અરબી સમુદ્રમાં સોમાલી ચાંચિયાઓ વારંવાર કોઈ જહાજને આંતરીને કબજો કરે છે ત્યારે ભારતીય નૌકા દળના જહાજો એ વિસ્તારમાં પણ હવે પહેરો દેવા લાગ્યા છે
આજનો જ બનાવ છે કે માલ્ટાનું એક જહાજ ચાંચિયાઓએ કબજે કર્યું તે પછી ભારતીય નેવીના વિમાનોએ તેના પર ઝળુંબવાનું શરૂ કર્યું હતું. અરબી સમુદ્રમાં ગલ્ફની નજીક ભારતના કેટલાક જહાજો પહેરો કરવા ફરતા રહે છે. એન્ટી પાઇરસી એટલે કે ચાંચિયાઓ વિરુદ્ધ કામગીરી માટે એડનની નજીકથી મેડે મેસેજ મળ્યો એટલે ભારતીય નૌકા દળના વિમાનો તરત ઉડ્યા હતા. એમવી રુએન નામનું જહાજ ચાંચિયાઓએ કબજે કર્યું તેનો મેડે મેસેજ એટલે કે મદદ માટેની પુકાર પહોંચી તે સાથે જ ભારતીય નૌકા દળ સક્રિય થયું હતું.
14 ડિસેમ્બરે UKMTO નામના પોર્ટલ પર આ જહાજનો મદદ માટેનો મેસેજ મળ્યો તે પછી ભારતીય નૌકા દળે નેવલ મેરિટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટને રવાના કર્યા હતા. આ જહાજ પર 18 ખલાસીઓ હતા અને છ જેટલા ચાંચિયા તેના પર ચડી ગયા હતા.
થોડી જ વારમાં જહાજ કઈ જગ્યાએ છે તે શોધી કઢાયું હતું અને તેની ઉપર ભારતના વિમાનો ઝળુંબતા રહ્યા હતા. ચાંચિયાઓ જહાજને સોમલિયાના દરિયાકિનાર તરફ લઈ જઈ રહ્યા છે. હકીકતમાં એમવી રુએન જહાજ સોમાલિયા તરફ જ થઈ રહ્યું હતું, પણ ગુરુવારે સોમાલી ચાંચિયાઓ તેના પર ચડી ગયા હતા. ક્રૂ તરફથી મેડે મેસેજ મોકલી દેવાયો, પણ તે પછી જહાજ સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.
ઈઝરાયલ હમાસ યુદ્ધ પછી એક જહાજનું અપહરણ થયેલું ત્યારે તે હૂતી બળવાખોરોએ કર્યું હતું તેવું જાણવા મળ્યું હતું. હમાસના સમર્થનમાં ઈઝરાયલને દબાણ લાવવા માટે કેટલાક જૂથો સક્રિય થયા છે. તેનો ઉદ્દેશ રાજકીય પ્રકારનો છે, જ્યારે સોમાલિયાના ચાંચિયાઓ લૂંટફાટ કરવા માટે ગલ્ફમાંથી પસાર થતા જહાજોને કબજે કરી લે છે. સશસ્ત્ર ચાંચિયાઓ નાની પણ ઝડપી બોટમાં જહાજોની નજીક સરકી જાય અને કેટલાક લોકો જહાજ પર ચડી જાય. ગન બતાવીને ક્રૂને મજબૂર કરવામાં આવે છે કે જહાજને સોમાલિયાના કોઈ બંદર પર લઈ જવામાં આવે. ઘણી વાર મધદરિયે જ જહાજને રાખવામાં આવે છે અને ખંડણીની રકમ મળી જાય ત્યારે છોડી દેવાય છે.
વચ્ચે ભારત ઉપરાંત અન્ય દેશોએ પણ સોમાલિયાના ચાંચિયાઓ સામે ઓપરેશન શરૂ કર્યું હતું. સોમાલિયાથી એડન વચ્ચેના દરિયામાં બોટમાં ફરતા સોમાલી ચાંચિયાને ભગાડી મૂકવામાં આવતા હતા. 2019 પછી સોમાલી ચાંચિયા થોડા કાબૂમાં આવ્યા હોય તેવું પણ લાગતું હતું. પરંતુ ફરી તેમણે એક જહાજ કબજે કર્યું ત્યારે સૌથી પહેલી મદદે ભારતીય નૌકા દળ દોડ્યું તે પણ તેના વાવટા કેટલા ઊંચા ફરકે છે તેનો એક નમૂનો છે.
યુકે તથા અન્ય દેશોના મરીન વિભાગો દ્વારા જહાજોને ચેતવણી આપવામાં આવતી હોય છે કે સુએઝ કેનાલ પસાર કરીને અરબી સમુદ્રમાં પ્રવેશે અને ત્યાંથી હિન્દ મહાસાગર તરફ આગળ વધવાનું હોય છે ત્યારે સાવધાની રાખવી. સુએઝ પસાર કરીને યમન અને સોમાલિયાની વચ્ચેથી પસાર થવાનું થાય ત્યારે જોખમી તબક્કો હોય છે. સોમાલિયના બંદરથી આ દરિયામાં ઝડપથી પહોંચી શકાય છે. સુએઝ કેનાલમાં જતી વખતે પણ આ ભાગમાંથી પસાર થતી વખતે સોમાલિયા તરફથી આવતી ચાંચિયાની બોટ સામે કાળજી લેવી જરૂરી હોય છે.
ભારતીય નૌકા દળની કામગીરી અત્યારે એટલા માટે પણ અગત્યની છે કે આ દરિયાઇ માર્ગ હમણા વધારે જોખમી બન્યો છે. ઈઝરાયલ હમાસ યુદ્ધ પછી સોમાલી ચાંચિયા ઉપરાંત હૂતી બળવાખોરો વધારે સક્રિય થઈ રહ્યા છે. યમનના બંદરોથી હૂતી બળવાખોરો લાલ સમુદ્ર તરફ જતા દરિયાઇ માર્ગ પર ઝડપથી પહોંચી શકે છે. સોમાલી ચાંચિયા ગોળીબારી કે તોપમારો કરવાના બદલે જહાજ પર ચડીને તેનું અપહરણ કરવા માગતા હોય છે. જહાજના ડેક પર ગમે તેમ કરીને ચડી જવાય તો બંદૂકો દેખાડીને તેને કબજે કરી શકાય. તે પછી ક્રૂની સલામતી માટે ખંડણી વસૂલ કરવામાં આવતી હોય છે. હૂતી બળવાખોરો વધારે જોખમી એટલે થયા છે કે તે અપહરણ કરવાના બદલે જહાજો પર સીધા હુમલા પણ કરી શકે છે. જહાજ પર તોપમારો કરે કે નુકસાન પહોંચાડે તો જહાજના ડૂબી જવાનો પણ ખતરો નકારી શકાય નહીં.
તેના કારણે ઘણી મોટી ક્રૂઝ લાઇનો તથા શિપિંગ કંપનીઓએ આ વિસ્તારને વધારે જોખમી ગણીને સાવધાની રાખવાનું શરૂ કર્યું છે. આવા સંજોગોમાં ભારતીય નૌકા દળે કરેલી કામગીરી ધ્યાનાકર્ષક બની શકશે. એમવી રુએને સોમાલી ચાંચિયાઓ પાસેથી છોડાવી શકાશે કે કેમ તે જોવાનું રહે છે, કેમ કે હજી ઓપરેશન ચાલુ છે. જહાજને શોધી કઢાયું છે અને તેની ઉપર ભારતીય વિમાનોએ ચક્કર માર્યા છે, જેથી ચાંચિયાઓને ડરાવી શકાય. જોકે ઘણી વાર સોમાલી દરિયાઇ સરહદમાં ચાંચિયા પહોંચી જાય પછી અલગ રીતે કામગીરી કરવાની થાય છે. સોમાલિયા પર દબાણ કરીને કામગીરી કરવી પડે છે, પણ તે એટલી અસરકારક સાબિત નથી થતી તેવું જોવા મળ્યું છે. આ સંજોગોમાં ભારતીય નૌકા દળ કોઈક રીતે જહાજને જો બચાવી શકશે તો તે એક અગત્યની ઘટના હશે. ચાંચિયાઓને મધદરિયે જ મહાત કરી દેવાય તો ખરા અર્થમાં ભારતીય નૌકા દળનો વાવટો મહાસાગરમાં બહુ ઊંચે ફરકતો દેખાશે.