ગરમી મોજુ અને રાજકિય વિપરિત પ્રવાહ વચ્ચે લોકોને મતદાન માટે પ્રેરવા નેતાઓના તનતોડ પ્રયાસ
આગામી ૭મી મેના રોજ ગુજરાત વિધાનસભાની ર૫ બેઠક ઉપર લોકસભાની ચૂંટણીનું મતદાન થવા જઇ રહયુ છે. હવે મતદાનને માત્ર એક સપ્તાહનો જ સમય બાકી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં મહતમ મતદાન થાય તે માટે શાસક પક્ષ ભારતિય જનતા પાર્ટી વિરોધ પક્ષ કોંગ્રેસ વગેરે માટે એડી ચોંટીનું જોર લગાવી રહયા છે. ઇન્ડિયા ગઠબંધનના નેતા પ્રિયંકા ગાંધીએ ગુજરાતમાં એક જાહેર સભા યોજીને ચૂંટણી જંગને રોચક બનાવ્યો છે. જયારે રાહુલ ગાંધી આજે પાટણમાં જાહેર સભા સંબોધવાના છે. ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે સૌરાષ્ટ્રનો હવાઇ પ્રવાસ યોજી જામકંડોરણા સહિતના શહેરોમાં જાહેર સભા યોજી ચૂંટણી પ્રચારમાં ગરમી લાવી દીધી છે. વડાપ્રધાન નરન્દ્રભાઇ મોદી ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવી રહયા છે. બીજી મેએ તેઓ જૂનાગઢ જામગર સહિત અનેક સ્થળે જાહેર સભાઓ ગજવશે.
ચૂંટણી પ્રચારના આખરી તબકકા બાદ વાતાવરણમાં રાજકિય ગરમી આવશે. સાથે સાથે હવામાન વિભાગની આગાહિ મુજબ ૭મી મેના રોજ ગરમીનો પારો પણ મહતમ સપાટીએ રહેશે. આકરી ગરમીમાં બપોરે બાર-એક વાગ્યા બાદ મતદાન ઉપર વિપરિત અસર પડે છે. અનુભવ કહે છે કે બપોરે બાર એક-વાગ્યાથી ચાર વાગ્યા સુધી મતદારો ગરમીના કારણે ઘરની બહાર નિકળતાં નથી. આથી સવારના સમયે જ મહતમ મતદાન થાય એવા પ્રયાસો રાજકિય પક્ષો કરશે.
પ્રથમ અને બીજા તબકકાના મતદાનમાં બિહાર,મહારાષ્ટ્ર,ઉતરપ્રદેશના પશ્ચિમ વિસ્તાર,રાજસ્થાન સહિત અનેક સ્થળે મતદાનની ટકાવારી પ૦ થી પપ ટકા સુધી જ રહેતાં રાજકીય પક્ષોની ચિંતા વધી છે. ખાસ કરીને ભારતિય જનતા પાર્ટી અને સાથી પક્ષોએ ૪૦૦ બેઠક ઉપર વિજયનું સૂત્ર વહેતું મુકયુ છે. આવા સંજોગોમાં ઓછુ મતદાન હરિફાઇ વધારે છે.
ગુજરાતની વાત કરીએ તો સુરત બેઠક બિનહરિફ બની ગયા બાદ રપ બેઠકો ઉપર મતદાન થનાર છે. ૭મી મીને હવે એક જ સપ્તાહનો સમય બાકી છે. આવા સંજોગોમાં ગુજરાતમાં રાષ્ટ્રિય નેતાઓના પ્રચારને બાદ કરતાં રાષ્ટ્રીય મુદાઓ ખાસ ચાલ્યા નથી. ક્ષત્રિય આંદોલન તેના બીજા તબકકામાં છુટ્ટો છવાયો વિસ્તારવાર વિરોધ દર્શાવે છે. આથી સ્થાનિક સભાઓની સંખ્યા ઘટી છે. તેને બદલે જ્ઞાતિ સંગઠનોની બેઠકોનો દોર જૂથ મિલન વધ્યા છે. ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટીએ ર૬ બેઠક જીતવાની હેટ્રિક માટેની તૈયારી કરી છે. સાથે સાથે આ વખતે તમામ બેઠક ઉપર ભાજપના વિજેતા ઉમેદવારને પાંચ લાખથી વધુની લીડ મળે એવો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યાંક સામે મુખ્ય પડકાર ઓછા મતદાનનો છે. જો મતદાન ૬૦ ટકાથી ન વધે તો પાંચ લાખની લીડનો લક્ષ્યાંક વધુ પડકારજનક બની જાય. સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો ઉપર તો કોંગ્રેસ અને આપના મજબુત વિપક્ષી ઉમેદવારો ચૂંટણી લડી રહયા છે. આવી સ્પર્ધાવાળી બેઠકો ઉપર કેવી પેટર્નથી મતદાન થાય છે અને કયો વર્ગ મતદાનમાં નિર્ણાયક થયો તે જોવું રસપ્રદ થશે.
આ ચૂંટણી એક સમયે નિરશ જણાતી હતી. પરંતુ તેના અંતિમ તબકકામાં પહોંચતાં સુધીમાં અનેક સરપ્રાઇઝ એલિમેન્ટથી સસ્પેન્સ બની ચુકી છે. આ ચૂંટણીમાં પરિણામની આગાહિ કરતાં પહેલાં મતદાનની ટકાવારી અને મતદાનની પેટર્ન ઉપર રાજકિય પક્ષોનો ખાસ મદાર રહેશે. ઓછુ મતદાન સ્વાભાવિક રીતે સતાધારી પાર્ટી માટે પડકારજનક હશે. જયારે વિપક્ષ માટે કમીટેડ મતદારોનું મતદાન સિકયોર હોવાથી ઓછા મતદાનમાં સસ્પેનસ વધશે. કેટલીક બેઠકો ભરેલા નાળિયેર જેવી થવાની સંભાવના છે. ભારતિય જનતા પાર્ટી તેની લોકપ્રિયતા બરકાર રાખવા ભારે મતદાન માટે એડીચોંટીનું જોર લગાવશે એ વાત નિશ્ચીત છે. વડાપ્રધાનની સભા બાદ જાહેર પ્રચાર તેની ચરમસિમાએ હશે ત્યારે જ બુથ મેનેજમેન્ટ માટે યુધ્ધના ધોરણે કામ થતું હશે. ભાજપની પેજ કમિટી આ વખતે નિર્ણાયક ભૂમિકા નિભાવશે.