ત્રિદેવોએ દત્તાત્રેય સ્વરૂપે ઋષિ અત્રિ અને સતી અનસૂયાને ત્યાં માગશર સુદ પૂનમના દિવસે જન્મ લીધો હતો. તેમના જન્મ પાછળ અનેક કથાઓ પ્રચલિત છે. દત્તાત્રેયે એક નહીં, પણ ચોવીસ ગુરુઓ કર્યા હતા. તેમણે શ્રીગણેશથી લઈને પરશુરામ સુધી અનેક લોકોને યોગ તથા અધ્યાત્મની શિક્ષા આપી હતી. તેમની સાથે જ્યોતિષશાસ્ત્રનું દત્ત તંત્ર, દત્તાત્રેય ઉપનિષદ વગેરે જોડાયેલાં છે.
બ્રહ્માંડ પુરાણમાં ર્વિણત કથા અનુસાર સતયુગમાં ગુરુ ઉપદેશ પરંપરા ક્ષીણ થતા તથા શ્રુતિઓના લુપ્તપ્રાય થવાને કારણે તથા વૈદિક ધર્મની પુનઃસ્થપનાના હેતુથી ભગવાન શ્રીવિષ્ણુએ દત્તાત્રેય સ્વરૂપે માગશર સુદ પૂનમના દિવસે સતી અનસૂયાને ત્યાં જન્મ લીધો.
એક સૌથી વધારે પ્રચલિત કથા અનુસાર નારદજીના મુખે મહાસતી અનસૂયાના સતીત્વની પ્રશંસા સાંભળીને ઉમા, રમા અને સરસ્વતીજીને ઈર્ષ્યા થઈ અને તેમણે પોતપોતાના પતિઓને અનસૂયાના પતિવ્રત અને સતીત્વની પરીક્ષા કરવા માટે મહર્ષિ અત્રિના આશ્રમમાં મોકલ્યા. ત્રણે સાધુઓએ ભિક્ષા માંગી અને એક શરત મૂકી કે તો તેઓ સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપે તો જ તેઓ ભિક્ષા સ્વીકારશે. તેથી સતી શિરોમણી અનસૂયાએ પોતાના સતીત્વની અમોઘ શક્તિના પ્રભાવથી સાધુ વેશધારી ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ)ને નવજાત બાળક બનાવીને વાત્સલ્યભાવે સ્તનપાન કરાવ્યું. ત્રણે દેવીઓ પોતાના પતિ પરત ન ફરતાં તેમને શોધવા માટે મહર્ષિ અત્રિના આશ્રમે પહોંચ્યાં. ત્રણે દેવીઓની ક્ષમાયાચના તથા પ્રાર્થના સાંભળીને બાળક બનેલા ત્રિદેવોને ફરીથી પોતાનું અસલી સ્વરૂપ પ્રદાન કર્યું. આ ત્રણે દેવોએ અત્રિ-અનસૂયાને ત્યાં પુત્ર સ્વરૂપે પેદા થવાનું વરદાન આપ્યું. બ્રહ્માજીના અંશમાંથી રજોગુણ પ્રધાન સોમ, વિષ્ણુના અંશમાંથી સત્ત્વગુણ પ્રધાન દત્ત અને ભગવાન શંકરના અંશમાંથી તમોગુણ પ્રધાન દુર્વાસાના રૂપમાં માતા અનસૂયાના પુત્ર બનીને અવતાર ધારણ કર્યો. વિષ્ણુ દ્વારા અહં તુભ્યં મયા દત્ત કહીને અવતાર ધારણ કરવાને કારણે તથા અત્રિ મુનીના પુત્ર હોવાને કારણે આત્રેય અને દત્તના સંયોગથી દત્તાત્રેય નામકરણ થયું.
મરાઠી ધર્મગ્રંથ શ્રી ગુરુચરિત્રમાં વૃતાંત છે કે યજ્ઞોપવીત સંસ્કાર બાદ સોમ અને દુર્વાસાએ પોતાનું સ્વરૂપ તથા તે જ દત્તાત્રેયને પ્રદાન કરીને તપસ્યા કરવા માટે વનમાં પ્રસ્થાન કર્યું. તેથી ત્રિગુણાત્મક ત્રિમૂર્તિ અને ત્રિશક્તિ સંપન્ન ત્રિદેવના એકીકૃત સ્વરૂપ બન્યા દત્તાત્રેય.
દત્તાત્રેય યોગમાર્ગના પ્રવર્તક, અવધૂત વિદ્યાના આદ્ય આચાર્ય તથા શ્રી વિદ્યાના પરમ આચાર્ય છે. તેમનો બીજમંત્ર દ્રાં છે. સિદ્ધાવસ્થામાં દેશ તથા કાળનું બંધન તેમની ગતિમાં બાધક બનતું નથી. તેઓ દરરોજ પ્રાતઃકાળથી લઈને રાત્રિ સુધીમાં વિચરણ કરતા દરરોજ પ્રાતઃકાળે કાશીમાં સ્નાન, કોલ્હાપુરમાં નિત્ય જપ, માહુરીપુરમાં ભિક્ષા ગ્રહણ અને સહ્યાદ્રિની કંદરાઓમાં દિગંબર વેશમાં વિશ્રામ કરે છે. તેમણે શ્રીગણેશ, કાર્તિકેય, યદુ, સાંકૃતિ, અલર્ક, પુરુરવા, આયુ, પરશુરામ તથા કાર્તવીર્યને યોગ તથા અધ્યાત્મની શિક્ષા આપી હતી.
કર્ણાટકમાં કુરુગડ્ડી તથા મહારાષ્ટ્રમાં ઔદુમ્બર ક્ષેત્ર, નરસિંહવાડી, ગાણગાપુરમ, માહૂરગઢ સુપ્રસિદ્ધ દત્તતીર્થ છે. ગુજરાતસ્થિત ગિરનાર તેની સિદ્ધપીઠ છે.
દત્તાત્રેયનું સ્વરૂપ
દત્તાત્રેય ત્રિમુખ, ષડ્ભુજ, ભસ્મભૂષિત અંગવાળા, ત્રણ મસ્તક પર જટા તથા ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરે છે. ત્રિમૂર્તિ સ્વરૂપમાં તેમના નીચેના મધ્ય તથા ઉપરના બંને હાથ ક્રમશઃ બ્રહ્મા, મહેશ તથા વિષ્ણુના છે. મહાકાવ્ય અહં બ્રહ્માસ્મિના પ્રતીક નીચેના જમણા હાથમાં અક્ષરમાળા (જપમાળા) તથા પ્રજ્ઞાનં બ્રહ્મના પ્રતીક નીચેના ડાબા હાથમાં કમંડળ છે. તત્ત્વમસિના પ્રતીક મધ્ય જમણા હાથમાં ડમરું અને ડાબા હાથમાં ત્રિશૂળ છે. ૐ બ્રહ્મના પ્રતીક ઉપરના જમણા હાથમાં શંખ તથા ડાબા હાથમાં ચક્ર છે. ગાય સ્વરૂપ વેદ માતા ગાયત્રી પાસે અને ગાયત્રી સાધનાથી પ્રાપ્ત પુરુષાર્થ ચતુષ્ટય (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) ચાર શ્વાન સ્વરૂપે તેમના ચરણો પાસે વિદ્યમાન છે. છ હાથ, ષડૈશ્ચર્ય (પૂર્ણ જ્ઞાન, પૂર્ણ વૈરાગ્ય, પૂર્ણ યશ, પૂર્ણ શ્રી, પૂર્ણ ઐશ્વર્ય તથા પૂર્ણ ધર્મ)ના અને બે પગ પ્રેય અને શ્રેયના પ્રતીક છે.