- રાજસ્થાનના પોકરણગઢના રાજવી અજમલજીને આપેલું વચન નિભાવવા સંવત 1461ની અગિયારસ બેસતાં રણછોડરાયજી બાળસ્વરૂપે વિરમદેજી સાથે પારણામાં પોઢી ગયા
ભારતભરમાં રામદેવપીરના શ્રદ્ધાળુઓ દર વર્ષે ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી એટલે કે નવ દિવસ સુધી રામદેવપીરનો નવરાત્રી મહોત્સવ ઊજવે છે. રામાપીરના ધામ રામદેવરા (રણુજા)માં શ્રાવણ સુદ-15થી મેળો શરૂ થઈ જાય છે. રામાપીરે અસંખ્ય પરચાઓ આપ્યા છે, જે ચોવીસ પરિયાણ તરીકે ઓળખાય છે. ત્રણ-ચાર વર્ષથી રણુજામાં શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનથી રામાપીરનો ઉત્સવ શરૂ થાય છે. કોઈ ચાલતા, દંડવત્ કરતા, કોઈ સાયકલ પર દૂર દૂરથી રણુજા આવી, રામાપીર અને ડાલીબાઈની સમાધિનાં દર્શન કરી ભાવવિભોર બની જાય છે.
રાજસ્થાનના પોકરણગઢના રાજવી અજમલજીને આપેલ વચન નિભાવવા અને ધર્મની સ્થાપના કરવા વિરમદેના જન્મ બાદ બરાબર એક માસે વિક્રમ સંવત 1461ની ભાદરવા સુદ દશમની પરોઢે એટલે કે અગિયારસ બેસતાં ભગવાન રણછોડરાય બાળસ્વરૂપે વિરમદેજી સાથે પારણામાં પોઢી ગયા. નિશાનીરૂપે કુમકુમ પગલાં પાડ્યાં. આ જોઈ અજમલજી સમજી ગયા કે વચન પ્રમાણે પ્રભુ પધારી ચૂક્યા છે અને તેમણે બીજા બાળકનું નામ રામદેવજી રાખ્યું.
અષાઢ સુદ બીજના દિવસે રણુજામાં રામાપીરે પાટોત્સવ કર્યો અને શિવે શક્તિને નિજીયા ધર્મ અને ગૃહસ્થાધર્મ વિશે વાત કહેલી તે વાત રામાપીર ઉપસ્થિત રહેલ સર્વને જણાવે છે: `નિજ એટલે પોતાનો ધર્મ, નિજીયા ધર્મના આદ્યસ્થાપક શિવ અને શક્તિ છે. આ નિજીયા ધર્મમાં સ્ત્રી કે પુરુષના કોઈ ભેદભાવ નથી. જ્ઞાતિ-જાતિના કોઈ ભેદભાવ નથી. જે પુરુષ પરસ્ત્રીને પોતાની માતા સમાન માની મનમાં દૃઢ માતૃભાવ રાખે અને તે જ રીતે સ્ત્રી પણ પરપુરુષને સગા ભાઈ જેવો સમજે તેઓ લોકોને જ આ નિજીયા ધર્મમાં સ્થાન છે. ગૃહસ્થાશ્રમ એ માનવસેવા છે. મહાધર્મનું એ પહેલું પગથિયું છે. જેમને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો કે એવાં પતિ-પત્ની એકમતવાળાં હોય છે.’ રામપીરે થાવર (શનિવાર) બીજ એટલે કે અજવાળી બીજના દિવસને મહત્ત્વ આપેલ છે.
અજવાળી બીજ એટલે કે સુદ બીજના દિવસે પાટ હોય ત્યાં રામાપીર હાજર રહે છે, એટલે તેમને `બાર બીજના ધણી’ પણ કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે, તમામ જીવ, ઝાડ-પાન-વનસ્પતિ, પશુ,પંખી વગેરેની ઉત્પત્તિ બીજ દ્વારા થઈ છે. જ્યારે રામદેવપીરે માતાના ઉદરે જન્મ ધારણ કર્યો નહોતો. તેઓ સ્વયં પ્રગટ થયા હતા. તેથી રામદેવપીર બીજ બહાર પણ કહેવાય છે.
ચોપન વર્ષની ઉંમરે રામદેવપીરે વિ.સં. 1515ની સાલ, ભાદરવા સુદ-11ને ગુરુવારના દિવસે રણુજા (રામદેવરા)માં સમાધિ લીધી. સમાધિ લીધી એના બે દિવસ પહેલાં એટલે કે ભાદરવા સુદ-9ના રોજ રામદેવપીરની પરમ ભક્ત ડાલીભાઈએ પણ સમાધિ લીધી. રામદેવપીરે સમાધિ લીધા પછી રાણી નેતલદેવને બે જોડિયા પુત્ર અવતર્યા. એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાદુજી રાખવામાં આવ્યું. રામદેવપીરે સમાધિ લીધા પછી લગભગ બસો પચીસ (225) વર્ષ બાદ હરજી ભાટીને પરચો આપ્યો હતો.
શિવ-પાર્વતીએ આદિપંથને નિજીયા ધર્મનું નામ આપેલું છે. આ આદેશનો પ્રચાર કરવા દરેક માસની અજવાળી (સુદ) બીજ, ત્રીજ, પાંચમ, અગિયારસ, તેરસ અને પૂનમના દિવસે પાટ-મંડપનો ઉત્સવ કરવાનો ગાદીપતિ-ધર્મધિકારીઓએ નિર્ણય કરેલો છે. સાધુ-સંતો, જતિ-સતી, સિદ્ધ, યોગી, ભક્તો વગેરે પાટોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આખી રાત ભજનાનંદી બની જાગરણ કરે છે, જેને જમા જાગરણ પણ કહેવાય છે. તેમાં ઉપસ્થિત નર-નારીઓ ગતગંગા, ગતના ગોઠી અને ગતમાર્ગી તરીકે પણ ઓળખાય છે. પહેલા જુગમાં રાજાએ પાટ મંડાવ્યો. તેમનાં રાણી રત્નાદેએ એને મોતીડે વધાવ્યો. પાટની ગુરુગાદીએ આદિનાથજી અને કોટવાળ તરીકે ગણેશજી હતા. પ્રહ્લાદ રાજાના સમયે પંદર કરોડમાંથી પાંચ કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણપદને પામ્યા હતા. બીજા જુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાટ પુરાવ્યો. તેમનાં રાણી તારાદેએ એ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે ચૌરંગીનાથ અને કોટવાળ તરીકે ગરુડજી હતા. તે સમયે એકવીસ કરોડમાંથી સાત કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણપદ પામ્યા.
ત્રીજા જુગમાં યુધિષ્ઠિર રાજાએ પાટ મંડાવ્યો. રાણી દ્રૌપદીએ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે મચ્છદરનાથ અને કોટવાળ તરીકે ભૈરવજી હતા. તે સમયે સત્તાવીસ કરોડમાંથી નવ કરોડ ધર્મમાં ભળ્યા ને નિર્વાણપદ પામ્યા. ચોથા જુગમાં બલિરાજાએ પાટ પૂરાવ્યો. તેમનાં રાણી વિદ્યાવલીએ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે ગોરક્ષનાથજી અને કોટવાળ તરીકે હનુમાનજી હતા. તે સમયે છત્રીસ કરોડમાંથી બાર કરોડ ધર્મમાં ભળી નિર્વાણપદ પામ્યા. આમ, ચાર જુગના ચાર પાટમાં જેટલા નિર્વાણસ્પદ પામ્યા તેનો સરવાળો (5,7,9,12) તેત્રીસ કરોડનો થયો. આ તેત્રીસ કરોડ જે નિર્વાણપદ પામ્યા એ તેત્રીસ કરોડ દેવતાનું સ્થાન પામ્યા હોવાનું મનાય છે.
જેસલ-તોરલ, માલદે-રૂપાંદે, ખીમડિયો કોટવાળ, રાવત રણસિંહ, હડબુજી, હરજી ભાટી સહિત અનેક ભક્તોએ ભક્તિભાવનો એક અનોખો રંગ જમાવ્યો હતો, જેમનાં ભજનો આજે પણ લોકોનાં હૈયે મોજૂદ છે.