ઉભરાતી ડ્રેનેજ ગટર, રોડ પર ફૂટ ફૂટના ગાબડાં, વરસાદી પાણીના ગંધાતા ખાબોચિયાથી રહેવાસીઓ ત્રાહીમામ, મહિલાઓએ થાળી વગાડી, પુરુષોએ ઢોલ વગાડીને મનપા-શાસકોની આબરૂ પીટી નાંખી
અગાઉ પણ અંબિકા ટાઉનશીપની એક ડઝન સોસાયટીના રહેવાસીઓ રસ્તા પર ઉતર્યા હતા પણ, પાડા પર પાણી રેડવામા આવે તો પણ કંઇ ફરક ન પડે, નગરસેવકો સામે રહેવાસીઅીનો આક્રોષ
ચૂંટણી સમય મધલાળ આપીને ભાગી જવુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઠીમાં મોઢુ નાંખીને શરમાવુ પડે તેવી હાલત ક્યારેક વિફરેલી જનતા કરે છે. રાજકોટની જાગૃત પ્રજા હવે આ ફોર્મ્યુલા સમજી ગઇ છે. શાસકપક્ષને તેની ઓકાત દેખાડવા માટે જનતા જનાર્દન કોઇ પણ પ્રકારે, કોઇપણ સ્વરૂપે પોતાનો રોષ પ્રગટ કરે છે. આજે શહેરના મવડીમાં આવેલા અંબંકા ટાઉનશીપના રહેવાસીઓએ અહીં ચૂંટાયેલા કોર્પોરેટરોને જો શરમનો છાંટો હોય તો ગહન ચિંતા કરે તેવો પ્રકોપ દેખાડ્યો હતો. અંબિકા ટાઉનશીપમાં ધોવાયેલા રસ્તા, ફૂટ ફૂટના ગાબડાં, વરસાદી પાણીના ગંધાતા ખાબોચિયા અને ઉભરાતી ડ્રેનેજ ગટર વચ્ચે નર્કાગાર હાલતમાં જીવતા રહેવાસીઓ આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભાજપના ઝંડા ઉંધા ફરકાવી, ઢોલ-નગારા સાથે પાર્ટીનો ફજેતો કરવાનો ઉગ્ર દેખાવો કર્યો હતો.
અંબિકા ટાઉનશીપ એક ડઝનથી વધુ સોસાયટીમાં રોડ, ગટર, પાણી, સ્ટ્રીટલાઇ સહિતની પ્રાથમિક સુવિધા અનેકવખત રજૂઆતો કરવા છતા ન મળતા અંતે લોકોને આંદોલનના માર્ગે વળવુ પડ્યુ છે. મતભુખ્યા નેતાઓ અને મનપાના તંત્રવાહકો સામે આક્રોષ ફાટી નીકળ્યો છે.
વોર્ડ નં.૧૧માં છેલ્લા દસ વર્ષથી વસેલી જે એક ડઝનથી વધુ સોસાયટીમાં પ્રાથમિક સુવિધા માટે લોકોને રિતસર બે હાથ લાંબા કરીને ભીખ માગવી પડે તેવી પરિસ્થિતિમાં મુકનાર મનપાના શાસકો અને તંત્રવાહકો સામે આક્રોશ જ્વાળામુખીની જેમ ફાટ્યો છે. આ સોસાયટીઓમાં ૧3 હજાર ઘર અને ૫૦ હજારથી વધુ વસતી છે. એમછતા શાસકો શા માટે અવગણના કરે છે એ સમજાવતુ નથી તેવી હૈયાવરાળ વિસ્તારવાસીઓ ઠાલવી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતા મનપાના પદાધિકારીઓ અને આ વિસ્તારમાં ચૂંટાયેલા નગરસેવકોની આબરૂનો ધજાગરો કરતો દેખાવો કર્યો હતો. આજેવધુ એકવખત અંબિકા ટાઉનશીપની જનતા રસ્તા પર ઉતરી આવી હતી. પાણી ભરેલા ખાડામાં ભાજપનો ઝંડો ઉંધો ફરકાવ્યો હતો. સાથે સુત્રોચ્ચાર સાથે ઢોલ નગારા અને થાળી વગાડીને ભાજપની આબરૂ પીટી હતી.
આટલી સોસાયટી શાસકો નર્કાગાર હાલતમાં
- જીવરાજ ભુવન
- ચોકલેટ એવન્યૂ
- જીવરાજ રેસીડેન્સી
- કસ્તુરી અવીયરી
- નચિકેતા સ્કુલ
- હિરવિલા એપાર્ટમેન્ટ
- સમન્વય પેલેસ એ-બી
- શ્રીનાથજી એપાર્ટમેન્ટ
- શુભ આર્કેડ એપાર્ટમેન્ટ
- શ્રી વલ્લભ એપાર્ટમેન્ટ
- શ્યામેશ્વર મહાદેવ સોસાયટી
નગરસેવકોથી માંડી મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી સુધી લખાયા પત્રો, છતા સમસ્યા યથાવત
આજે રોડ પર ઉતરી આવેલા એક ડઝનથી વધુ સોસાયટીના આગેવાનોએ કહ્યુ હતુ કે, અમે અમારી યાતના, વેદના વ્યક્ત કરવા એકપણ જગ્યા છોડી નથી. સ્થાનિક નગરસેવકોને અનેક વખત કહ્યુ, મ્યુનિ.કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી, ભાજપ કાર્યાલયે પત્રો લખ્યા, મુખ્યમંત્રી અને છેક પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પત્રો લખી લખીને થાકી ગયા. આમછતા એકપણ જગ્યાએથી અમારી વેદનાને સમજવાવાળુ કોઇ મળ્યુ નહીં એટલે અમારે આજે આંદોલનનો માર્ગ પકડવો પડ્યો છે.