જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પડઘા રમત જગત પર પણ પડ્યા છે. બીસીસીઆઇએ આઇસીસીને પત્ર લખ્યો છે. આ પત્રમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવા બાબતે કડક વલણ અપનાવવામાં આવ્યુ છે. પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરાઇ છે. રાજકીય અને સુરક્ષા કારણોસર આ કડક નિર્ણય લેવાયા હોવાનું સામે આવ્યુ છે.
BCCIનો ICC ને પત્ર
બીસીસીઆઈએ ઔપચારિક રીતે આઈસીસીને વિનંતી કરી છે કે ભવિષ્યમાં કોઈપણ આઈસીસી ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં ન રાખવા જોઈએ. બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે મેચ રમવા માંગતું નથી.
રાજકીય અને સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય
બીસીસીઆઈના પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય તણાવ અને સુરક્ષા ચિંતાઓને કારણે, બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખવાથી વધારાનો તણાવ પેદા થઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બોર્ડે આ પગલું ભર્યું છે.
મહિલા વનડે વર્લ્ડ કપ 2025: ભારત-પાકિસ્તાન મેચની પુષ્ટિ થઈ
જોકે, આગામી ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાશે, જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો નિશ્ચિત બની ગયો છે. આ ટુર્નામેન્ટ ભારતમાં 26 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ICC, PCB અને BCCI વચ્ચે થયેલા કરાર મુજબ, પાકિસ્તાન 2017 સુધી ભારતમાં તેની કોઈપણ મેચ રમશે નહીં. મહિલા વર્લ્ડ કપ આ વર્ષે 26 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર દરમિયાન ભારતમાં યોજાવાનો છે. ભારત અને પાકિસ્તાન માટે તટસ્થ સ્થળ ક્યાં છે તે હજુ નક્કી થયું નથી.
એશિયા કપ અંગે શું નિર્ણય લેવાયો છે?
આ ઉપરાંત, T20 વર્લ્ડ કપ ફેબ્રુઆરી અને માર્ચ 2026 માં ભારત અને શ્રીલંકાની યજમાની હેઠળ રમાશે. એશિયા કપ સપ્ટેમ્બર 2025 માં રમાશે. આ પણ ભારતના યજમાનીમાં રમાશે. આવી સ્થિતિમાં, આ ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે પણ રમી શકાય છે. જ્યારે ભારત અને પાકિસ્તાનને અલગ અલગ ગ્રુપમાં રાખી શકાય છે. બીસીસીઆઈની આ માંગ ચોક્કસપણે ક્રિકેટના રાજકારણને નવો વળાંક આપી શકે છે. આવનારા સમયમાં એ જોવું રસપ્રદ રહેશે કે ICC આ અંગે શું વલણ અપનાવે છે અને ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધો પર તેની શું અસર પડે છે.