૬ થી ૧૫ ટકા લેખે વ્યાજ ચૂકવવા છતાં ઉઘરાણી ચાલુ રહેતા ફીનાઇલ પીધું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ હજુ યથાવત રહ્યો છે. કોઠારીયા રોડ પર શિવમ પાર્ક શેરી નં.૧માં રહેતા યુવાને વ્યાજખોરોની ધમકીથી ડરી જઇને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં આજી ડેમ પોલીસે વ્યાજખોરો સામે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ફરિયાદમાં મોહીતે જણાવ્યું છે કે એકાદ વર્ષ પહેલા તેણે અતુલ ભૂત પાસેથી ૬ લાખ ૬ ટકા વ્યાજે લીધા હતા જેનું દર મહિને ૩૬ હજાર વ્યાજ ચૂકવતો હતો. આ વ્યાજ ચૂકવવા માટે તેણે સાહેમ રાજપૂત પાસેથી રૂા. ૧ લાખ દર અઠવાડિયે રૂા. ૧૦ હજારના વ્યાજે લીધા હતા. બાદમાં તેની પાસેથી વધુ રૂા. ૨ લાખ ડાયરી પેટે લીધા હતા. જેમાં દર ૧૦ દિવસે રૂા. ૨૦ હજારનો હપ્તો ચૂકવતો હતો.
ત્યારબાદ અમુભાઈ જળુ પાસેથી રૂા. ૧ લાખ ૧૫ ટકા વ્યાજે લીધા હતા. જેનું દર મહિને રૂા. ૧૫ હજાર વ્યાજ ચૂકવતો હતો. આ જ રીતે ટીસા જળુ પાસેથી રૂા. ૫૦ હજાર દર અઠવાડિયે રૂા. ૭૫૦૦ વ્યાજ લેખે લીધા હતા. દીપભાઈ ગઢવી પાસેથી રૂા. ૩ લાખ ૧૦ ટકા વ્યાજે તથા રૂા. ૪ લાખ ડાયરી પેટે લીધા હતા. જે પેટે દર ૧૦ દિવસે રૂા. ૪૦ હજારનો હપ્તો ચૂકવતો હતો. રવિરાજ જાદવ પાસેથી રૂા. ૪ લાખ દરરોજ રૂા. ૪ હજાર વ્યાજ પેટે લીધા હતાં. આ ઉપરાંત તેની પાસેથી રૂા. ૧૦ લાખ ડાયરી પેટે લીધા હતા. જેમાંથી બે લાખ કાપી રૂા. ૮ લાખ આપ્યા હતાં. જેને રૂા. ૧ લાખ દર ૧૦ દિવસે ચૂકવતો હતો. એટલું જ નહીં તેની પાસેથી રૂા. ૨ લાખ ૭.૫ ટકાના વ્યાજે લીધા હતાં. જે પેટે દર મહિને રૂા. ૧૫ હજાર વ્યાજ ચૂકવતો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી વ્યાજ ચૂકવી નહીં શકતા તમામ આરોપીઓએ તેની પાસે પઠાણી ઉઘરાણી કરી ‘જો તું વ્યાજ નહીં ચૂકવી શકે તો તને જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપતા હતા. જેથી કંટાળી જઇ ગઇકાલે રાત્રે તેણે ઘરે ફિનાઇલ પી લીધું હતું. જેને કારણે ઉલટી-ઉબકા આવતા સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં આજે આજી ડેમ પોલીસે તેની ફરિયાદ નોંધી હતી.