નીતા અંબાણી કહ્યું કે “અમે અમારી મહિલા ટીમમાં યુવા પ્રતિભાઓની માવજત કરી તેમને વિકસાવવા પ્રયત્નશીલ છીએ.” મુંબઈ ઈન્ડિયન્સની માલિકી ધરાવતા નીતા એમ અંબાણીએ, ડબ્લ્યુપીએલ 2025 સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સે એકત્રિત કરેલી ટીમ પ્રત્યે સંતોષ વ્યક્ત કરવાની સાથે ટીમના વિઝન પર ભાર મૂકતા યુવા પ્રતિભાઓની પડખે રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
અમે ખૂબ જ ખુશ છીએ: નીતા અંબાણી
બેંગાલુરૂ ખાતે રવિવારના ઓક્શન બાદ નીતા એમ અંબાણીએ જણાવ્ચું હતું કે, “આજે અમે જે ટીમને એકત્રિત કરી છે તેના પ્રત્યે અમે બધા ખૂબ ખુશ અને સંતુષ્ઠ છીએ. આ ઓક્શન રોમાંચક અને તે જ સમયે સંવેદનાપૂર્ણ પણ હોય છે. આજના ઓક્શનમાં ભાગ લેનારી તમામ છોકરીઓ પ્રત્યે તેમજ મુંબઈ ઈન્ડિયન્સ પરિવારનો હિસ્સો બનેલી તમામ છોકરીઓ જેવી કે જી કમલિની, નાદિન દ ક્લેર્ક, સંસ્કૃતિ ગુપ્તા, અક્ષિતા મહેશ્વરી પ્રત્યે મને ખૂબ ગર્વ છે.”
બુમરાહ, હાર્દિક અને તિલકને લઈને કહી આ વાત
નીતા એમ અંબાણીએ આ ચારેય નવી ખેલાડીઓને એક સંદેશા સાથે આપતા જણાવ્યું હતું કે, “મુંબઈ ઈન્ડિયન્સ પરિવારમાં આપનું સ્વાગત છે. મુંબઈ ઈન્ડિયન્સે હંમેશાથી યુવા પ્રતિભાઓને ઓળખી, તેમની માવજત કરીને વિકસાવવા પર ધ્યાન આપ્યું છે. અમે અમારી પુરુષોની ટીમમાં પણ આમ જ કર્યું છે, અને આજે બુમરાહ, હાર્દિક અને તિલકને વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરતા જોઈને અમે ગર્વ મહેસૂસ કરીએ છીએ. અમે અમારી મહિલા ટીમ સાથે પણ આવું જ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગત વર્ષે, અમે ઓક્શનમાં સંજનાને મેળવી હતી. આજે હવે તેને ટીમ ઈન્ડિયામાં રમતી જોઈને ખૂબ આનંદ થઈ રહ્યો છે.”
નવા ટેલેન્ટ વિશે કરી આ વાત
મુંબઈ ઈન્ડિયન્સે પોતાના રોસ્ટરમાં અત્યંત પ્રતિભાશાળી અને ચર્ચાસ્પદ બનેલી જી કમલિનીનો પણ સમાવેશ કર્યો છે. તમિલનાડુની આ 16 વર્ષની દિકરીએ અન્ડર-19 એશિયા કપમાં અગાઉ પાકિસ્તાન અન્ડર-19 સામેની મેચમાં ઈન્ડિયા અન્ડર-19 ટીમમાં ડેબ્યુ કર્યું હતું. તેને સાઈન કરવા બાબતે, નીતા એમ અંબાણીએ કહ્યું હતું કે, “આ વર્ષે 16-વર્ષીય કમલિનીને સાઈન કરવાનો અમે ખૂબ રોમાંચ અનુભવીએ છીએ. અમારા સ્કાઉટ્સ છેલ્લા ઘણા સમયથી તેને ટ્રેક કરી રહ્યા હતા અને તેના જેવી નવી પ્રતિભાનો ઉમેરો કરવો એ અત્યંત રોમાંચકારી અનુભવ રહ્યો. આમ, એકંદરે આ ઓક્શનમાં અમારા માટે અત્યંત સંતોષકારક દિવસ રહ્યો.”
ડબ્લ્યુપીએલની પહેલી સિઝનની ચેમ્પિયન ટીમ હતી મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સ એ ડબ્લ્યુપીએલની પહેલી સિઝનમાં જ ચેમ્પિયન રહેલી ટીમ છે અને તેણે સાઉથ આફ્રિકન ઓલ-રાઉન્ડર નાદિન દ ક્લેર્ક અને મધ્યપ્રદેશની ઓલ-રાઉન્ડર સંસ્કૃતિ ગુપ્તા તેમજ કમલિની ઉપરાંત રાજસ્થાનની પેસર અક્ષિતા મહેશ્વરીને પણ પ્રાપ્ત કરીને 18-ખેલાડીની સ્ક્વોડમાં ચારનો ઉમેરો કર્યો હતો.