- ભજનાનંદી બધાંને ભેગાં કરે છે. નાનકે સૌને ભેગાં કર્યાં; કબીરે ભેગાં કર્યાં; નરસિંહે ભેગાં કર્યાં
કુરુક્ષેત્રના ધર્મક્ષેત્રમાં એક રથ છે. એ રથના સારથિ કૃષ્ણ છે. રથી અર્જુન છે. શ્વેત ઘોડાઓ છે. ત્યાં ધર્મક્ષેત્ર છે. `રામચરિત માનસ’માં ધર્મરથ છે. ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રમાં મૌલિક અંતર છે. જેનું સારથ્ય કૃષ્ણ કરી રહ્યા છે એ રથ યુદ્ધના આરંભમાં આવ્યો છે અને `માનસ’નો આ ધર્મરથ લગભગ યુદ્ધના અંતમાં આવ્યો છે. કુંભકર્ણ વીરગતિ પામ્યો છે. મેઘનાદ વીરગતિ પામ્યો છે. બધા વીરપુરુષો નિર્વાણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. ધર્મક્ષેત્રવાળા રથમાં હજી લોહીનું એક ટીપું પણ નહોતું પડ્યું અને `ગીતા’ આવી. અને રામકથાનો આ ધર્મરથ, જ્યાં ધરતી લોહીલુહાણ થઈ ચૂકી હતી; અંતિમ અધ્યાય હતો ત્યારે રથ આવ્યો, ધર્મરથ-આધ્યાત્મિક રથ આવ્યો. ત્યાં પહેલાં અર્જુનના મનમાં એવું છે કે મારે સ્વર્ગ નથી જોઈતું. આ લોકોની હત્યા કરીને સ્વર્ગ મળે તો પણ એ નથી જોઈતું. `ગીતા’ના ઉપદેશમાં અર્જુનની વિરક્તિનું દર્શન પહેલાં થાય છે, પછી રક્ત વહે છે અને અહીં ઓલરેડી રક્ત વહી ચૂક્યું છે અને પછી વિરક્તિ આવી છે. બંને વચ્ચે કેટલુંક વૈષમ્ય પણ છે, કેટલુંક સામ્ય પણ છે. `મહાભારત’ના કુરુક્ષેત્રના રથના સારથિ કૃષ્ણ છે, લડનારો અર્જુન છે. ત્યાં ભગવાન લડવાના નથી અને અહીં `રામચરિત માનસ’માં ભગવાન જ લડવાના છે. ભગવાન સ્વયં યુદ્ધ કરવાના છે. અહીં સારથી ઈશ નથી, ઈશ-ભજન છે.
સારથિનાં ત્રણ કાર્ય હોય છે. એની ત્રણ જવાબદારીઓ હોય છે. એક, રથને જોડેલા ઘોડાઓ બંધન તોડીને બેફામ બનીને જુદીજુદી દિશામાં ચાલ્યા ન જાય એનું ધ્યાન રાખવું, નહીંતર રથ ગબડી પડી શકે છે. સારથિનું પહેલું દાયિત્વ છે ઘોડાને સંભાળીને રાખવાનું. સારથિનું દાયિત્વ છે કે એવી રીતે લગામ પકડી રાખે કે ઘોડાઓ જુદીજુદી દિશામાં ભાગે નહીં. સારથિનો બીજો ધર્મ છે, એ રથને લક્ષ્ય સુધી પહોંચાડે. લક્ષ્યથી વિપરીત રથ ન જવો જોઈએ, એ પણ સારથિનું દાયિત્વ છે અને સારથિનું ત્રીજું દાયિત્વ રથમાં જે રથી બેઠા છે એની કોઈ પણ પ્રકારે સુરક્ષા કરવાનું બની રહે છે. સર્વસામાન્ય સારથિનાં આ ત્રણ લક્ષણો છે, પરંતુ `મહાભારત’માં કૃષ્ણ સારથિ બન્યા છે તો એ સર્વસામાન્ય સારથિ નથી, એ તો ઈશ્વર છે. તો ઈશ્વર સારથિ બને ત્યારે એનાં પાંચ દાયિત્વ હોય છે.
આધ્યાત્મિક અર્થમાં ઘોડા એટલે ઈન્દ્રિયો. `મહાભારત’ના ઘોડા જુદાજુદા રંગના હોય છે. પ્રત્યેક ઈન્દ્રિય રૂપી ઘોડા ચાર રંગના હોય છે. ક્યારેક-ક્યારેક આપણી ઈન્દ્રિયો લાલ રંગની થઈ જાય છે. આંખો લાલ, જીભ લાલ, સ્પર્શ લાલ, મનનું ચિંતન લાલ! અંત:કરણ ચતુષ્ટ્યમાં આંતરિક ઈન્દ્રિયો છે એ લાલ રંગની થઈ જાય છે. લાલ રંગની એટલે કે પ્રેમના રંગની થઈ જાય છે. સાંભળતા જ પ્રેમ પ્રગટ થાય, બોલતાં જ પ્રેમ પ્રગટ થાય, સ્પર્શથી પ્રેમ પ્રગટ થાય, જીભમાંથી પ્રેમ પ્રગટ થાય ત્યારે સમજવું કે આપણા ઈન્દ્રિય રૂપી ઘોડા લાલ છે. બધી ઈન્દ્રિયો જ્યારે પ્રેમપૂર્ણ હોય ત્યારે સમજવું કે આપણા ઈન્દ્રિય રૂપી ઘોડાનો રંગ લાલ છે. ઈન્દ્રિયો જો ખોટું વિચારે નહીં. ખોટી જગાએ જાય નહીં; કપટ, ક્લેશ, કુપથ, કુચાલ, દંભ, પાખંડ, કુતર્ક વગેરે વગેરેનું વિચારે નહીં અને શાંત હોય તો એ શ્વેત છે, પરંતુ એવી બધી વાતોમાં જાય તો સમજવું કે ઈન્દ્રિયોના ઘોડા કાળા થતા જાય છે અને જ્યારે આપણી ઈન્દ્રિયો સારી દિશામાં જવા લાગે, આપણી વાણી પરમનું કથન કરે, આપણા કાન પરમનાં વચનો સાંભળે, આપણા હાથ શુભ કાર્ય કરે, આપણા પગ સારા સ્થાન તરફ ગતિ કરે, જ્યારે ઈન્દ્રિયો દીક્ષિત થઈને સાચા રસ્તે વળી જાય તો ઈન્દ્રિય રૂપી ઘોડાનો રંગ લીલો થઈ જાય છે. ફકીર લોકો લીલાં કપડાં શા માટે પહેરે છે? જેમની નિયત મહોબ્બતથી ભારોભાર ભરેલી હોય, હરી-ભરી હોય, એનું પ્રતીક છે લીલો રંગ.
ઈશ્વર રૂપી સારથિનાં બીજાં બે લક્ષણ. એ ચોથું દાયિત્વ નિભાવે છે કે એ આપણું ભરણપોષણ કરે છે અને પાંચમું દાયિત્વ એ છે, એ સદાય પહેલાં રથીને બેસાડે છે. જ્યારે ઈશ્વર-કૃષ્ણ સારથિ હોય છે અને મહાભારતનું યુદ્ધ જ્યારે પૂરું થયું ત્યારે કૃષ્ણએ અર્જુનને કહ્યું, હવે તું રથમાંથી ઊતરી જા. જીવ હોવાને કારણે અર્જુનને પ્રશ્ન થયો, આજે ગોવિંદ એવું કેમ કરે છે? આપણું જીવન જેમના આશ્રયમાં હોય એ ક્યારેક ક્યારેક થોડો ગુસ્સો કરે તો દિવાળી મનાવજો! માનજો કે મારું કંઈક શુભ થવાનું છે. `માનસ’માં લખ્યું છે, જેમનો ક્રોધ પણ મુક્તિનો મારગ છે. અર્જુનને કૃષ્ણએ ત્રણ વાર કહ્યું અને રોષમાં કહ્યું કે ઊતરી જા અર્જુન! ગોવિંદનું જે હૃદય હતું એને કોણ સમજી શક્યું હતું? ભગવાનના પગની પાનીમાં તીર વાગ્યું, છતાં પણ કૃષ્ણ એ તીર કાઢતા નથી. પીડા થઈ રહી છે. અસ્તિત્વએ ગોવિંદને પૂછ્યું કે આપ તીર શા માટે કાઢતા નથી? તો કૃષ્ણએ કહ્યું, મારા શરણમાં જે આવે છે એને કાઢવા એ મારો ધર્મ નથી. ભલે મારું રક્ત વહે. કોઈ એક વાર મને પોકારે, એમ કહે કે હું તારો છું, તો હું આખી દુનિયાને અભયદાન આપું છું. કૃષ્ણએ ત્રણ વાર અર્જુનને કહ્યું, ઊતરી જા! અર્જુનને થયું કે આમાં કંઈક રહસ્ય છે, એટલે એ ઊતરી ગયો. જેવો અર્જુન ઊતરીને નિશ્ચિત એવા ડિસ્ટન્સ પર ઊભો રહ્યો કે તરત જ કૃષ્ણએ ઘોડાની લગામ ફેંકીને રથમાંથી નીચે છલાંગ લગાવી! રથ ભસ્મ થઈ ગયો. પછી કૃષ્ણએ કર્ણનો મહિમા ગાયો.
ભજન રૂપી સારથિ મળે તો એ પાંચ નહીં, સાત દાયિત્વ નિભાવે છે. જેમણે ભજન કર્યું છે એમને સાત પ્રકારે રક્ષણ મળે છે. ભજન એટલે બંદગી; જે અર્થ કરો તે. આપણા જીવનનું સારથ્ય-સારથિપણું જ્યારે ભજનને સોંપી દેવામાં આવે છે ત્યારે એ આપણી ઈન્દ્રિયોના ઘોડાને વિપરીત દિશામાં જવા નથી દેતા. તુલસીએ લખ્યું છે કે આપણી ઈન્દ્રિયોમાં કામ રૂપી ઘોડા હણહણાટ કરે છે ત્યારે ભજન રૂપી સારથિ જ એને રોકે છે.
રામભજન બિનુ મિટહિં કામા.
થલ બિહીન તરુ કબહું કિ જામા.
ભૂમિ ન હોય તો ક્યારેક ઝાડ જામી શકે? એવી રીતે રામભજન વિના ક્યારેય આ ઘોડો શાંત નથી થઈ શકતો. ભજન આપણી ઈન્દ્રિયોને સંતુલિત રાખે છે. ભજન સારથિ બને તો આપણે લક્ષ્ય ચૂકતા નથી. ભજન સારથિ બને તો એ રથીનું ધ્યાન રાખે છે. ભજનરૂપી સારથિનું ચોથું દાયિત્વ છે, એ ભરણપોષણ કરે છે અને ભજન સારથિ હોય છે ત્યારે આપણને સાવધાન કરે છે. ભજન ક્યાં ક્યાં રોકે છે એની ભજનાનંદીઓને ખબર હોય છે, બંદગીનિષ્ઠ ચેતનાઓને ખબર હોય છે. તો સામાન્ય સારથિનાં ત્રણ દાયિત્વ અને ઈશ્વર સારથિ બને તો એનાં પાંચ દાયિત્વ. ભજન સારથિ બને તો આ પાંચ તો છે જ, એ ઉપરાંત બીજાં બે પણ છે. ભજન રૂપી સારથિનું છઠ્ઠું દાયિત્વ એ છે કે એ સૌને ભેગાં કરી દે છે. ભજન સૌને ભેગાં કરે છે. વધારે પડતાં કર્મકાંડ જે નથી કરી શકતું, એ ભજન કરી શકે છે. ગુરુ નાનકે એ કામ કર્યું કે તેઓ કાશી પણ ગયા અને કાબા પણ ગયા. કબીરે એ કામ કર્યું કે એમના નિર્વાણ પછી કેટલાંક ફૂલ હિન્દુ પણ લઈ ગયા, મુસ્લિમ પણ લઈ ગયા. સાધનાસંપન્ન સાધક એ કરી શકે છે, કેમ કે ભજન એ કરાવી દે છે. ભજનાનંદીનો એ સ્વભાવ થઈ જાય છે અને ભજનાનંદી પુરુષને કોઈ વ્રત નથી હોતું. સમાજમાં કોઈ સાથે એને ભેદ નથી હોતો. એક ધાગામાં એ બધાને પરોવી રાખે છે. ભજન સમાજને તૂટવા નથી દેતો. ભજન જો માણસને માણસથી અળગા રાખે તો નરસિંહ મહેતા દલિતોના વાસમાં જઈને ભજન કરે નહીં. ભજનાનંદી બધાંને ભેગાં કરે છે. નાનકે સૌને ભેગાં કર્યાં; કબીરે ભેગાં કર્યાં; નરસિંહે ભેગાં કર્યાં; અને ભજન જેમના રથનો સારથિ હોય એમનું સાતમું બહુ જ સુંદર દાયિત્વ છે કે એ ભજનાનંદીને કલંક નહીં લાગવા દે. ભજન સ્વયં પોતાના ઉપર કલંક લઈ લે છે. બંદગી બોલે છે અને જ્યારે બંદાને કોઈ કલંક લાગવાનું હોય ત્યારે એને કલંક લાગવા ન દે અને બંદગી સ્વયં કલંક સ્વીકારી લે. ભજન ભગતને નિષ્કલંક રાખે છે. એ સારથિનું દાયિત્વ છે. આવાં સાત-સાત દાયિત્વ પૂરાં કરે છે હરિભજન.