ર૦૧૯ની તુલનાએ સરેરાશ સાત ટકા ઓછુ મતદાન ભાજપ-એનડીએનું દબાણ વધારશે ?
લોકસભાની ર૦ર૪ની ચૂંટણીનું પ્રથમ તબકકાનું મતદાન ગઇ કાલે ૧૯મી તારીખે એકંદરે શાંતિપૂર્વક પૂર્ણ થયુ છે. ર૧ રાજયોની ૯૭ બેઠકો માટેના આ મતદાનમાં ઉડીને આંખે વળગે એવી એક બે બાબત છે. આ વખતે સરેરાશ મતદાન ૬ર ટકા થયુ છે. આ મતદાનની ટકાવારી ગત ર૦૧૯ની મતદાનની ટકાવારીની તુલનાએ સાત ટકા ઓછી છે. સામાન્ય રાજકિય ગણીત મુજબ ઓછુ મતદાન એન્ટીઇનકમ્બન્સીના નિર્દેશ આપે છે. ભારતિય જનતા પાર્ટી ર૦૧૪થી સતામાં છે. આ તેમની બે ટર્મ પૂરી થઇ છે. આ ત્રીજી ટર્મ રિપિટ કરવા માટેની ચૂંટણી છે. આવા સંજોગોમાં મતદાનના જે આંકડા સામે આવ્યા છે એ ભરેલા નાળિયેર જેવા છે. મતદારોએ મન કળાવા નથી દીધુ.
આમ છતાં મતદાનની કેટલીક હાઇલાઇટ જોઇએ તો ત્રિપુરામાં સૌથી વધુ ૭૯.૯૦ ટકા મતદાન થયુ છે. જયારે બિહારમાં ૪૭.૪૯ ટકા મતદાન થયુ છે. તામિલનાડુ અને પૂર્વોતરના દસ રાજયોમા પ્રથમ તબકકામા જ સંપૂર્ણ મતદાન એક તબકકામા જ પૂર્ણ થઇ ગયુ છે. ગુજરાતમાં ૭મી મે ના રોજ મતદાન થનાર છે. પશ્ચિમ બંગાળમાં ૭૭.પ૭ ટકા મતદાન થયુ છે. પુડુચેરીમાં ૭3.રપ ટકા અસમમાં ૭૧.3૮ ટકા અને મેઘાલયમાં ૭૦.ર૬ ટકા મતદાન થયુ છે. આ સિવાય નોંધપાત્ર ઓછુ મતદાન થયુ હોય તેવા રાજયોમાં બિહારમાં ૪૭.૪૯ ટકા, રાજસ્થાનમાં પ૦.૯પ ટકા ઉતરાખંડમાં પ3.૬ર ટકા, મિઝોરમમાં ૫૪ ટકા, મહારાષ્ટ્રમાં પપ ટકા, મતદાનો સમાવેશ થાય છે જયાં ભાજપને સૌથી વધુ બેઠકો જીતવાની આશા છે એ દક્ષિણ બેલ્ટના તામીલનાડુમાં ૬ર.૧૯ ટકા મતદાન નોંધાયુ છે. તામીલનાડુની 3૯ બેઠકો ઉપર વડાપ્રધાને એડી ચોટીનું જોર લગાવ્યુ છે. ઘણી સભાઓ કરી છે. આવા સંજોગોમાં મતદાન એટલું વધુ નથી થયુ.
સોશિયલ મિડિયામાં લેફટીસ્ટ ઝોક ધરાવતાં વિશ્ર્લેષકો ગેલમાં આવી ગયા છે. તેમના એનાલિસિસ મુજબ તામીલનાડુમાં ભાજપને એક પણ બેઠક નહિ મળે. આવુ થાય તો ભાજપને ૪૦૦ પારની આશા છે એ સાકાર ન થાય. તામિલનાડુમાં ભાજપે પોલીસ ઉપર ભાર મૂક્યો છે. અન્નામલાઇ આઇપીએસ છે. ભાજપના સંગઠનમાં પણ કેટલાક પૂર્વ આઇપીએસ અને પોલીસ અધિકારી છે. એક સમયે પોલિટિકસમાં વકિલ અને પત્રકાર,ફિલ્મસ્ટારની એન્ટ્રી થઇ હતી. બાદમાં સાધુ સંતો પણ સક્રિય રાજકારણમાં આવ્યા. જેમા યોગી આદિત્યનાથ જેવા સફળ થયા. જયારે ઉમા ભારતીએ એક હદે સફળતાં મેળવ્યા બાદ તેમને દર કિનાર કરવામાં આવ્યા. હવે આઇપીએસની એન્ટ્રી ઉપર સહુની નજર રહેશે. ગુજરાતમા ભાજપે આ પ્રયોગ વડોદરામા કર્યો હતો.
પ્રથમ તબકકાના મતદાન બાદ નેશનલ મિડિયામા જે ડિબેટમાં ચિત્ર આવે છે તે એકદમ વિરોધાભાસી આવે છે. ભાજપની તરફેણની ચેનલો અને સોશિયલ મિડિયામાં ભાજપ તરફી મતદાનના દાવા થાય છે. સામા પક્ષે લેફટીસ્ટ ઝોક ધરાવતાં અને પી.એમ. મોદી વિરોધી સોશિયલ મિડિયા અને ચેનલોમાં મતદાન બાદ જે વર્તારા થાય છે તેમા તેઓ સતા વિરોધી મતદાન થયાના દાવા કરે છે.
ખાસ કરીને બિહારનું ઓછુ મતદાન નીતિશ અને ભાજપના ગઠબંધન વિરોધી હોવાનો સૂર ઉઠયો છે. બંગાળનું વધુ મતદાન મમતા તરફેણમા કહેવાય છે યુપીમાં મુસ્લીમ બેઠકો ઉપર વધુ મતદાન અને ઠાકુર બેઠકો ઉપર પ્રમાણમાં ઓછુ મતદાન પરિણામો સુધી દિલની ધડકન વધારનારુ છે. એકંદરો પ્રથમ તબકકાના મતદાને બન્ને પક્ષે આશાઓ જીવંત રાખી છે. તેથી ચૂંટણીમાં આગળ સસ્પેન્શ જળવાઇ રહેશે.