આપણે ત્યાં દરેક તહેવાર કે વ્રત સંબંધવિશેષને લઈને પણ હોય છે. આવો જ એક સંબંધ છે સાસુ અને વહુનો. સાસુ-વહુના સંબંધો વિશે અત્યારે ભલે ગમે તે કહેવાતું હોય, ભલે નાનીમોટી ખટપટ થતી હોય, પરંતુ મુશ્કેલીના સમયે આ સંબંધો મા-દીકરીના જ થઈ જાય છે. ગૌમાતાના પૂજન સાથે વણાયેલી સાસુ-વહુની કથા ખરેખર ઘણું શીખવાડી જાય છે.
ગાયમાતા સૌના માટે પૂજનીય છે. ગાયમાતાનું દૂધ ઔષધીસમાન છે. તેમનાં મળ-મૂત્રને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સમગ્ર દેવતાઓનો તેમાં વાસ માનવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે અને ગાયમાતાનું પૂજન કરે છે.
બોળચોથની કથા
અતિ પ્રાચીન સમયની આ વ્રતકથા ઉલ્લેખનીય છે. એક કુટુંબના ફળિયામાં ગાય અને નાનો નમણો વાછરડો બાંધેલાં હતાં. વાછરડો ઘઉંવર્ણો હતો એટલે સૌ કોઈ એને `ઘઉંલો’ કહીને સંબોધતા.
શ્રાવણ મહિનામાં સાસુજી રોજ નદીએ નહાવા જાય. શ્રાવણ વદ ચોથનો દિવસ હતો. સાસુએ નદીએ જતી વખતે કહ્યું કે, `હું નદીએ નહાવા જાઉં છું. તમે આજે ઘઉંલો (ઘઉંની વાનગી) ખાંડીને રાંધી રાખજો.’
વહુ ખૂબ જ ભોળી હતી. તેણે તો સાસુની આજ્ઞા શિરોમાન્ય ગણીને ઘઉંની વાનગી રાંધવાને બદલે ફળિયામાં બાંધેલા `ઘઉંલા’ વાછરડાને બળપૂર્વક પકડીને ખાંડણિયામાં ખાંડીને મોટા હાંડલામાં ભરી હાંડલું ચૂલે ચડાવી દીધું. પુત્રવધૂએ ઘઉંલો રાંધી નાખ્યો. સાસુએ નદીએથી આવીને વહુને પૂછ્યું, `વહુ બેટા! ઘઉંલો રાંધી લીધો?’
વહુએ કહ્યું, `હા બા! પણ ઘઉંલાનાં તોફાન, બરાડા અને ઉધામાથી હું તો થાકી ગઈ. કાપ્યો કપાય નહીં અને ખાંડ્યો ખંડાય નહીં. બસ, ભાંભરડા જ નાખ્યા કરે, તોય જેમતેમ કરી કાપીકૂપી મેં તો રાંધી નાખ્યો.’
પુત્રવધૂના આ શબ્દો સાંભળી સાસુ તો શૂન્યમનસ્ક બની ગયાં. સાસુની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યાં. સ્વસ્થ થઈ સાસુએ ઠપકો આપતાં કહ્યું, `વહુ! આ તું શું બોલે છે? આજે બોળચોથ છે. હમણાં વાછરડાની પૂજા કરવા આડોશીપાડોશી આવશે. તેં તો આજે ભારે કરી.’
સાસુએ વહુને માથે પેલું હાંડલું ઉપડાવી ઘરની પછવાડે વાડામાં ઉકરડો હતો તેમાં દાટી દીધું. પડોશીઓને ગોળગોળ જવાબ આપી વિદાય કર્યા. ગોધૂલીનો સમય થયો. ગાય વાડામાં ચરવા ગઈ હતી તે ઘરે આવીને વાછરડો નહીં જોવાથી ભાંભરવા લાગી. સાસુ-વહુ તો થરથર ધ્રૂજવાં લાગ્યાં. ગાય સીધી વાડામાં ગઈ. ઉકરડામાં હાંડલું દાટ્યું હતું ત્યાં જઈને શિંગડાં ભરાવી હાંડલું ફોડી નાખ્યું. હાંડલું ફૂટતાંની સાથે જ `ઘઉંલો’ સજીવન થઈ ચારેય પગે કૂદકા મારી બહાર નીકળી આવ્યો અને હાંડલાનો કાંઠલો ગાયના ગળામાં પરોવાયેલો રહી ગયો.
સાસુ-વહુએ ઝટપટ કાંઠલો ફોડી નાખ્યો અને ફૂલનો હાર પહેરાવ્યો. થોડી વારે ગાય-વાછરડો આવી ગયાં હશે એમ માની આસપાસમાંથી બધાં ગાય-વાછરડો પૂજવા આવી પહોંચ્યાં. સૌએ વિધિપૂર્વક પૂજન કર્યું.
આ દિવસે સૌએ વ્રત લીધું કે, `શ્રાવણ વદ ચોથ એટલે કે બોળચોથના દિવસે અમે ખાંડીશું કે દળીશું નહીં, છરી-ચપ્પુથી છોલીશું કે શાકભાજી સમારીશું નહીં, કંઈ કાપીશું નહીં. ઘઉંનો ઉપયોગ કરીશું નહીં, ગૌમાતાનું પૂજન કરીશું.’