મુંબઈમાં વધુ એક વખત નેતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી ઝીશાન સિદ્દીકીને એક ઈમેઈલ દ્વારા આપવામાં આવી છે. ધમકી આપનારાએ રૂપિયા 10 કરોડની માગ પણ કરી છે. ઝીશાને આ અંગે મુંબઈ પોલીસને જાણ કરી છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ ઝીશાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને પહોંચી છે.
ઝીશાનના પિતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે આ પહેલા મુંબઈમાં તેમના પુત્રની ઓફિસની બહાર કેટલાક હુમલાખોરોએ બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. 12 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા પૂર્વમાં 3 હુમલાખોરોએ એનસીપી નેતા ઝીશાનના પિતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ બાબાને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બાબા સિદ્દીકીએ 1999, 2004 અને 2009માં સતત ત્રણ વખત બાંદ્રા પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. બાબા સિદ્દીકી 66 વર્ષની વયે અવસાન પામ્યા હતા. આ હત્યાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં કડક કાર્યવાહી કરતા મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (MCOCA) એક્ટ હેઠળ 26 આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો.