ગુજરાતમાં એડવોકેટ પ્રોટેકશન એકટ લાગુ કરાવવા સહિતના પ્રશ્નોને લઈ મંથન કરી રણનીતી ઘડશે
બેઠક પૂર્વે બાર એસો.ના પ્રતિનિધિઓ મહાદેવની પૂજા અર્ચના કરી ધ્વજા ચડાવશે
આગામી તા.14 ને રવિવારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુજરાતભરના બાર એસોશીએસનના પ્રમુખો- સેક્રેટરીઓ અને ભુતપુર્વ પ્રમુખો- સેક્રેટરીઓની એક મહત્વની બેઠક મળનાર છે. જેમાં ગુજરાતમાં એડવોકેટ પ્રોટેકશન એકટ લાગુ કરવા તથા એડવોકેટ મિત્રોને લાગુ પડતા અનેક પ્રશ્નોને લઈ મંથન થશે. આ બેઠક પુર્વ મહાદેવને ધ્વજારોહણ સહિતના ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર હોવાનું આયોજન થયેલ છે.
સોમનાથ સાનિધ્યે મળનાર મહત્વની બેઠક અંગે માહિતી આપતા વેરાવળ બાર એસો.ના પ્રમુખ સુર્યકાન્ત એન.સવાણીએ જણાવેલ કે, તા.14 જુલાઈને રવિવારે ગુજરાતભરના તમામ બાર એસો.ના વર્તમાન અને ભૂતપૂર્વ પ્રમુખો અને સેક્રેટરીઓની બેઠકનું આયોજન કરાયેલ છે. આ બેઠક પૂર્વે તા.13 મીની રાત્રે સોમનાથ બાયપાસ પર આવેલ ખોડલધામ અતીથી ભવન ખાતે સાંસ્કૃતીક કાર્યક્રમ યોજાશે. બાદમાં તા.14 ને રવિવારે સવારે 9 વાગ્યે ઉપસ્થિત તમામ બાર એસો.ના પ્રતિનિધિઓ સોમનાથ મંદિરમાં મહાદેવની પૂજા અર્ચના કરીને ધ્વજા ચડાવશે.
બાદમાં સવારે 10 વાગ્યાથી સોમનાથના સાગર દર્શનના હોલમાં બેઠકનો પ્રારંભ થશે. આ બેઠકમાં ગુજરાતના તમામ બાર એસો.ના પ્રતિનિધિઓ રાજ્યમાં વારંવાર એડવોકેટ મિત્રો ઉપર હુમલાના તથા હત્યાના બનાવો બની રહ્યા છે. જેથી આગામી દિવસોમાં ગુજરાતમાં એડવોકેટ પ્રોટેકશન એકટ લાગુ કરાવવા મહત્વપુર્ણ ચર્ચાઓ કરશે. આ ઉપરાંત એડવોકેટોના હીતોને લગતા અનેક મહત્વના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવશે. જેથી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મળનાર બાર એસો.ની બેઠક મહત્વપૂર્ણ રહેશે તેવું અંતમાં જણાવેલ છે.