દરિયામાં આવીને જહાજોનું અપહરણ કરી રહેલા હૂતી બળવાખોરોને રોકવા માટે યમનમાં ભૂમિ પર આવેલી તેમની છાવણીઓ પર યુએસએ અને યુકે દ્વારા હુમલા
રાતા સમુદ્રમાં છેલ્લા કેટલાક સમયથી હૂતી બળવાખોરો માલવાહક જહાજો માટે નડતર થઈ રહ્યા છે ત્યારે ભારતીય નૌકા દળ સહિત વિશ્વના અન્ય દેશોના નૌકા દળે પણ કાર્યવાહી કરી છે. આમ છતાં હૂતી લોકો પેટ્રોલ બોટ લઈને દરિયામાં ફરી રહ્યા છે. છેલ્લા થોડા મહિનામાં જ 24 જેટલા વહાણો પર તેમનો હુમલો થયો છે. ભારત આવી રહેલા અથવા ભારતીય ખલાસીઓ સાથેના ટેન્કરો પર હુમલા બાદ ભારતીય નૌકા દળે કાર્યવાહી કરીને હૂતીઓને ભગાડ્યા પણ હતા. આમ છતાં હુમલા સાવ અટક્યા નથી અને અહીંથી પસાર થઈ રહેલી સ્ટીમરો માથે જોખમ તોળાતું રહે છે.
આ હુમલો કરનારા હૂતી યમનના ઉત્તરના પ્રદેશોમાં વસે છે અને સરકાર સાથે તથા સાઉદી અરેબિયા સામે તેમની લડાઈઓ લાંબા સમયથી ચાલતી આવી છે. ઈરાન તરફથી હૂતીને મદદ મળે છે અને તેના જોર પર હૂતીઓ સાઉદીમાં હુમલા કરે છે. જોકે ઈઝરાયલે હમાસ પર હુમલા શરૂ કર્યા તે પછી ઈરાનની ઉશ્કેરણીથી હૂતીઓ દ્વારા મધદરિયે માલવાહક જહાજ પર હુમલા શરૂ થયા હતા. ઈઝરાયલને ટેકો આપનારા અમેરિકા અને યુરોપના જહાજોનું અપહરણ કરવાની કોશિશો થઈ રહી છે. દરિયામાં ફરી રહેલી ત્રણ હૂતી બોટોને ગયા મહિને જ ડૂબાડી દેવામાં આવી હતી.
અમેરિકાના પ્રમુખે ગઈ કાલે જ ચેતવણી આપી છે કે જરૂર પડશે તો યમનમાં હૂતીઓના અડ્ડાઓ પર આગળ પણ કાર્યવાહી કરાશે. અમેરિકા અને બ્રિટનની સેનાએ સંયુક્ત કાર્યવાહી કરીને યમન પર બોમ્બમારો કર્યો હતો. દરિયે આવનજાવનમાં અવરોધો ઊભા કરનારા સામે કાર્યવાહી થશે એવી ચેતવણી આપીને બાઈડને કહ્યું કે ચોક્કસ સ્થાનો પર હુમલો કરાયો છે તેની પાછળ આ જ સ્પષ્ટ ચેતવણી છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મરચન્ટ શીપિંગ પર હુમલા કરવા માટેની હૂતીની તાકાતને તોડવામાં આ હુમલા ઉપયોગી થયાનું લાગે છે.
યમનની રાજધાની સાના અને સાદા તથા ધમાર નામના શહેરો પર હૂતીના અડ્ડાઓ પર હુમલા થયા છે. અમેરિકા-યહુદી-બ્રિટને આ આક્રમણ કર્યું છે એવું હૂતી જૂથોના અધિકારીઓએ કહ્યું છે. હૂતી સામે મધદરિયે કામગીરી પછી જમીન પર તેના અડ્ડાઓને તોડી નાખવાની આ કામગીરી નોંધપાત્ર બની છે. આના દ્વારા ચેતવણી અપાઈ છે કે હવે માત્ર દરિયામાં ચોકી પહેરો કરવાના બદલે જરૂર પડશે તો બંદરો પર લાંગરેલા હૂતીના જહાજો અને વહાણોને તોડી પાડવામાં આવશે.
અમેરિકાના સ્રોતોના જણાવ્યા અનુસાર વિમાનથી અને સબમરીનથી આ હુમલા કરાયા હતા. એક ડઝનથી વધુ અડ્ડા પર હુમલા થયા હતા, જેનો હેતુ હૂતીના લશ્કરી થાણાને નુકસાન પહોંચાડવાનો હતો.
હૂતી બળવાખોરોએ યમનના મોટા ભાગના વિસ્તારો પર કબજો કરીને રાખ્યો છે અને તેના દ્વારા હવે સુએઝ કેનાલના દરિયાઇ માર્ગે હુમલા શરૂ થયા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ હૂતીઓને ચેતવણી આપેલી જ છે કે રાતા સમુદ્રમાં પસાર થતા વેપારી જહાજો આંતરરાષ્ટ્રીય વેપાર માટે છે અને તેના પર હુમલા યોગ્ય નથી. ચેતવણીઓ છતાં હૂતી બોટ અહીં ફરતી રહે છે, જે જહાજી કામકાજ માટે જોખમ બની રહી છે.
હમાસના સમર્થનમાં અમે હુમલા કરીએ છીએ હૂતીઓનું કહેવું છે, પણ તેના કારણે બીજા દેશોના જહાજોને, તેમના ખલાસીઓને સમગ્ર રીતે આંતરરાષ્ટ્રીય વેપારને અસર થાય છે. જહાજો પર હુમલો કરવાથી કંઈ ઈઝરાયલ અટકી જવાનું નથી કે તેને સીધું કોઈ નુકસાન નથી. અમેરિકા અને યુરોપના વેપારને અસર થાય છે, પણ તેનાથી વધારે અસર ભારત, ચીન, સિંગાપોર, થાઈલેન્ડ જેવા દેશોના વેપારને થાય છે. એટલે હૂતી સાથે આંતરરાષ્ટ્રીય રોષ વધી રહ્યો છે અને ભવિષ્યમાં કદાચ હૂતીની યમનમાં આવેલી છાવણીઓનો નાશ કરવા માટે પણ હુમલા થઈ શકે છે.
ભારતીય નૌકા દળ અને ભારતના મરીન કમાન્ડોએ પોતાની કામગીરી દાખવીને હૂતી અને સોમાલી ચાંચિયાને લાલ આંખ દેખાડી પણ છે, પરંતુ ભારત અમેરિકા કે બ્રિટનની જેમ યમનમાં જમીન પર છાવણીઓ પર બોમ્બમારી કરશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. પરંતુ પેટ્રોલ બોટમાં આવીને જોખમ ઊભું કરનારાની ખેર નથી એટલું તો ભારતે સ્પષ્ટ કરી દીધું છે.