ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે. આજે BNP કાર્યકર્તાઓએ ઢાકામાં ભારતીય હાઈ કમિશનની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના ત્રણ સંગઠનોના હજારો સમર્થકોએ ત્રિપુરામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશન પર થયેલા હુમલાના વિરોધમાં ઢાકામાં ભારતીય હાઈ કમિશન તરફ કૂચ કરી હતી.
BNPના ત્રણ સંગઠનો JCD, JJD અને JSDએ ભાગ લીધો
BNPના ત્રણ સંગઠનો JCD, JJD અને JSDએ તેમાં ભાગ લીધો હતો. મળતી માહિતી મુજબ રાજધાની ઢાકાના નયાપલટન વિસ્તારમાં BNP મુખ્યાલયની સામે ત્રણેય સંગઠનોના કાર્યકર્તાઓ એકઠા થયા હતા, પ્રદર્શનકારીઓએ હાથમાં પ્લેકાર્ડ પકડ્યા હતા. તાજેતરના મહિનાઓમાં બંને પડોશીઓ વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીની ઢાકાની મુલાકાતના એક દિવસ પહેલા વિરોધ પ્રદર્શનો થયા હતા.
પોલીસે રામપુરા વિસ્તારમાં બેરિકેડ દ્વારા માર્ચને અટકાવી
ઢાકામાં 6 કિલોમીટર સુધી કૂચ કર્યા બાદ પોલીસે રામપુરા વિસ્તારમાં બેરિકેડ દ્વારા માર્ચને અટકાવી હતી. ત્યાંથી એક પ્રતિનિધિમંડળ ઢાકામાં ભારતીય હાઈ કમિશનમાં ગયું અને એક મેમોરેન્ડમ સુપરત કર્યું. અગાઉ 2 ડિસેમ્બરે ભારતે અગરતલામાં બાંગ્લાદેશ સહાયક હાઈ કમિશન સંકુલમાં ઘૂસણખોરીની ઘટના બાદ નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન અને દેશના અન્ય રાજદ્વારી સંકુલ માટે સુરક્ષા વ્યવસ્થા વધારવાનો નિર્ણય લીધો હતો.
બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાના અહેવાલોથી સ્થિતિ તણાવપૂર્ણ
આ દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાના અહેવાલોથી સ્થિતિ તણાવપૂર્ણ છે. લઘુમતીના ઘરોમાં આગચંપી અને લૂંટફાટ અને મંદિરોમાં તોડફોડના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. શુક્રવારે રાત્રે ઢાકાની બહારના વિસ્તારમાં અન્ય એક હિન્દુ મંદિરમાં આગ લાગી હતી. ઢાકાની ઉત્તરે આવેલા ધોર ગામમાં આવેલા મહાભાગ્ય લક્ષ્મીનારાયણ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. મંદિરના નિરીક્ષક બાબુલ ઘોષે જણાવ્યું કે તેમના પૂર્વજોના મંદિરને સળગાવવાની ફરિયાદ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.