- ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માર્કસ સ્ટોઈનિસ ફિટનેસને લઈને સતર્ક
- ટીમના કિચનમાં તેમના માટે ખાસ ફૂડ તૈયાર કરવામાં આવે છે
- વર્લ્ડ કપ દરમિયાન પોતાના અંગત રસોઇયા સાથે કરે છે પ્રવાસ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માર્કસ સ્ટોઈનિસ વર્લ્ડ કપ દરમિયાન પોતાના અંગત રસોઇયા સાથે પ્રવાસ કરી રહ્યો છે જેથી તે ‘લો કાર્બ ડાયેટ’ ફૂડ ખાઈ શકે. આ સિવાય ઓસ્ટ્રેલિયન ટીમના કિચનમાં તેમના માટે ખાસ ફૂડ તૈયાર કરવામાં આવે છે.
સ્ટોઇનિ માટે બને છે ખાસ જમવાનું
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ, જેઓ પોતાના આહાર પ્રત્યે ખૂબ જ જાગૃત છે, તે વર્લ્ડ કપ દરમિયાન પોતાના અંગત રસોયા સાથે ભારતભરમાં પ્રવાસ કરી રહ્યા છે. જેથી તેમને ‘લો કાર્બ ડાયટ’ (ઓછું કાર્બોહાઇડ્રેટ ખોરાક) મળી શકે. 34 વર્ષીય સ્ટોઇનિસ, કેટોજેનિક (ઉચ્ચ ચરબી, ઓછી કાર્બ) આહાર પર છે જેમાં પ્રોટીન સાથે બેકડ ઓટ્સનો સમાવેશ થાય છે. એક અહેવાલ મુજબ, મુંબઈમાં જન્મેલા કોચ વેલ્ટન સલદાના, જેઓ ફ્રેન્ચ ફૂડ બનાવામાં નિષ્ણાત છે, વર્લ્ડ કપમાં સ્ટોઈનિસ સાથે પ્રવાસ કરી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયન ટીમના રસોડામાં તેમના માટે ખાસ જમવાનું તૈયાર કરે છે.
માર્કસ સ્ટોઈનિસે કહ્યું, ‘ઘણા ભારતીય ખેલાડીઓ આવું કરે છે અને મને ત્યાંથી જ આઈડિયા આવ્યો. હું મારા આહારને લઈને ખૂબ જ શિસ્તબદ્ધ છું.’ જો કે ઓસ્ટ્રેલિયન ટીમ પાસે પોતાનો રસોઇયા પણ છે, પરંતુ સ્ટોઇનિસે પોતાનો અંગત રસોઇયા રાખ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘તે લસણના નાન ખાતા નથી. સ્ટોઈનિસને ગ્લૂટન ફ્રિ બનાના બ્રેડ અને અને શેકેલી કોબીજ તેમજ રોસ્ટેડ બટર ચિકન પણ પસંદ છે.
હાર્દિક પંડ્યા શેફ પણ રાખે છે
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલની સલાહ પર સ્ટોઇનિસ આ વર્ષે IPL દરમિયાન શિકાગો અને ન્યૂયોર્કની ઘણી મોટી રેસ્ટોરાંમાં કામ કરી ચૂકેલા સલદાનાને મળ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ પોતાની ડાયટનું ધ્યાન રાખવા માટે હંમેશા પોતાની સાથે એક શેફ રાખે છે. હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે તેની પાસે એક રસોઇયા છે જે તેની સાથે મુસાફરી કરે છે અને તે શું ખાય છે તેનું ધ્યાન રાખે છે, કેલરી વગેરેનું ધ્યાન રાખે છે.
વર્લ્ડ કપમાં સ્ટોઇનિસનું પ્રદર્શન
માર્કસ સ્ટોઈનિસ વર્તમાન વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધી માત્ર ત્રણ મેચ રમ્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં તક મળતાં તે અનફિટ થઈ ગયો હતો. આ પછી તેણે શ્રીલંકા અને પાકિસ્તાન સામે મેચ રમી જેમાં તેણે અનુક્રમે 20 અને 21 રન બનાવ્યા. આ દરમિયાન તેણે બે વિકેટ પણ લીધી છે.