અફઘાનિસ્તાનમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 50 લોકોના મોત થયા છે અને 76 લોકો ઘાયલ થયા છે. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ગઝનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાનમાં બે માર્ગ અકસ્માતમાં કુલ 50 લોકોના મોત થયા છે જ્યારે 76 લોકો ઘાયલ થયા છે. સરકારી પ્રવક્તાએ ગુરુવારે આ અકસ્માતો વિશે માહિતી આપી હતી. ગઝની પ્રાંતના ગવર્નરના પ્રવક્તા હાફિઝ ઉમરે જણાવ્યું હતું કે કાબુલ-કંદહાર હાઈવે પર બુધવારે મોડી રાત્રે એક પેસેન્જર બસ અને એક ઓઈલ ટેન્કર અથડાયા હતા, જ્યારે બીજી દુર્ઘટના એ જ હાઈવે પરના અન્ય વિસ્તારમાં થઈ હતી.
ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા
ગઝની પ્રાંતના ગવર્નરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ઘાયલોને ગઝનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પરિવારોને મૃતદેહો સોંપવાની પ્રક્રિયા ચાલુ છે.” ઓમરે કહ્યું કે ગંભીર રીતે ઘાયલ લોકોને કાબુલ ખસેડવામાં આવ્યા છે અને મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.
અગાઉ પણ અકસ્માતની ઘટના
આ અઠવાડિયે સોમવારે (16 ડિસેમ્બર 2024) અફઘાનિસ્તાનના દક્ષિણી હેલમંડ પ્રાંતમાં પણ એક જીવલેણ માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માત દરમિયાન પરિવારને લઈ જતું વાહન ખાડામાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. આ પહેલા ઉત્તરી બદખ્શાન પ્રાંતમાં એક જીપ નદીમાં પડી જતાં છ મુસાફરોના મોત થયા હતા અને અન્ય ચાર ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાનમાં જીવલેણ માર્ગ અકસ્માતોના કારણોમાં ખરાબ રસ્તાની સ્થિતિ, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને સલામતીના પગલાંનો અભાવ સામેલ છે.