જ્ઞાતિ મંડળો,સેવા મંડળો, સોસાયટીઓ,સ્કુલ્સ,કલા અભિવ્યકિતના ક્ષેત્ર પણ વર્જીન નથી રહયા
ટાઢા પહોરે તમે ટહેલવાં નિકળ્યા હો તો, પણ તમારી પ્રાઇવસીની આપણે ત્યાં કોઇ રિસ્પેકટ નથી
વાત લગ-ભગ બે દાયકા પહેલાંની છે. જાગરણની રાત્રીના એવરેજ રાજકોટવાસીની માફક હું અને મારા પત્ની રેસકોર્ષની પાળીએ બેઠા હતાં. મોડી રાત્રીના સારો એવો ટ્રાફિક હતો. અચાનક પોલીસ આવી અને જુવાનિયાઓને ઘરે ધકેલવા માંડી. પોલીસ અમારા સુધી પહોંચી ત્યારે તે જુવાનિયાઓને ઝુંડને જોઇને આદેશાત્મક સૂરે ઘરે ધકેલવાનું કામ ચાલુ હતું. અમારા સુધી પોલીસ આવી ત્યારે તેમની સૂચના જનરલ હોય તેમ સમજી અમે ઉભા થઇ ગયા. એક પોલીસમેનના ધ્યાનમાં આવ્યુ. તેમણે અમારી સામે જોઇને મને કહયુ સાહેબ તમે બેસો. પછી અમારા જેવા અન્ય કપલ હતાં તેમણે આજ સૂચના આપી .તેમના અવાજમાં વિવેક હતો. યુવાન હોવા છતાં આ પોલીસમેન ઉપર માન ઉપજયુ. થોડી વારે એ સમજાઇ ગયુ કે ઉપદ્રવ મચાવે એવા જુવાનિયાઓને અલગ થલગ કરવા આ પોલીસ પ્રયાસ કરી રહી છે. કપલ બેસે તેમાં તેમને કોઇ વાંધો નથી. મને સૌથી વધુ એ વાત સ્પર્શી કે તેમણે અમારી લાઇનમા પાળી ઉપર બેઠેલા તમામ કપલ સાથે આ જ રીતે નમ્રતાથી વાત કરી. જાણે કે એની ખાખી વર્દી કહી રહી હતી કે અમે છીએ ને. તમે નિરાંતે બેસો. આ શહેર તમારુ છે. આ પાળી તમારા ટાઇમ પાસ માટે છે. અમારુ કામ તમારી સલામતી અને શાંતિનું છે.
કટ ટુ : થોડા સમય પહેલાંની ઘટના છે.શહેરના રેસકોર્ષ ચોક પાસે મારા સહિત તમામ લોકોનો ટ્રાફિક થોડો સમય માટે પોલીસે અટકાવી દીધો હતો. કોઇ વી.આઇ.પી. કોન્વોય પસાર થવાની હતી. મારી બાજુએ એક બુઝર્ગ વયના કાકા ટુ વ્હીલર ઉપર ઉભા હતાં. અચાનક ટ્રાફિક વોર્ડનને શું થયુ કે કાકાને પાછળ જવાનો આદેશ કર્યો. કાકા અગ્ર હરોળમાં હતાં.તેમની પાછળ વાહનો હતાં. સ્વાભાવિક જગ્યા નહોતી. લોકો સમજી ગયા. કાકાને પાછળ આવવા માટે થોડા થોડા વાહનો આગળ પાછળ કરવાની કોશિષ કરી. એ સમય દરમિયાન કાકાના ચહેરા ઉપર જે દબાણ આવ્યુ એ જોઇ શકાય તેવું હતું. વી.આઇ.પી.ઓ.ની સેવાઓમાં કદાચ આપણે સામાન્ય પ્રજાને હવે સેકન્ડ કલાસ સિટિઝન તરીકે ટ્રીટ કરવા માંડયા છીએ. પોલીસ હોય કે સરકારી અધિકારી તેમનો આ જન્મસિધ્ધ અધિકાર હોય એવું તેમની બોડીલેંગ્વેજ ઉપરથી લાગે. લોકોને પણ આ કોઠે પડી ગયુ છે. તેઓસાચા હોય તો પણ તેમની તીતુડી કોઇ સાંભળતું નથી.આવો સરેરાશ અનુભવ ઘણા લોકોને થાય છે.નેતાઓ અને અધિકારીઓએ પણ તેઓ ફરજ ઉપર ન હોય અથવા ખાસ કોઇ તાકિદ ન હોય તો આવા તાયફાઓ બંધ કરવા જોઇએ. સામાન્ય પ્રજામાં તેમના પ્રત્યે અણગમો જન્મે છે.
કટ ત્રીજો પ્રસંગ : હું મારા એક મિત્રને ત્યાં તેમના પારિવારિક પ્રસંગ પહેલાં વોર્મ અપમાં ગયો હતો. અમે બેઠા હતાં ત્યારે જ વાતચીત નિકળી. કે સોસાયટીમાં બે દિવસ પછી જમણવાર રાખ્યો છે. વાત આગળ ચાલી તો ખબર પડી કે એક નેતાની સભા પૂર્વે સોસાયટીમાંથી લોકોને લઇ જવાના છે. સોસાયટીમાં લોકો પણ બે ભાગે વહેંચાઇ ગયા હતાં. બહુમતી જમણવારમાં ફ્રિમાં જમવા માટે જવા ખુશ ખુશાલ હતાં. બીજો વર્ગ રાજકિય નેતાઓના હાથા તેમના હોદેદારો બને એમાં રાજી નહોતા. જો કે, તેમની સંખ્યા ખાસ વધુ નહોતી. આવુ જ પહેલાં ઓટલાં પરિષદમાં હતુ. રાજકોટમાં ફુટપાથો ઉપર અને દુકાનોના ઓટલે રાત્રે દુકાનો બંધ થાય ત્યારે મિત્રો ગામ ગપાટા કરવા ભેગા થતાં. તેમાં રાજકારણ નહોતુ. પેલેસ રોડ,દિવાનપરા,કરણપરા,જાગનાથ વગેરે જુના રાજકોટના ઓટલાઓ ઉપર કરોડોપતિ વેપારી બેસતા. તેમની સાથે સામાન્ય વેપારીઓ બેસતાં.સૌ સમાનતાથી વાતો કરતાં છાપાના પડીકામાં ગાઠિયા મંગાવી ઘુમલો વળીને ગાઠિયા પાર્ટી કરતાં. મોટા ભાગના લોકો માટે તો રાતના ટાઇમપાસનું આ એક વ્યસન થઇ ગયુ હતું. આ જગ્યાઓનો એક વણલખ્યો નિયમ હતો. નો પોલિટિકસ. અહીં બધાં માત્ર વાતચીત કરવા અને દિવસ ભરનો થાક હળવો કરવા ભેગા થતાં. આ માટે તેઓ રહેઠાણ ન બદલાવતાં. નવી સોસાયટીઓની નવી નવી ઇમારતો તેમને પરવડે તેમ હતું છતાં આવી કંપની નવા ફલેટોમાં નહિ મળે એ મર્યાદાને કારણે જુના વિસ્તારોમાં ટકી જતાં. એટલું જ નહિ એક મેકની કયારેક નબળી સ્થીતિ આવે તો પણ આ રોજીંદા ધરોબાને કારણે લોકોને ઓળખી એક મેકને વેપરાધંધામાં કે કોઇ સમશ્યામાં પણ મદદરૂપ થતાં.આજે સોસાયટીઓના પાર્કીંગની બેઠકોમાં તમે કયારેક જતાં હો તો તમે જોઇ શકો કે અહીં તો રાજકિય પક્ષ જેવી જુથબંધી છે. લોકો પોતાના નિવાસની સોસાયટિઓને અને આજીવન જે પડોશીઓ સાથે રહેવાના છે તેમને પણ મિત્રમાંથી દુશ્મન બનાવવાનો હુન્નર કરી રહયા છે. આપણા રોજીંદા જીવનને આપણે સરળ,સાલસ,લોક ઉપયોગી,કલાત્મક,એખલાસ ભર્યુ રાખવાને બદલે હાથે કરીને જટીલ બનાવીએ છીએ.
લોકોના રોજીંદા જીવનમાં આજ જેટલું રાજકારણ હાવી નહોતું થયુ. આજે સોસાયટીઓ મારફત લોકોના પ્રસંગો હળવા મળવાનું અને સોસાયટીનો વહિવટ કોણ કરશે એ પણ રાજકારણ મારફત નકકી થવા માંડયુ છે. તમે વ્યકિત મટીને વ્યવસ્થાનો ભાગ બનાવ માંડયા છો.જો કે એ વ્યકિત સમુહ કે સમાજ ઉપર નકકી છે કે તમારી આસપાસ કેવી વ્યવસ્થા અને કેવો પ્રભાવ(ઇન્ફલુઅન્સ )તમારા રોજીંદા જીવન ઉપર પાડવો જોઇએ. વિદેશના લોકો વખાણ કરે છે. તેની પહેલી બાબત એ છે કે ત્યાં વ્યકિત ઉપર વ્યકિત કે વિચાર કે જીવન શૈલીનું અતિક્રમણ નથી. સોશિયલ મિડિયાના અતિરેક બાદ તો હવે લોકોએ શું કરવુ જોઇએ, શા માટે કરવુ જોઇએ, કરવુ જ જોઇએ નહિ કરે તો હિન્દુ નહિ કે મુસ્લીમ નહિ એટલી ધમકીની ભાષામાં ગંદકી વહેતી થઇ ગઇ છે. આવ સંજોગોમાં માણસે પોતાની આંતરિક સ્વતંત્રાને પોતે જ રિસ્પેકટ કરવી પડશે. પોતાની આસપાસનું પસંદગીનું વાતાવરણ અને રાજકારણ રહિત પારદર્શક જીવન અથવા મિનિમમ ઇન્ટર્વેશનની વ્યવસ્થા માટે પણ લડત આપવી પડશે. આ બધું સુક્ષ્મ છે. પરંતુ જેટલી તમે તેમને જગ્યા આપશો એટલું તેમનું અતિક્રમણ વધશે.