આગકાંડ પીડિતોની મુખ્યમંત્રી સમક્ષ મુલાકાત કરાવી પરંતુ આભાસી રહી :પડે છે ત્યારે સઘળુ પડે છે જેવી કુદરતી ઘટનાઓ ભાજપ વિરૂધ્ધ જઇ રહી છે
ભારતિય જનતા પાર્ટનું કોઇ ઇતિહાસકાર રાઇઝ એન્ડ ફોલ વિશ્લેષણ કરે તો તેમણ ટર્નીંગ પોઇન્ટ તરીકે અથવા મીડ પોઇન્ટ તરીકે ટી.આર.પી. આગ કાંડને લેવો પડે. રપ મે પહેલાંનું ભાજપ અને રપ મે ર૦ર૪ બાદનું ભાજપ.રાજકોટ સૌરાષ્ટ્રની વાત છે ત્યાં સુધી તો આ મુદો જ છે.પ્રિ-ટી.આર.પી. આગ કાંડ પોસ્ટ ટી.આર.પી. આગ કાંડ. ભાજના અગાઉના તમામ સદ્કાર્યો ટી.આર.પી. કાંડે ધોઇ નાંખ્યા છે. સામે લોકોએ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના મુદે વડાપ્રધાન અને સ્થાનિક રાજકારણીઓને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઇ સ્થાનિક નેતાઓના કૌંભાંડો,અહંકાર,બિનકાર્યક્ષમતા,ગંદા રાજકારણ, જૂથવાદ વગેરેને માફ કર્યા હતાં તે બધું જ હવે બાઉન્સ બેક થઇ રહયુ છે.
ગઇ કાલની જ વાત કરીએ ગઇ કાલે શહેર ભાજપના નેતાઓ ત્રણ ધારાસભ્યો વગેરે ટી.આર.પી. કાંડના ર૪ પીડિત પરિવારોને ગુપચુપ રાજકોટથી ગાંધીનગર લઇ ગયા. મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવી.મુલાકાત બાદ ભાજપના સૂત્રો તરફથી મિડિયાને એવી જાણ કરવામાં આવી કે મુલાકાત ખુબ જ સંતોષકારક રહી છે. પીડિતોએ મુખ્યમંત્રી સમક્ષ પાંચ મુદા મૂકયા હતાં. જેમાં મોટા ભાગના મુદાએ મુખ્યમંત્રીએ સહાનુભૂતિ દર્શાવી છે. વગેરે વગેરે. પણ બેઠકમાંથી કોઇ નકકર નિષ્કર્ષ ન આવ્યો. અગાઉ ક્ષત્રિય આંદોલન સમયે મધરાતે મુખ્યમંત્રી સાથે ક્ષત્રિય આગેવાનોની મીટીંગ થઇ હતી. એ યાદ આવી ગઇ.
મુખ્યમંત્રીને મળીને આગકાંડના પીડિત પરિવારોમાંથી બે થી વધુ પરિવાર જેમા એક અનિરુધ્ધસિંહ જાડેજા હતાં. તેમણે ગાંધીનગરમા મિડિયા સમક્ષ ઓન કેમેરા કહયુ કે કોઇ સમાધાન થયુ નથી. કોઇ નકકર વાત બની નથી. તેમણે ૧ર મુદ્દા મૂકયા તેની પૂનરોકતી કરવી નથી. એ જાહેર છે.પરંતુ પીડિતોએ તેમના વહાલસોયા ગુમાવ્યા છે. તેમને આ ગૂનામાં બેદરકારી દાખવાનાર મનપાના તત્કાલીન કમિશ્નરથી તત્કાલીન પોલીસ કમિશ્નર સામે માત્ર ટ્રાન્સફરના પગલાં લેવાયા કોઇ કેસ નથી થયો તે ભ્રામક લાગે છે. ચાર ચાર સમિતિ કોઇ પરિણામ નથી લાવી શકી તે અસંતોષ અને અવિશ્વાસ પીડિતોના પરિવારમાં એટલો જ છે. પીડિત પરિવારને આઉટસોર્સીંગની નોકરી કે વધુ થોડા લાખ રૂપિયાની સહાય નથી જોઇતી. ભાજપના નેતાઓ એ બાબત ન સમજી શકે એટલા નાદાન નથી. સાથે સાથે સંવેદનશીલતા પણ ગુમાવી બેઠા છે.
તેમણે પીડિતની જગ્યાએ પોતાના સંતાનો જોવા જોઇએ. પોતાના સંતાનોના મૃત્યુતોલ-મોલ-બોલ ન થાય. આ રાજકારણ નથી.જીવન છે. લોહિ અને પસીનાથી સિંચેલું જીવન.તમારા પરિવારનો બાગ કોઇ ઉજાળી જાય તો જ આ દુ:ખની ખબર પડે.પથારીમાં પડેલી અડધી જાગતી અડધી તંદ્રામાં સરી પડેલી માતાને જ્યારે દિકરો બારણુ ખખડાવતો હોય અને ઝબકીને જાગી જાય. બારણુ ખોલવા દોડી જાય અને વાસ્તવિકતા જયારે ટકોરા દયે ત્યારે સમયની બારીએથી કાળી રાતનો તડકો વેઠવો પડે એ સ્થીતિ દિવંગતોની માતાઓ અને પરિવારજનો જ જાણે.
સરકારે ,ભાજપે હવે પસ્તાવાનું વિપુલ ઝરણુ વહે એ દિશામાં વિચારવું પડશે. દોઢ મહિનામાં આગકાંડના પીડિતોના પરિવારજનોને ખાતરી થાય કે સરકાર આપણી સાથે છે. ભ સરકાર આપણી સાથે છે એવી કોઇ પ્રતિતિજનક બાબતો ફળસ્વરૂપે નથી આવી. કદાચ સરકાર પાછલા બનાવોમાં થોડા દિવસોના પ્રત્યાઘાત શમી ગયા બાદ રાબેતાની સ્થીતિની રાહ જોઇ રહી છે. પરંતુ ટી.આર.પી કાંડ બાદ સરકારના અને ભાજપના તમામ બનાવો ઉપર પ્રજાની આંખનો કેમેરો ફરવા માડયો છે. લોકો ટી.આર.પી.કાંડની ભાજપની નિયત અને પાછળની ઘટનાઓના સહસબંધ જોડી ભાજપની આખી છબી જોઇ રહયા છે. તેમણે ભાજપના વચનોથી જે છબી કલ્પી હતી તે ધુમીલ થઇ રહી છે.
આગકાંડની એક ઘટના નહિ શ્રેણીબધ્ધ ઘટનાઓ અત્યારે જ સામે આવવા માંડી છે. ડ્રગમાં ગુજરાત પંજાબ જેવુ બની રહયુ છે. ગુજરાતનો દરિયાકાંઠો માછલાઓ કરતાં ડ્રગના પેકેટોથી વધુ ઉભરાઇ રહયો છેઆગ,લૂંટ,બળાત્કાર,બેરોજગારી,દારૂબંધી,ભ્રષ્ટાચાર વગેરેમાં આ ઘટના બાદ પણ કોઇ ફેરફાર નથી થઇ રહયો. અધિકારીઓની તાનાશાહી વધી છે. રાજકોટના વેપાર ઉદ્યોગની કેડ ભાંગી નાંખવામાં આવી છે. ગઇ કાલે હોટલ,રેસ્ટોરન્ટ,પાર્ટીપ્લોટ,શોપીંગ મોલ,લારી ગલ્લાવાળાઓએ આંદોલન કર્યુ. તેમની મુખ્ય ફરિયાદ કાયદાનો અમલ કરાવી અને રોજગારી ચાલુ કરાવવાની છે. પરંતુ અધિકારીઓ જીદે ભરાયા છે. સાગઠિયા એન્ડ કંપનીની સજા પ્રજાને દઇ રહયા છે.અધુરામાં પુરુ જે તામજામથી હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કર્યુ હતું તેમાંથી હવે ઇન્ટરનેશનલ સેવા કાઢી નાંખવામાં આવી છે. રાજકોટ સૌરાષ્ટ્ર સાથે મોટો ફ્રોડ થયો છે. વચનભંગ થયો છે. એઇમ્સ પણ નામ બડે અને દર્શન ખોટે જેવી સાબિત થાય છે.એઇમ્સમાં ગયેલા દર્દઓમાંથી અનેકને સિવિલ હોસ્પિટલમાં અથવા અન્ય જગ્યાએ ધકેલી દેવાતાં હોવાની ફરિયાદ છે. અધિકારીઓ અને તંત્ર ભાજપના હાથમાં નથી રહયુ. ભાજપના નેતાઓ ભયભીત છે. કોઇ આ મામલામાં આગળ આવી રસ્તો કાઢવાની નૈતિક હિંમત ગુમાવી બેઠા છે. અનિર્ણાયકતાની સ્થીતિ હવે લંબાઇ ગઇ છે. કહેવાતાં નેતાઓ મિડિયા અને પ્રજાથી ઓઝલ થવા માંડયા છે. ભ્રષ્ટાચારમાં લથબથ નેતાઓને એક જ ડર છે કે હાલમાં બહાર આવીએ તો કયાંક અડફેટે ચડી જવાય.
પ્રજા આ બધું જોઇ રહી છે. ચા ની લારીએ, પાનના ગલ્લાએ ,સોસાયટીની ઓટલાં પરિષદોમાં,સામાજીક મેળવાડામાં સોશિયલ મિડીયામાં બળાપો કાઢી રહી છે. જેટલો વિલંબ સિસ્ટમ સુધારણામાં ભાજપ કરશે તેટલું વધુ નુકશાન ભાજપ અને ગુજરાત સરકારને છે.ટી.આર.પી. આગ કાંડે ભાજપનો ટી.આર.પી.(ટીવી દર્શકોની સંખ્યાનો માપદંડ ટેલિવિઝન રેટીંગ પોઇન્ટ) ઘટાડયો છે.