- દર્દીઓએ ગરબા પહેલા હૃદયની તપાસ કરાવી જોઈએ
- ગરબા સ્થળે તબીબને ફરજ પર રાખવા યોગ્ય
- નજીકની હોસ્પિટલ સાથે ઔપચારિક જોડાણ કરો
રાજ્યમાં હાલ હાર્ટ એટેકના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. આ વચ્ચે અમદાવાદ મેડીકલ એસો. (AMA) દ્વારા નવરાત્રી દરમિયાન ગરબા રમતાં ખેલૈયાઓ માટે અને ગરબાના આયોજકો માટે મહત્વની ગાઈડલાઈન જાહેર કરી છે. જેની સાથે જ અમદાવાદની 26 જેટલી હોસ્પિટલની યાદી પણ જાહેર કરી છે. જેના દ્વારા કોઈ પણ ઈમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે.
આ અંગે તમામ એરિયા પ્રમાણે હોસ્પિટલો નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં તમામ હોસ્પિટલમાં ICU ની વ્યવસ્થા કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી યાદીમાં હોસ્પિટલના નામ અંને નંબર આપવામાં આવ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા મેડિકલ ફેટરનિટીએ આં માર્ગદર્શિકા જાહેર કરી છે, જે નીચે મુજબ છે.
ખેલૈયા માટે
1. જો તમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ વગેરે જેવા રોગો હોય તો લાંબા સમય સુધી ગરબા ટાળવા જોઈએ. તમારી નિયમિત દવાઓ લેવાનું ચૂકશો નહીં. એકવાર તમારા ડૉક્ટરની મુલાકાત લો અને ગરબા માટે તેમની મંજૂરી મેળવો.
2. જે વ્યક્તિઓ નિયમિત વ્યાયામ નથી કરતા અને 40 વર્ષથી વધુ ઉંમરના હોય છે: બ્લડ પ્રેશર અને અથવા ડાયાબિટીસ અને અથવા ધૂમ્રપાન અને અથવા હૃદયની સમસ્યાઓનો કૌટુંબિક ઇતિહાસ હોય તેઓએ ગરબા કરતા પહેલા હ્રુદય ની તપાસ કરાવી જોઈએ. ટ્રેડ મિલ ટેસ્ટ એના માટે બહુજ સારી તપાસ છે.
3. કૃપા કરીને પૂરતું પાણી લો. દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી લેવું સારું છે. ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો.
4. કેળું અથવા નાળિયેર પાણી અથવા મખાના જેવો પોટૅશિયમ અને મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાક ખાઓ. ગરબા રમતા પેહલા પેટ ભરીને ખોરાક ના લેશો. બને તેટલું બહાર નું જંક ફૂડ ના ખાશો.
5. જો તમને ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં ભારેપણું આવે, માથાનો દુખાવો થતો હોય તો તરત જ ગરબા રમવાનું બંધ કરી બેસી જજો. જો લક્ષણો વધે તો તરત જ ડૉક્ટર પાસે જાઓ.
ગરબા આયોજકો માટે
1. નજીકની હોસ્પિટલ સાથે ઔપચારિક જોડાણ કરો. કોઈ ઘટના બને તો તાત્કાલિક હોસ્પિટલને જાણ કરવી.
2. જો શક્ય હોય તો ગરબા સ્થળ પર પ્રાથમિક સુવિધા સાથે ફરજ પરના ડૉક્ટરને રાખો.
3. વિશાળ ભીડ ટાળો. મર્યાદિત જગ્યા ધરાવતી ભીડ આવી ઘટનાઓનું કારણ છે
4. તમારા સપોર્ટ સ્ટાફ, સુરક્ષા લોકોને CPR ટેકનિક ની તાલીમ આપો.
5. ગરબાના સ્થળે વધુ જગ્યાએ પાણીની વ્યવસ્થા રાખો.
6. ઘટનાના કિસ્સામાં એમ્બ્યુલન્સના પ્રવેશ અને બહાર નીકળવા માટે સમર્પિત માર્ગ અને સંકેત રાખો
તેમજ આયજકોને કહેવામાં આવ્યું છે કે, બને તેટલી વધારે જગ્યા પર અને વંચાય તેવા મોટા અક્ષરોમાં ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર લખેલા બોર્ડ લગાવશો. ગરબા એ આપણા ગુજરાતનું જીવન છે. આપણે બધાને તેનો સંપૂર્ણ આનંદ માણવો ગમે છે. પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે, કૃપા કરીને કેટલાક મૂળભૂત નિયમોનું પાલન કરવું જરૂરી છે.