૃત્તિથી દક્ષ પ્રજાપતિએ આદરેલા બૃહસ્પતિ યજ્ઞમાં આપણને આમંત્રણ મળ્યું ન હતું છતાં તમે ઉપરવટ થઈ પિયર ગયાં હતાં. ત્યાં તમારું અને મારું હળાહળ અપમાન થયું હતું. ત્યાં ભલે હું ઉપસ્થિત ન હતો, પરંતુ મારા ગણ દ્વારા મને માહિતી મળી ગઈ હતી. તમે યજ્ઞકુંડમાં આહુતિ આપી દેહને ભસ્મિભૂત કરી નાખ્યો હતો. મેં ત્યાં આવી ખભા પર ઊંચકી તાંડવ નૃત્ય કર્યું હતું. ત્યારપછી તમે બીજો જન્મ હિમાલયને ત્યાં લીધો હતો અને પાર્વતી નામ રાખવામાં આવ્યું હતું.
જ્યારે તમે લગ્નની ઉંમરને લાયક થયાં ત્યારે તમારાં માંગાં આવવા લાગ્યાં. તે વખતે આકાશવાણી થઈ, `પાર્વતી માટે યોગ્ય પતિ શિવજી જ છે, પરંતુ કઠોર વ્રત-તપ વિના શિવને પ્રાપ્ત ન કરી શકાય.’
નારદજીએ ભવિષ્યવાણી કરી હતી કે, `પર્વતરાજ! તમારી પુત્રી સર્વગુણ સંપન્ન છે, તમારી પુત્રી શ્યામ છે, પરંતુ રંભાવ્રત કરવાથી અને ભગવાન શંકરના પ્રભાવથી શરીરનો વર્ણ ગૌર થશે અને તે `ગૌરી’ નામે ખ્યાતિ મેળવશે. પૂર્વજન્મમાં તમે ઉમા હતાં, આ જન્મે તમે પાર્વતી રૂપે મારા સાંનિધ્યમાં બેઠાં છો.’
બાલ્યાવસ્થામાં માતા-પિતાની ના હતી છતાં તમે મને પરણવા અતિ ઉત્સુક હતાં અને અનેક વ્રત-તપ કર્યાં હતાં. નારદજીએ તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવા સૂચન કર્યું હતું તેથી તમે તમારી સહેલીઓ સાથે ચાલી નીકળ્યાં હતાં અને એક ગાઢ જંગલમાં આવી તમારી સખી હરતાલિકાનો સાથ લઈને માટીનું એક કલાત્મક શિવલિંગ બનાવ્યું હતું.
સ્નાનવિધિથી પરવારી તમે તથા હરતાલિકાએ જંગલમાંથી વનસ્પતિ તથા પુષ્પો લાવી શિવલિંગ પર ચડાવી મારી પૂજા કરી હતી. વનસ્પતિની સાથે દેવોને વર્જ્ય એવું કેવડા પુષ્પ પણ ચડાવ્યું હતું અને પ્રાર્થના કરી હતી.સ્તુતિ સહિત સખી સાથે તમે ભક્તિભાવપૂર્વક શિવલિંગની પૂજા કરી હતી. તે દિવસે તમે નિર્જળા ઉપવાસ કર્યો હતો. કેવડાનું પુષ્પ દેવપૂજન માટે ત્યાજ્ય અને વર્જ્ય છે એ અંગે તમે અનભિજ્ઞ હતાં, છતાં તમે પ્રેમપૂર્વક કેવડા પુષ્પ ચડાવ્યું હતું. તેથી ભાદરવા સુદ ત્રીજના દિવસથી કેવડા પુષ્પ દ્વારા થતી પૂજા સ્વીકારવા મેં નક્કી કર્યું હતું. હસ્ત નક્ષત્રમાં કરેલા આ અનુપમ વ્રતથી હું પ્રસન્ન થયો હતો અને વરદાન માગવા કહ્યું હતું.
તે વખતે તમે મારો પતિદેવ તરીકે સ્વીકાર મનોમન કરી લીધો હતો અને મારા પતિ થાવ એવી માંગણી કરી હતી.
મેં તમારી વાત માન્ય રાખી હતી, પિતાજી તમને શોધવા આવ્યા ત્યારે તમે કહી દીધું કે, ભગવાન શંકરને વરી ચૂકી છું. મારાં લગ્ન જો તેમની સાથે નહીં થાય તો હું આત્મવિલોપન કરીશ.
તમારા આ કેવડા ત્રીજ (હરતાલિકા વ્રત)ના વ્રતના લીધે પિતાજીએ તમારી વાત માન્ય રાખી હતી અને હું તમને પામ્યો એ આ વ્રતની ફળશ્રુતિ છે.
કેવડો દેવપૂજન માટે વર્જ્ય ગણાય, પણ હર્ષાવેશમાં નિર્દોષભાવે તમે શિવલિંગ પર ચડાવ્યો હતો અને મેં તેનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.
આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે, પરિણીતાને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ને કુમારિકાને યોગ્ય પતિ મળે છે, તેમજ આ વ્રત કરનાર પરલોકમાં પણ ઉત્તમ ગતિને પામે છે અને શિવલોકમાં તેનો વાસ થાય છે.
કેવડાને પિનાકપાણિનો શાપ
એક એવી કિંવદંતી છે કે આ સુગંધિત કેવડા પુષ્પે એક વિવાદસ્પદ ઘટના ઘટી હતી ત્યારે અસત્ય બોલીને સાક્ષી પૂરી હતી. આથી શિવજીએ ક્રોધાવેશમાં કેવડા પુષ્પને શાપ આપ્યો કે, `હે કેવડા પુષ્પ! તું અતિ સુગંધિત હોવા છતાં હવે પછી તને કોઈ પણ દેવપૂજામાં સ્થાન નહીં મળે. ભક્તો કે પૂજારીઓ તને પૂજામાં નહીં ચઢાવે અને પૂજામાં કોઈ ભૂલથી પણ કેવડા પુષ્પ ચડાવશે તો તારાથી થયેલી પૂજાનો કોઈ દેવી કે દેવ સ્વીકાર નહીં કરે.’
શિવજીના શાપનો ભોગ બનેલો કેવડો તે દિવસથી પૂજનમાં ત્યાજ્ય એટલે કે વર્જ્ય બન્યો. એવું કહેવાય છે કે, ભાદરવા સુદ ત્રીજના દિવસે પાર્વતીજીએ ભૂલથી ભગવાન શંકરને કેવડાનું પુષ્પ તોડાવી ભક્તિભાવપૂર્વક તેમનું પૂજન-અર્ચન કર્યું. તે દિવસથી શિવજીએ જાહેર કર્યું કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ તેમને કેવડા પુષ્પ ચડાવી પૂજા કરશે તેની પૂજાનો આ એક દિવસ પૂરતો સ્વીકાર કરવામાં આવશે. આ રીતે વર્જ્ય સુગંધિત કેવડા પુષ્પને વર્ષમાં એક દિવસ ભગવાન સદાશિવની પૂજામાં સૌભાગ્ય પ્રાપ્ત થયું અને કેવડા પુષ્પનું જીવન સાર્થક થયું. આમ, ભાદરવા સુદ ત્રીજના રોજ શંકર ભગવાનને કેવડા પુષ્પ ભક્તો પ્રેમપૂર્વક શિવજીને ચડાવે છે.