ભારતિય જનતા પાર્ટીમાં હાલ સંગઠન પર્વ ચાલી રહયુ છે. નવા સંગઠનની રચના માટે તમામ જિલ્લાઓમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયાના ભાગ રૂપે ગત શનિવારે રાજકોટમાં ભાજપના નિરિક્ષક અને પીઢ મહિલા અગ્રણી માયાબેન કોડનાણીની ઉપસ્થીતિમાં યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં વય મર્યાદા છુપાવવા માટે વોર્ડ નંબર ૧૪ના અગ્રણી અને બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલાએ જન્મતારીખના દાખલા સાથે ચેડાં કરી ઓછી વય દર્શાવતાં દસ્તાવેજો પાર્ટી સમક્ષ રજૂ કર્યા હતાં. પક્ષના મોવડીઓને આંખે પાટા બાંધનાર અગ્રણીને પાર્ટીએ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાને બદલે કુલડીમાં ગોળ ભાંગવા મન બનાવ્યુ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
હાલ વિપુલ માખેલનાનું ફોર્મ વોર્ડ પ્રમુખ પદની દાવેદારીમાંથી રિજેકટ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત હાલ વિપુલ માખેલાને તમામ જવાબદારીથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. જો કે, વિપુલ માખેલા, શૈલેષ હાપલિયા અને નનામી ચીઠઠીમાં જેના નામ છે એ કાર્યકરો સામે સ્થાનિક નેતાઓએ કોઇ પગલાં ભરવા બાબતે કુલડીમા ગોળ ભાંગી લીધો છે.
શું હતો મામલો ?
ભાજપમાં વોર્ડ પ્રમુખ સહિતના પદ માટે ૪પ વર્ષની વય મર્યાદા નકકી કરવામાં આવી છે. વિપુલ માખેલાને વય મોટી હોવાથી તેણે જન્મ તારીખના દાખલામાં પોતાની મેળે ચેડાં કરી ઓછી વય કરી નાંખી હતી. આ દસ્તાવેજ પાર્ટીને પોતાની દાવેદારી સાથે આપ્યા હતાં. આ મામલે પેપર ફૂટી જતાં વિપુલ માખેલના સામે વોર્ડ નંબર ૧૪માંથી જ વિરોધ વંટોળ ઉઠયો હતો.તેના વિરૂધ્ધ્ મિડિયાં પત્ર પણ વાઇરલ થતાં પાર્ટીને તાત્કાલીક ડેમેજ મેનેજમેન્ટના ભાગ રૂપે તેની સામે પગલાં લેવા પડયા છે. જો કે, આ પગલાં તેને છાવરવા માટેના હોવાનું વોર્ડ નંબર ૧૪ના કાર્યકરોમાં ખુલ્લે આમ ચર્ચાય છે.