મા અન્નપૂર્ણાનું ઔદાર્ય ત્રણેય લોકમાં અનેરું, અનોખું અને અજોડ છે. વિશ્વનું ભરણપોષણ કરનાર, અન્ન-આહાર આપનારાં દેવી એટલે અન્નપૂર્ણા. તેઓ વિશ્વના સર્વ પ્રાણીમાત્રનું ભરણપોષણ કરનારી ભુવનેશ્વરી શક્તિ છે. દુનિયાને અન્ન-જળ આપી જિવાડનાર દેવી અન્નપૂર્ણા છે.
પાર્વતીજી એ જ ઉમા, શિવા, શક્તિ, ભવાની, ભુવનેશ્વરી તથા અન્નપૂર્ણા કહેવાય છે. એ જ કીડીને કણ અને હાથીને મણ આપનારી દેવી છે.
દેવી અન્નપૂર્ણાની આરાધના કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ આવે છે. સદાશિવ ભિક્ષા માંગી જીવન વ્યતીત કરી રહ્યા હતા. તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને ઉમાદેવી અન્નપૂર્ણા બન્યાં તે સમયથી શિવજીએ ભિક્ષા માગવાનું બંધ કરી દીધું. જો કોઈ ભાવિક નર-નારી અન્નપૂર્ણા દેવીની આરાધના-ઉપાસના કરે છે, સ્તવન કરે છે, તેમનું વ્રત કરે છે, સ્તોત્ર ગાન કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
અન્નપૂર્ણાની વ્રતકથા
અન્નપૂર્ણા માતાનો મહિમા અપરંપાર છે. કાશી નગરીમાં ધનંજય નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ સુલક્ષણા હતું. આ વિપ્ર દંપતી ગરીબ હતું છતાં સંતોષી હતું. બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરીને આજીવિકા ચલાવતો હતો. પતિ-પત્નીને અડધા ભૂખ્યા જ રહેવું પડતું. આ દરિદ્ર દંપતીએ અડધી જિંદગી દુ:ખમાં વ્યતીત કરી નાખી. સુલક્ષણામાં નામ પ્રમાણે જ ગુણ હતા. ધનંજયને મન સંતોષ એ જ સાચું ધન હતું. `સંતોષી નર સદા સુખી’ એ સૂત્ર આ દંપતીએ હૃદયકમળમાં કોતરી રાખ્યું હતું.
એક દિવસ સુલક્ષણાએ કહ્યું, `નાથ! મને લાગે છે કે દેવીની કૃપા વગર આપણું દરિદ્ર ટળશે નહીં, માટે તમે કોઈ પ્રકાંડ પંડિતની સલાહ લઈ જુઓ.’
એક દિવસ માર્ગમાં વિપ્રને એક સંન્યાસીનો ભેટો થઈ ગયો. બ્રાહ્મણે પોતાનું દુ:ખ કહી સંભળાવ્યું, ત્યારે સંન્યાસીએ તેને કહ્યું, `બ્રાહ્મણ દેવતા, તમારે અન્નપૂર્ણા દેવીનું વ્રત કરવું જોઈએ. જો તારી ભક્તિ સાચી હશે તો તને જરૂર રિદ્ધિ રિદ્ધિ પ્રાપ્ત થશે. અન્નપૂર્ણા એ આદ્યશક્તિનો અવતાર છે.’
માતા અન્નપૂર્ણાનું વ્રત માગશર સુદ છઠના દિવસથી શરૂ કરાય છે અને 21મા દિવસે આ વ્રતની પૂર્ણાહુતિ કરાય છે. આ વ્રત કરનાર પુરુષ કે સ્ત્રી રિદ્ધિ રિદ્ધિને પામી, મા જગદંબાના લોકની પ્રાપ્તિ કરે છે.
વ્રતની વિધિ
વ્રતધારીએ સૂતરના 21 તારનો દોરો લઈ તેને 21 ગાંઠવાળો બનાવી પોતાના જમણા હાથે બાંધવો અથવા ગળામાં ધારણ કરવો. દોરો ગાંઠો વાળીને તૈયાર કરતી વખતે `શ્રી અન્નપૂર્ણાય નમ:’ એમ સતત બોલતા રહેવું.
વ્રતીએ વ્રતના દિવસો દરમિયાન પ્રાત:કાળે સ્નાન કરવું અને શક્ય હોય તો 21 ઉપવાસ અથવા એકટાણાં કરવાં. ભોજનમાં લસણ, ડુંગળી વગેરે વર્જ્ય ગણવાં. મા અન્નપૂર્ણાની પ્રતિમા કે મૂર્તિ સામે દીવો, અગરબત્તી, ધૂપ વગેરે કરી તેમની પૂજા કરવી. પૂજા કર્યા પછી મા અન્નપૂર્ણાની વ્રતકથા ધ્યાનપૂર્વક સાંભળવી અથવા વાંચવી. 21 સેરનો, 21 ગાંઠવાળો દોરો જમણા હાથના કાંડે કે ગળામાં ધારણ કર્યા પહેલાં કેસરી ચંદન અથવા કંકુથી રંગીને માની મૂર્તિએ સ્પર્શ કરાવવો.
આ વ્રત 21 દિવસ અખંડ કરવું. મંત્ર આ પ્રમાણે છે. `ઓમ સત્ ચિત્ આનંદમયી ભગવતી અન્નપૂર્ણાયૈ નમ:’
વ્રત પરિપૂર્ણ થયા પછી 21 તારનો દોરો જળમાં પધરાવી દેવો અથવા વર્ષપર્યંત પૂજાના સ્થાનમાં સાચવી રાખવો અને બીજા વર્ષે જ્યારે નવો દોરો ધારણ કરો ત્યારે તે પવિત્ર જળમાં પધરાવી દેવો. સાથોસાથ ચોખા-ઘઉં વગેરેનું સ્થાપન, નાળિયેર, કપડું વગેરે પણ જળમાં પધરાવી દેવાં.
મા અન્નપૂર્ણાની સ્તુતિ
`વંદું દેવી અન્નપૂર્ણા જગત જનની મા કૃપાળી, લાવો ભક્ત પરે દયા ભગવતી દ્યોને દુ:ખ ટાળી, ઈચ્છા પૂર્ણ કરો, ધરો કર શિરે, મા હે દયાળી, સાથે તુજને ભાવ ધરી જે તેની કરો રખવાળી.’
અન્નપૂર્ણા માતાજી `ચિંતાપૂર્ણિમા’ તરીકે પણ ઓળખાય છે. પાર્વતી જગદંબા એ અન્નપૂર્ણા જ છે. પ્રાચીન સમયથી ભારતમાં શક્તિપૂજા ખૂબ વ્યાપક બની છે. શક્તિપૂજા સર્વ જાતિઓમાં અને સંપ્રદાયોમાં ફેલાઈ ગઈ છે. મહાશક્તિ સૌની જનની અથવા જગદંબા છે, જે ઘણાં સ્થાનોમાં અન્નપૂર્ણા માતાજી તરીકે પૂજ્ય છે.
આ પરમ શક્તિ પરમેશ્વરી અન્નપૂર્ણાનું એક અનેરું અને અનોખું વ્રત એકવીસ દિવસ કરવાનું હોય છે. અન્નપૂર્ણાની વાર્તાનું વાંચન કે શ્રવણ કરવું. વ્રત દરમિયાન સાચું બોલવું અને શાંતચિત્તે શ્રદ્ધાપૂર્વક શિવાલયમાં જઈ અન્નપૂર્ણા દેવીનાં ગુણગાન ગાવાં.
`અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકરે પ્રાણવલ્લભે’ આ પંક્તિ કંઠસ્થ અને હૃદયસ્થ કરી દરરોજ ભોજન પહેલાં કે પછી સવાર-સાંજ બોલવી, જેથી અન્નપૂર્ણા દેવી અન્નના ભંડાર ભર્યા રાખે.