ઉતરપ્રદેશ, બિહાર અને હરિયાણાના યાદવ મતદારોને રિઝવવા સાથે અખિલેશ,તેજસ્વી યાદવની વોટબેંક ઉપર ભાજપની નજર
મધ્યપ્રદેશમાં મોહન યાદવને મુખ્યમંત્રી તરીકે પસંદ કરી ભારતિય જનતા પાર્ટીએ લાંબાગાળાની ચાણકયનીતિના દર્શન કરાવ્યા છે. સૌ પ્રથમ તો ભાજપ જ એક એવી પાર્ટી છે કે જયાં કોઇ પણ કાર્યકર મુખ્યમંત્રી બની શકે છે. કોઇ પણ કાર્યકર વડાપ્રધાન બની શકે છે એ મેસેજ લાઉડ એન્ડ કલીયર ગયો છે. મધ્યપ્રદેશની જ આજે વાત કરીએ તો મોહન યાદવને મુખ્યમંત્રી બનાવી ભાજપે ઉતરપ્રદેશ,બિહાર અને હરિયાણાના યાદવ મતદારોને રિઝવવાની કોશિષ કરી છે. કારણ કે આ ત્રણ રાજયોમાં ભાજપ યાદવ મુખ્યમંત્રી બનાવી શકે તેમ નથી. આવા સંજોગોમાં હવે મોહન યાદવની પસંદગી કરી તેને ફર્શથી અર્શ ઉપર મૂકી દીધા છે. ગઇ કાલ સુધી જમીની નેતા મોહન યાદવ હવે લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રિય નેતા તરીકે જાણીતા થઇ જશે. તેમને યુ.પી. બિહાર અને હરિયાણામા પ્રચાર કાર્યમાં સ્ટાર પ્રચારકની યાદિમાં સમાવી લેવાશે.
સૌ પ્રથમ ઉતરપ્રદેશની વાત કરીએ તો અખિલેશ યાદવના મનમાં એમ હતું કે તે ર૦ર૭ની યુ.પી.ની વિધાનસભાની ચૂંટણી સુધીમાં પી.ડી.એ. થિયરી(પીછડા,દલીત અલ્પસંખ્યક) ઉપર પોતે યુ.પી.માં સતા હાંસલ કરી શકશે. પરંતુ હવે અખિલેશનું રાજકીય ભાવિ ર૪ની લોકસભાની ચૂંટણીમા નકકી થઇ જશે. કારણ કે અખિલેશને બે વિધાનસભાની ચૂંટણી અને બે લોકસભાની ચૂંટણીમાં સતત હાર મળી છે. આ ઉપરાં પંચાયતોની ચૂંટણીઓમાં અખિલેશને હાર મળી છે. તેનું ઓમપ્રકાશ રાજભર સાથેનું ગઠબંધન પણ તુટવાની કગાર ઉપર છે. બસપા સાથે મુલાયમ અને કાંશિરામ વખતથી થયેલા ચૂંટણી જોડાણ નિષ્ફળ ગયા છે. આમ અખિલેશ ચોમેરથી ઘેરાઇ ગયા છે.
બિહારની વાત કરીએ તો મોહન યાદવને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવવાથી ભાજપ સીધી રીતે તેજસ્વી યાદવની વોટબેંક ઉપર ધાડ નહી મારી શકે. પરંતુ યાદવ મતોમાંથી એક યુવા હિસ્સો જે વડાપ્રધાન મોદીના કરિશ્માને કારણે લોકસભા પૂરતાં તો તેની તરફેણમાં મતદાન કરે એવુ ગણીત છે. જેમાં મોહન યાદવ લોકસભામાં બિહારમાં પ્રચાર કરી યાદવો કાર્ડ ખેલી યાદવોને કુણા પાડવાની ભૂમિકા ભજવી શકે છે.
હરિયાણામાં યુ.પી.બિહાર જેટલા યાદવ મતદારો નથી. પરંતુ ગણનાપાત્ર મતદારો છે. ભાજપન અહીં કોંગ્રેસમાથી ભાજપમાં આવેલા રાવ ઇન્દ્રજીતનું દબાણ હતું તેના રાજકિય બ્લેક મેઇલીંગનો જવાબ મોદી-અમિત શાહે મોહન યાદવની પસંદગી કરીને આપ્યો છે. ભાજપ પાસે પોતાનો યાદવ નેતા છે એવા સંદેશા સાથે હરીયાણામાં લોકસભાની ચૂંટણીમાં મોહન યાદવને પ્રચારમાં ઉતારાશે.
આમ યુ.પી.બિહાર અને હરિયાણામાં ભાજપ લોકસભાની ચૂંટણીમાં યાદવ મતોના ધ્રુવીકરણને અટકાવવા માટે યાદવ મુખ્યમંત્રી દ્વારા નિશાન તાંકી ચુકી છે.