સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મિશનએ બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની મુક્તિ માટે અવાજ ઉઠાવ્યો છે. મિશનના બાંગ્લાદેશ શાખાના વડા સ્વામી પૂર્ણમાનંદે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને પત્ર લખીને સરકારને ચિન્મય દાસની વહેલી મુક્તિ સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની સંખ્યામાં નોંધપાત્ર વધારો
તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે દેશની વર્તમાન સ્થિતિને જોતા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને તાત્કાલિક મુક્ત કરવાથી તમારી સરકારની પ્રતિષ્ઠામાં સુધારો થશે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બાંગ્લાદેશના ઢાકા જિલ્લામાં શનિવારે સવારે કેટલાક લોકોએ ઈસ્કોન મંદિરમાં આગ લગાવી દીધી હતી. ઈસ્કોન બાંગ્લાદેશે જણાવ્યું હતું કે તે ઈસ્કોન ભક્તનું “પારિવારિક મંદિર” હતું, જ્યારે સંસ્થાના કોલકાતા કાર્યાલયે જણાવ્યું હતું કે “ઈસ્કોન નમહટ્ટા કેન્દ્ર”ને નિશાન બનાવવામાં આવ્યું હતું.
હિન્દુ મંદિરો પર અનેક હુમલા
આ હુમલો શનિવારે સવારે ઢાકા જિલ્લાના તુરાગ પોલીસ સ્ટેશન હેઠળના ધૌર ગામમાં થયો હતો. તુરાગ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે ગુનેગારોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)ના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્ર દાસ બ્રહ્મચારીના જણાવ્યા અનુસાર, ટીનની છત ઉપાડ્યા બાદ મંદિરમાં આગ લાગી હતી. તેમણે કહ્યું કે આગ ઝડપથી કાબુમાં આવી ગઈ હતી.
હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે ચિન્મય પ્રભૂ સ્વામીએ અવાજ ઉઠાવ્યો હતો
મીડિયા રિપોર્ટ મુજબ ભારતમાં ઈસ્કોન કોલકાતાના વાઈસ પ્રેસિડેન્ટ રાધારમણ દાસે જણાવ્યું હતું કે “તોડફોડ કરનારાઓએ નમહટ્ટાની મિલકતમાં મંદિરમાં આગ લગાવી હતી. બાંગ્લાદેશમાં ઈસ્કોન નમહટ્ટા કેન્દ્રને સળગાવી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ને ઢાકા પોલીસની ડિટેક્ટિવ બ્રાન્ચના અધિકારીઓએ ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના તખ્તાપલટ બાદ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે ચિન્મય પ્રભુ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે રંગપુરમાં એક વિશાળ વિરોધ રેલીને સંબોધી હતી.