તહેવારો નિમિતે ભાડામાં બેફામ વધારો : હિરાસર એરપોર્ટ ખાતેથી ૨૨૨૫૬ મુસાફરોનું આવાગમન
અગ્ર ગુજરાત, રાજકોટ
એક બાજુ સરકાર પ્રવાસનને ઉત્તેજન આપવાની વાત કરે છે અને અમિતાભ બચ્ચન જેવા કલાકાર દ્વારા પ્રવાસનની જાહેરાત કરે છે. પરંતુ જયારે લોકો પ્રવાસ માટે બહાર નીકળે છે ત્યારે ચોમેરથી લૂંટાય છે. રીક્ષાથી માંડી વિમાની ભાડામાં દિવાળીના તહેવારોમાં બેફામ વધારો થઇ ગયો હતો. રાજકોટથી ઉપડતી અને રાજકોટ આવતી જુદી-જુદી ફલાઇટોમાં મુસાફરનો ધસારો જોતાં વિમાની કંપનીઓએ બેફામ ભાવ વરા શરૂ કર્યા હતા અને રૂ.૮ હજારથી માંડી રૂ.૨૫ હજાર સુધી બેફામ વધારો થયો હતો. સરકારે જાણે વિમાની કંપનીઓને મુસાફરોને લૂંટવાની પરવાનગી આપી દીધી હોય તેમ કોઇપણ નિયંત્રણ વિના મોનોપોલીનો લાભ લઇ ભાડા વધારો કરાયો હતો. સાંસદો, ધારાસભ્યો અને વિકાસની વાતો કરતાં નેતાઓ આ બાબતે મૌન સેવે છે. કારણ કે તેમને વિમાની ભાડુ સરકાર તરફથી મળે છે.
શહેરના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તહેવારના આ પાંચ દિવસમાં ૨૨૨૫૬ મુસાફરોની આવાગમન થયુ હોવાનો સતાવાર આંકડો એરપોર્ટ ઓથોરિટી તરફથી મળ્યો છે. તેમાથી મોટાભાગના રાજકોટના જ રહેવાસીઓ છે. કે જેમાથી અમુક પરિવાર દિવાળી પૂર્વેથી જ ફરવા નીકળી ગયા હતા તો અમુક પરિવાર વહેલા ફરીને દિવાળીના તહેવારમાં રાજકોટ આવી ગયા હોય તેવા મુસાફરો હતા.
કોરોના કાળ પછી આ વખતે દિવાળી પર હવાઇ મુસાફરીની એક અનોખી જ રોનક જોવા મળી હતી. એરપોર્ટ ઓથોરિટીમાંથી મળેલી સતાવાર માહિતી મુજબ દિવાળીના તહેવારના આ દિવસોમાં ૨૨૨૫૬ મુસાફરોનું ડિપાર્ચર અને એરાઇવલ(આવન-જાવન) હીરાસર એરપોર્ટ પર થયુ છે. બીજીબાજુ હવાઇ સફરનો રસ જોઇને એરલાયન્સ કંપનીઓએ પણ ફ્લાઇટની ટિકિટમાં ઉઘાડી લૂંટ ચલાવી હતી. સામાન્ય દિવસોમાં વન-વે ટ્રીપમાં ફ્લાઇટની ટીકીટનો જે દર હતો તેના કરતા એક-બે નહીં પણ ચારથી પાંચ ગણા ભાવ કરી નાંખ્યા હતા.