સામાન્ય કામગીરીનો પ્રારંભ, વહિવટી પ્રક્રિયાઓ ૪ જૂન બાદ થશે
રાજયમાં તા.૭મીએ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. આચારસંહિતાના પગલે સચિવાલયમાં છેલ્લા બે મહિનાથી સુમસામ જેવું લાગી રહ્યું હતું. પરંતુ આ સપ્તાહના ઉઘડતાં દિવસે જ ફરીથી સચિવાલયમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ અને મંત્રીઓ પણ પોતાની ચેમ્બરમાં હાજરી આપવા લાગ્યા છે. પરંતુ હાલ સામાન્ય કામગીરી થઇ રહી છે. વહિવટી પ્રક્રિયાઓ ચૂંટણીના પરિણામ બાદ જ કરવામાં આવશે.
સચિવાલયના વિભાગોમાં રજા પર ગયેલા અધિકારી-કર્મચારીઓ ધીમે-ધીમે ફરજ પર પાછા ફરી રહ્યા છે. ભારતના ચૂંટણી પંચે ૧૬મી માર્ચે રાજયમાં આચારસંહિતા લાગુ કરી હતી જેને આજે સોમવારે ૫૭ દિવસ થયા છે. પંચના આદેશ પ્રમાણે આચારસંહિતાનું પાલન હજી છઠ્ઠી જુન સુધી કરવાનું થાય છે. પરંતુ ૪થી જૂને મતગણતરી અને પરિણામ આવવાનું હોવાથી પમી જૂનથી સરકારને રાહત આપવામાં આવશે. એટલે કે આચારસંહિતા ભંગની કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહી.
લોકસભાની ચૂંટણીના કારણે આચારસંહિતા લાગુ થતાં અને સ્કુલ-કોલેજોમાં વેકેશનનો માહોલ હોવાથી ચૂંટણી પ્રક્રિયા સાથે નહીં સંકળાયેલા મોટા ભાગના કર્મચારીઓ રજા લઇને ટૂંકા અને લાંબા અંતરના પ્રવાસ પર નિકળી ગયા હતા. જે આજથી પાછા ફર્યા છે. સપ્તાહના પ્રથમ દિવસે સચિવાલયના વિભાગો અને સ્વર્ણિમ સંકુલમાં મુલાકાતીઓની આવન-જાવન શરૂ થઇ ચુકી છે.